ભાણવડના મકાનમાંથી ૫.૮૪ લાખની ચોરી

  • March 13, 2023 07:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડમાં રહેતા એક પરિવારના મકાનમાં શનિવારે રાત્રિના સમયે તસ્કરોએ ખાબકી આ મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ ૬૦ હજારની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૫.૮૪ લાખની માલ-મત્તા ઉસેડી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.



આ સમગ્ર પ્રકરણની ભાણવડ પોલીસ દફતરમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના મૂળ વતની અને હાલ ભાણવડની ઓમકાર ગ્રીન ગાર્ડન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા તથા ખાનગી ક્લિનિક ચલાવતા નગાભાઈ ઉર્ફે નયનભાઈ દેવાણંદભાઈ રાવલીયા નામના ૩૩ વર્ષના આહિર યુવાન ગત તા. ૧૧ મી ના રોજ રાત્રિના સમયે વાળુ-પાણી કરીને સુતા હતા. ત્યાર બાદ રાત્રિના ત્રણથી રવિવારે સવારે છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. આ મકાનના રસોડાના બંધ દરવાજાનો આગરીઓ તોડી અને પ્રવેશેલા તસ્કરોએ તેમના મકાનમાં રહેલા લાકડાનો કબાટ ખોલી તેમાં રાખવામાં આવેલા કપડાં વિગેરે વેરવિખેર કરી નાખ્યા હતા.


આ લાકડાના કબાટમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ તેઓને જોવા મળી ન હતી. આથી તેઓએ તેમના રૂપિયા ૨,૭૩,૦૫૯ ની કિંમતના ૪૫.૮૭૦ ગ્રામ વજનના સોનાના બે હાર, અઢી લાખ રૂપિયાની કિંમતનો આશરે ૮ તોલાનો અન્ય એક હાર, ૫૦૦ ની કિંમતનો ખોટી ધાતુનો પીળો હાર ઉપરાંત રૂ. ૬૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થયાનું પ્રકાશમાં આવ્યું હતું.


આમ, કુલ રૂપિયા ૫,૮૩,૫૫૯ ના મુદ્દામાલની ચોરી થવા સબબ ભાણવડ પોલીસે નગાભાઈ ઉર્ફે નયનભાઈ રાવલિયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં અહીંના ડી.વાય.એસ.પી. ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.ડી. વાંદા તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application