કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ૨૭ ગુજરાત બટાલીયન એનસીસી ખાતે નાગરિક સંરક્ષણના જુદા-જુદા પ્રયોગો શીખડાવાયા
જામનગર જીલ્લો સરહદી જીલ્લો હોવાથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જામનગર જિલ્લામાં ૪૫૭ તાલીમાર્થીઓને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા શું કરવું જોઇએ તે અંગે વિવિધ તાલીમ આપી હતી.
જામનગરમાં આવેલ ૨૭ બટાલીયન ગુજરાત એનસીસી ખાતે છેલ્લા બે દિવસથી એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ સેલ્ફ ડીફેન્સ તાલીમ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે.
જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે એનસીસી કેડેટ્સને આપવામાં આવી રહેલ તાલીમમાં ઉપસ્થિત રહી તેઓનો ઉત્સાહ વધારી કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો. કલેકટરએ જણાવ્યું હતું કે, જામનગર જીલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જીલ્લાના નાગરિકો ખાસ કરીને યુવાઓને સિવિલ ડીફેન્સ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. તથા નાગરિકોને મદદ મળી રહે તે માટે એનસીસી કેડેટ્સને પણ તાલીમ આપવામાં આવી રહી છે જેમાં બચાવ, રેસ્ક્યુ, ફાયર, પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
તા.૨૧મે ના રોજ કાલાવડ તાલુકામાં સેલ્ફ ડીફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોએ આપતકાલીન પરિસ્થિતિના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે જીલ્લા પ્રસાશન દ્વારા આ પ્રકારની તાલીમ યોજવામાં આવી છે. આ તાલીમમાં નાયબ નિયંત્રક વી.કે.ઉપાધ્યાય, પી.આઈ. એમ.વી.ખીલેરી, અધિકારીઓ, એનસીસી કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ અગાઉ જામનગર જિલ્લા પંચાયતમાં સભા ખંડમાં ૯૯ તાલીમાર્થીઓને તાલીમ અપાઇ હતી, ઉપરાંત ધ્રોલ તાલુકા પંચાયતમાં ૫૨, જોડીયા તાલુકા પંચાયતમાં ૪૭, કાલાવડ તાલુકા પંચાયતમાં ૫૯, લાલપુર તાલુકા પંચાયતમાં ૪૩, એનસીસી ૨૭, બીએન જામનગરના ૪૪, જામજોધપુર તાલુકા પંચાયત ૫૯ તેમજ એનસીસી ૨૭ બીએન જામનગરના વધુ ૫૪ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. નાગરીક સંરક્ષણ દળમાં ૭૯ વોલીયન્ટર્સ છે અને ૧૨ વિવિધ સેવા છે.
કોરોના સમયમાં અને ભુંકપ સમયે પણ નાગરીક સંરક્ષણના વોર્ડનોએ શાંતિના સમયમાં નાગરીકોને પ્રાથમિક તાલીમ તંત્ર દ્વારા આપવામાં આવી હતી. હાલની પરિસ્થિતિમાં વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ અને મઘ્યાહન ભોજનના સંચાલકોને પણ તાલીમ અપાય છે, વધુને વધુ એનસીસી કેડટસને પણ તાલીમ આપવામાં આવી રહી છે. રોટરી કલબ ઓફ જામનગર, લોહાણા મહીલા મંડળ સહિતની સંસ્થાઓના કાર્યકરોને પણ વિવિધ તાલીમ અપાય છે.
જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના સૂચન અનુસાર કાલાવડ તાલુકા પંચાયત ખાતે નાગરિક સંરક્ષણ અંગે એક દિવસીય પ્રાથમિક તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ, તલાટીઓ તથા સરપંચઓએ ભાગ લીધો હતો.
જેમાં તાલીમાર્થીઓને યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન કઈ રીતે સજ્જ રહેવુ તથા તંત્ર અને લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે અંગે સમજુતી આપવામાં આવી હતી. આ સાથે ફાયર વિભાગ અને ૧૦૮ દ્વારા પણ જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આમ જિલ્લા કલેકટર કેતન ઠકકર દ્વારા જામનગર જિલ્લામાં વધુને વધુ લોકોને આપતીકાળના સમયમાં પરિસ્થિતિનો સામનો કરવા માટે યુવાનોને તાલીમ આપવાના મીશનનો પ્રારંભ કરાયો છે.