જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટના ૩ સગીર વિધાર્થીઓ ભેદી રીતે ગુમ

  • August 31, 2023 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્કિમ અને નેપાળના ત્રણેય બાળકોે લાપત્તા બનતા શોધખોળ : પત્તો  નહીં સાંપડતા આખરે અપહરણની પોલીસ ફરીયાદ : સીસી ફુટેજ ચેક કરવા તથા પરિવારની વિગતો મેળવવાની તપાસ

જામનગરના ખંભાળીયા ગેઇટ નજીક આવેલ ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરતા સિક્કિમના બે અને  નેપાળનો એક સગીર વિદ્યાર્થી સંકુલમાંથી એકાએક લાપતા બની જતાં અને ત્રણેયનો કોઇ પત્તો ન મળતા આખરે તેઓનું અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે, અને બાળકોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફરીયાદના આધારે તેમના રહેણાંકની વિગતો મેળવી ઉપરાંત આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના ખંભાળિયા નાકા પાસે આવેલા શ્રી પ, નવતનપુરીધામ ખીજડા મંદિર ટ્રસ્ટના મંદિર પરીસરમાં  રહી ને અભ્યાસ કરી રહેલા ૧૦ થી ૧૨ વર્ષની વયના સિક્કિમના બે વિદ્યાર્થીઓ જ્યારે ૧૨ વર્ષનો નેપાળનો એક સગીર વિદ્યાર્થીઓ ગત તા. ૨૮મી સવારે ૧૧.૦૦ વાગ્યાના ટ્રસ્ટની જગ્યામાંથી એકાએક લાપતા બની ગયા હતા.
તેઓનો અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે યોગેશ્ર્વરધામ સોસાયટીમાં રહેતા સંચાલક મંડળના પ્રદિપસિંહ ભુપતસિંહ જાડેજાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગઇકાલે ફરીયાદીના ટ્રસ્ટમાં રહેતા સગીર વયના બાળકોને કાયદેસરના વાલીપણામાંથી કોઇ અજાણ્યો ઇસમ ત્રણેય બાળકોના અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પી.આઇ.  ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એ. ચાવડા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
ત્રણેય સગીરની અલગ અલગ જગ્યાએ શોધખોળ ચલાવવામાં આવી રહી છે, તેમના આશ્રયસ્થાન સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે અને સંસ્થા તથા આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવા કાર્યવાહી ધપાવવામાં આવી છે. ત્રણ વિધાર્થીઓ ભેદી રીતે ગુમ થયાનું બહાર આવતા ભારે દોડધામ મચી ગઇ હતી આ ઉપરાંત પોલીસ દ્વારા ગુમથનાર ત્રણેય બાળકોની સાથે કોઇ છે કે કેમ એ દીશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application