G20 હેઠળ ભુવનેશ્વરમાં બીજી કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ

  • May 15, 2023 08:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીજી કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં યોજાઈ હતી. 14 થી 17 મે સુધી ચાલેલી બેઠકમાં G20 સભ્યો, અતિથિ રાષ્ટ્રો અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રો- પ્લેનેટ સમાજ બનાવવા માટે સંસ્કૃતિ એક મહત્વપૂર્ણ ઘટક છે. તેઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે કલ્ચર વર્કિંગ ગ્રુપ તેના સભ્યો અને અન્ય હિસ્સેદારોના વિવિધ સાંસ્કૃતિક અનુભવોનો કેવી રીતે લાભ લઈ શકે કે જેથી સમકાલીન પડકારોનો સામનો કરી શકાય અને એક સમાન અને પર્યાવરણને અનુકૂળ વૈશ્વિક સમુદાયનું નિર્માણ કરવામાં આવે.


જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, સંસ્કૃતિ વૈશ્વિક નીતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તે સમકાલીન પડકારોનો સામનો કરવા માટે વધુ સમાવિષ્ટ અને ટકાઉ ઉકેલો તરફ દોરી જાય છે. તેમણે એમ પણ કહ્યું કે, “G20 કલ્ચર વર્કિંગ ગ્રુપ સભ્યો વચ્ચે સહકાર અને સંવાદને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમે દરેક રાષ્ટ્રના અનન્ય સાંસ્કૃતિક સંદર્ભો અને વારસા પર યોગ્ય ધ્યાન આપવાની સાથે સાથે સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવા, સહિયારા અભ્યાસને પ્રોત્સાહિત કરવા અને સભ્યો વચ્ચે સહકારને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત પોતાને ભવિષ્યવાદી, સમૃદ્ધ, સમાવેશી રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.”


કલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ પ્રાથમિકતાની થીમને લઈને પ્રતિનિધિઓએ G20 સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદેસર હેરફેરને રોકી તેના પુનઃસ્થાપનને સરળ બનાવવા માટે કેવી રીતે વૈશ્વિક પ્રતિબદ્ધતાને મજબૂત કરી શકે તેના પર વિગતવાર ચર્ચા કરી. ચર્ચા દરમિયાન G20 સંસ્કૃતિ મંત્રીઓની ઘોષણાનો મુસદ્દો તૈયાર કરવા અને અંતિમ સ્વરૂપ આપવાનો માર્ગ પણ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક બાદ કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી અને મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે ઓડિશા ક્રાફ્ટ્સ મ્યુઝિયમ ખાતે 'સસ્ટેનઃ ધ ક્રાફ્ટ ઇડિઓમ' નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું.


અગાઉ 14 મેના રોજ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર "સંસ્કૃતિ યુનાઈટસ્ ઓલ " થીમ પર એક ઉત્કૃષ્ટ રેતી કલાનું પ્રદર્શન કર્યું હતું. જેનું ઉદ્ઘાટન સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી અને સંસ્કૃતિ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ વિદેશી પ્રતિનિધિઓ મંગળવારે કોણાર્ક સૂર્ય મંદિરની મુલાકાત લેશે. ત્રીજી કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક 15-18 જુલાઈ, 2023ના રોજ હમ્પીમાં યોજાશે અને સંસ્કૃતિ મંત્રીઓની બેઠક ઓગસ્ટ 2023ના અંતમાં વારાણસીમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક ખજુરાહો ખાતે યોજાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application