જૂનાગઢ જિલ્લામાં તા.૭મીએ ૨૧૦૦૦ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે

  • May 04, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.૭મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ-૭૪ પરીક્ષા કેન્દ્રો પર ૨૧૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


આગામી તા.૭ મેને રવિવારના રોજ બપોરે તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ-૭૪ પરીક્ષા કેન્દ્રો ઉપર ૭૦૦ બ્લોકમાં કુલ-૨૧૦૦૦ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે શિક્ષણ વિભાગોના અંદાજિત ૧૨૦ અધિકારીઅને પરીક્ષા કેન્દ્રો પર અંદાજિત ૧૨૨૫ કર્મચારીઓને પરીક્ષાલક્ષી વિવિધ ફરજો સોંપવામાં આવેલ છે.પરીક્ષામાં કાયદો અને  વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાય તે માટે પોલીસ વિભાગના અંદાજિત ૪૩૦ પોલીસ સ્ટાફને પરીક્ષાલક્ષી બંદોબસ્તની ફરજો સોંપવામાં આવેલ છે.

હેલ્પ લાઇન નંબર કાર્યરત
જૂનાગઢ જિલ્લાના કેન્દ્ર ખાતે કોઈ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પંચાયત કચેરી, ખાતે  ૭ મે  સુધી હેલ્પલાઇન નંબર ૦૨૮૫ -૨૬૩૬૦૩૨  કાર્યરત કરવામાં આવ્યો છે.

એસટી દ્વારા ૨૭૬ ટ્રીપોમાં વધારાની બસો દોડાવવામાં આવશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  રવિવારે તા.૭ ના તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. જેમાં ઉમેદવારોને અલગ અલગ  પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા આપવા નંબર ફાળવવામાં આવ્યા છે જેને પગલે ઉમેદવારોને પરીક્ષા સ્થળોએ જવા માટે મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા  ૯ ડેપો માં  એક્સ્ટ્રા બસો  દોડાવવામાં આવશે. જૂનાગઢ ડિવિઝન દ્વારા  જૂનાગઢ ઉપરાંત બાંટવા, કેશોદ, માંગરોળ, ઉપલેટા, ધોરાજી, પોરબંદર, ઉના, વેરાવળ, જેતપુર મળી નવ ડેપો માંથી અલગ અલગ વિસ્તારોમાં જવા માટે વધારાની બસો ફાળવવામાં આવી છે. જે અંતર્ગત  જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, રાજકોટ, સહિતના રૂટો પર જવા  ૯ ડેપો માંથી અલગ અલગ રૂટો પર જવા ૨૭૬ ટ્રીપ માં વધારાની બસો દોડાવવામાં આવશે. જુનાગઢ અને વેરાવળ વિભાગમાંથી દિવ્યાંગો માટે ખાસ બસ ફાળવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application