જામનગરમાં તોફાની પવનમાં ૧૮૦ વૃક્ષોનો સોથ વળી ગયો

  • June 16, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયર બ્રિગેડની દોડાદોડી : ઝાડ પડતા એક વ્યકિત ઘાયલ : બે વાહનો દબાયા : પડેલા વૃક્ષો-ડાળીઓ દુર ખસેડવા પોલીસ પણ જોડાઇ : ડીવાઇડર પરના છોડ ઝુકયા

જામનગર સહિત હાલારમાં વાવાઝોડાના પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ અને તોફાની પવનનાં કારણે જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાની ફરીયાદો ફાયર બ્રિગેડને મળી હતી, દરમ્યાન જામનગર શહેરમાં બે દિવસ દરમ્યાન ૧૮૦ વૃક્ષો ધરાશાયી થતા ફાયર બ્રિગેડના જવાનોમાં ભારે દોડધામ મચી ગઇ હતી અને વૃક્ષો ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી, કેટલાક સ્થળે ઝાડ ખસેડવા પોલીસ પણ કામે લાગી હતી.
જામનગરમાં તોફાની પવનનાં કારણે વર્ષો જુના મોટા વૃક્ષો પડવાનું યથાવત રહયુ હતું, છેલ્લા બે દિવસ દરમ્યાન ફાયર બ્રિગેડને ૧૮૦ વૃક્ષ પડી ગયાના મેસેજ મળ્યા હતા, ખાસ કરીને શહેરના મુખ્ય વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થતા રસ્તો કાર્યરત કરવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
શહેરના પટેલ કોલોની, રામેશ્ર્વરનગર, વિકાસગૃહ રોડ, ટાઉનહોલ, નવાગામ ઘેડ, સત્યસાંઇ સ્કુલ નજીક, વામ્બે આવાસ રોડ, સાત રસ્તા, ચાંદીબજાર, હવાઇચોક, પવનચકકી, ગ્રીન સીટી, લાલવાડી, સાધના કોલોની, ટ્રોમા સેન્ટર, પાબારી હોલ પાસે, મેહુલ સિનેમા રોડ, પ્રદર્શન મેદાન, ખોડીયાર કોલોની, શરુસેકશન રોડ, એસટી રોડ, રણજીતસાગર રોડ, પંચવટી રોડ અન્ય વિસ્તારોમાં નાના મોટા વૃક્ષો ભારે પવનના કારણે પડી ગયા હતા, વૃક્ષો પડી જતા રસ્તો બંધ થયો હતો આથી ફાયરની ટીમ દ્વારા પડી ગયેલા ઝાડને દુર ખસેડવા અને ડાળીઓ સાઇડમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી, સતત ટીમો દોડતી રહી હતી, આ ઉપરાંત નાઘેડી પાટીયે, ધુંવાવ ખીજડીયા રોડ અને અન્ય હાઇવે ટચ વિસ્તારોમાં પણ વૃક્ષો પડી ગયા હતા.
વૃક્ષો પડી જતા એક વ્યકિતને ઇજા થતા જામનગર જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે, જયારે વૃક્ષ પડવાથી એક રીક્ષા સહિત બે વાહનમાં નુકશાન પહોચ્યુ હતું. અન્ય સ્થળે પણ ભારે પવનના કારણે પાર્ક કરેલા વાહનો ખાંગા થઇ ગયા હતા, જયારે રોડની વચ્ચે ડીવાઇડર પરના છોડ ભારે પવનના કારણે ઝુકી ગયા હતા. જામનગરના ઘાંચી કબ્રસ્તાન વિસ્તારમાં આવેલ સ્કુલ પાસેનું મોટુ વૃક્ષ ભારે પવનના કારણે પડયુ હતું અને તારમાં ડાળીઓ ફસાઇ ગઇ હતી જો કે કોઇ જાનહાની થવા પામી નથી, જયારે શહેરના ટાઉનહોલ પાસે બે વૃક્ષ પડી જતા રસ્તો બંધ થઇ ગયો હતો, આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં નાના ઝાડ વૃક્ષોનો સોથ બોલી ગયો હતો.
ફાયર બ્રિગેડની સાથો સાથ જામનગર પોલીસની ટુકડી દ્વારા રોડની વચ્ચે પડી ગયેલા વૃક્ષો અને ડાળીઓ દુર કરવા માટે કટર અને અન્ય હથીયારોથી કાપીને ખસેડવામાં આવી હતી. જામનગર એલસીબી, દ્વારકા એલસીબી દ્વારા હાઇવે પર અને પ્રવેશ દ્વાર નજીકના પડી ગયેલા ઝાડો અને ડાળીઓ દુર ખસેડી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો, આ ઉપરાંત પંચકોશી, સીટી પોલીસ તેમજ અન્ય તાલુકા પોલીસ દ્વારા પડી ગયેલા ઝાડો દુર કરાયા હતા જેમાં ધુંવાવ ખીજડીયા હાઇવે પર જોખમી ઝાડ ભારે પવનના કારણે રોડ વચ્ચે પડી જતા ગામના આગેવાનોને સાથે રાખીને પોલીસે આ ઝાડ દુર કર્યુ હતું.
ધ્રોલ જામનગર હાઇવે પર ઝાડ પડતા ટાઉન પોલીસે નડતરરુપ પડી ગયેલ ઝાડ અન્ય સ્થળે ખસેડયુ હતું, કાલાવડ રુરલ પોલીસ દ્વારા હરીપરથી માટલી રોડ પર પડી ગયેલ ઝાડ હટાવવામાં આવ્યુ હતું, આમ બે દિવસ દરમ્યાન ૧૭૮ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા આથી સતત ટીમો દોડતી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application