જામનગરમાં ડોગ શો

  • December 22, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અસહ્ય ત્રાસ...
ગઇકાલે એક જ દિવસમાં બે વર્ષની એક બાળકી સહિત અનેક લોકોને જુદા જુદા વિસ્તારમાં કૂતરાએ બચકા ભરી લીધા બાદ જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા, તસ્વીરોના સંકલનમાં એક કૂતરો પણ જી.જી. હોસ્પિટલની અંદર નજરે પડે છે.

***
માત્ર પાંચ જ દિવસમાં ૧૭૯ લોકોને ભર્યા બચકા: બે વર્ષની બાળકીને પણ કૂતરાએ કરી દીધી લોહીલુહાણ: માત્ર ખસીકરણની જાહેરાત કરી દેવાથી લોકોને આ ત્રાસમાંથી મુક્તિ આપી શકાશે નહીં: જામ્યુકોના જવાબદારોએ અને સતાધીશોએ હિંમત દેખાડવાની જરુર છે

છેલ્લા છ દિવસમાં જામનગર શહેરમાં ડોગ બાઇટના અધધધ... ૧૭૦ કેસ નોંધાયા છે, સરકારી જી.જી. હોસ્પિટલમાં જ આટલા કેસ આવ્યા છે, આ સિવાય ખાનગી ધોરણે જેમણે સારવાર લીધી હોય એ લોકોનો ટોટલ કરીએ તો કદાચ બસ્સોથી અઢીસો કેસ પાંચ દિવસમાં બન્યા હોઇ શકે, શહેરનો કોઇ માર્ગ, કોઇ વિસ્તાર, કોઇ લતો કે કોઇ ગલી એવા બાકી નથી રહ્યા કે જ્યાં કૂતરાઓના ઢગલા જોવા મળતા ન હોય અને હવે જ્યારે કૂતરી દ્વારા પ્રજનન દિવસો ચાલી રહ્યા છે ત્યારે કૂતરા કરડવાના બનાવમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, આ લોકોને સતાવતી પાયાની સમસ્યા છે, વૃઘ્ધો, બાળકો સલામત નથી, એટલે મહાનગરપાલિકાના શાસકોએ રખડતા કૂતરાઓના ત્રાસમાંથી લોકોને મુકત કરાવવા હિંમતભેર પગલા લેવા પડશે.
અગાઉ અનેક વખત આજકાલ દ્વારા ડોગ બાઇટના વધી રહેલા કેસ સંબંધે લાલબત્તી ધરવામાં આવી હતી, એ જ રીતે તમામ મીડીયા દ્વારા શહેર-જિલ્લામાં કૂતરાઓના વધી રહેલા ત્રાસને આતંકરુપે દર્શાવવામાં આવ્યા છતાં તંત્ર પૂરી રીતે હરકતમાં આવ્યું નથી, માત્ર ખસીકરણ માટે રુા. પ૦ લાખ જેવી જંગી રકમની ફાળવણી કરી દેવામાં આવી છે, પરંતુ તેનું કોઇ પરિણામ જોવા મળતું નથી, કારણ કે દરેક વિસ્તારોમાં કૂતરાઓની સંખ્યામાં ભારેખમ વધારો થઇ રહ્યો છે.
જી.જી. હોસ્પિટલમાંથી મેળવેલા આંકડા મુજબ તા. ૧૭/૧ર/ર૦ર૩ ને રવિવારના રોજ ૩૪ લોકોને જુદા જુદા વિસ્તારમાં કૂતરા કરડયાના બનાવ નોંધાયા હતા, આ જ રીતે તા. ૧૮/૧ર ના રોજ ૩૬, તા. ૧૯/૧ર ના રોજ ૪૧, તા. ર૦/૧ર ના રોજ ૩૦, તા. ર૧/૧ર ના રોજ ર૯   એમ પાંચ દિવસમાં કુલ ૧૭૦ જેટલા કેસ નોંધાયા છે.
ઉપરોક્ત તમામ કેસ જી.જી. હોસ્પિટલમાંથી મેળવવામાં આવ્યા છે અને આ કેસમાં બાળકો પણ ભોગ બન્યાના બનાવો મોજુદ છે, નંદિની રાકેશભાઇ મેડા નામની બે વર્ષની બાળકીને ધ્રોલના રામરોટી આશ્રમ પાસે કૂતરાએ ગંભીર રીતે ઘાયલ કરી હતી અને અનેક બચકા ભરી લીધા હતા, એ બનાવનો પણ સમાવેશ છે.
રાત્રિના ૧૦ વાગ્યા બાદ શહેરના અમુક માર્ગ પર તો જાણે ‘કૂતરા કફર્યુ’ લાગી જતું હોય એવી સ્થિતિ સર્જાઇ છે અને માર્ગ પર એકીસાથે આઠ-આઠ, દસ-દસ કૂતરા એવી રીતે બેઠા હોય છે કે, દ્વિચક્રી વાહનચાલકોને  નીકળવું મુશ્કેલ બની રહે છે, ઘણી વખત કૂતરાઓથી બચવા માટે ટુ વ્હીલરવાળા ગાડીને પૂરપાટ દોડાવે છે, પરિણામે ઘણાં કિસ્સામાં નાના મોટા અકસ્માત સર્જાય છે.
કોઇ એક વિસ્તારની કેવી રીતે વાત કરવી, શહેરના મઘ્યના અને છેવાડાના તમામ વિસ્તારોમાં કૂતરાઓની સંખ્યા આશ્ર્ચર્યજનક રીતે વધી છે, લોકો પોતાના બાળકોને ઘરની બહાર શેરીમાં રમવા માટે પણ મોકલી શકતા નથી, સાયકલીંગ કરતા બાળકોની પાછળ પણ એકથી વધુ કૂતરા દોડતા હોવાથી વાલીઓમાં સતત ભયનો ઓથાર રહે છે.
આજકાલ સહિતના તમામ અખબારો દ્વારા શહેર-જિલ્લામાં વધેલા કૂતરાઓના અનહદ ત્રાસ અંગે રોજબરોજ અહેવાલો આપવામાં આવી રહ્યા છે, લોકોને આ સમસ્યા વાસ્તવિક સ્વરુપે નાસુરની જેમ સતાવી રહી છે, આમ છતાં જામનગર મહાનગરપાલિકાના સત્તાવાહકો દ્વારા ‘અમે શું કરીએ... સુપ્રિમ કોર્ટનો આદેશ છે...’ જેવી પીપુળીઓ વગાડે છે અને પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દયે છે.
થોડા દિવસ પહેલા વધુ દેકારો થતાં કોર્પોરેશન દ્વારા કૂતરાઓના ખસીકરણ માટે રુા. પ૦ લાખ જેવી જંગી રકમ પણ મંજુર કરવામાં આવી છે, આ પૈસા કેવી રીતે ખર્ચાશે અને ક્યાં, કોણ ખસીકરણ કરી રહ્યું છે એવી કોઇ વિગતો જાહેર કરાઇ નહીં હોવાથી બીજી તરફ કૂતરાઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો હોવાથી આ પ૦ લાખ ખરેખર કૂતરાઓ પાછળ જ ખર્ચાવાના છે કે કેમ ? એ બાબત પણ હવે જવાબ માંગી લ્યે છે...
હાલમાં છેલ્લા એક માસથી જુદા જુદા વિસ્તારોમાં કૂતરીઓ દ્વારા પ્રજનન કરવામાં આવી રહેલ હોવાથી ડાઘીયાઓની સાથે સાથે કુરકુરીયાઓની પણ સંખ્યામાં ભારે વધારો થયો છે અને ઘણી વખત ફોર વ્હીલર વાહનની નીચે કુરકુરીયાઓ આવી જતાં હોવાથી કૂતરી હિંસક બને છે અને નિર્દોષ લોકોને ઝપટે લઇ લ્યે છે, ઘણા કિસ્સાઓમાં શાળા અને ટ્યુશનમાં સાયકલ લઇને જતા બાળકોની પાછળ કૂતરાઓ દોડ્યાના બનાવો બની રહ્યા છે, જેમાં બાળકોની સલામતી જોખમમાં મૂકાઇ રહી છે.
જાડી ચામડીના જામ્યુકોના સત્તાધીશોએ ગંભીરતાપૂર્વક આ સમસ્યામાંથી લોકોને છૂટકારો અપાવવા માટે હિંમત દેખાડવી પડશે, અત્રે નોંધનીય છે કે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી કૂતરાઓને પકડીને જંગલ વિસ્તારમાં છોડવાની કામગીરી હિંમતભેર શરુ કરી દેવામાં આવી છે, પરંતુ અફસોસની વાત છે કે જામનગરના ૧૬ વોર્ડના ૬૪ નગરસેવકોમાંથી કોઇ એવા પાણીદાર નથી, જે જામનગર મહાનગરપાલિકાને સુરત કોર્પોરેશનનું અનુકરણ કરવાની રજૂઆત કરે.
માત્ર પાંચ દિવસમાં ૧૭૯ લોકોને ડોગ બાઇટના બનાવ બન્યા હોવાની વાત ગંભીર છે અને કમસેકમ આ આંકડાઓ જોઇને પણ તાત્કાલિક અસરથી કૂતરા પકડવાની કામગીરી લોકોના હિત ખાતર શરુ થવી જોઇએ અને કોઇ કાનૂની અવરોધ ઉભો ન થાય એ માટે લોકહિતમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ રીવ્યુ પીટીશન પણ થવી જોઇએ, જેથી કરીને લોકોને સલામતી આપી શકાય. જોઇએ, મહાનગરપાલિકા ખસીકરણના ઘસાયેલા, પીટાયેલા પગલા સિવાય મર્દાનગી ભર્યા બીજા કોઇ પગલા લ્યે છે કે નહીં.
***
૮ માસમાં ૬૦૮૬ લોકોને ડોગ બાઈટ
જામનગરમાં દરરોજ ડૉગ બાઈટના અનેક કેસ જોવા મળ્યાં છે. એપ્રિલ માસમાં ૭૯૧, મે માં ૮૦૪, જૂન ૬૮૯, જુલાઈ ૩૫૪, ઓગસ્ટ ૮૩૭, સપ્ટેમ્બર ૮૬૧, ઓકટોબર ૮૪૬ અને નવેમ્બરમાં સૌથી વધુ ૯૦૪ ડૉગ બાઈટના કેસ નોંધાયા છે અને આ તમામ લોકોને જીજી હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે તેમ મૅડિકલ કૉલેજના ડીન ડૉ.નંદીનિબેન દેસાઈએ નઆજકાલથ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. જાણવા મળતી વિગત પ્રમાણે ફકત ૮ માસમાં જ ૬૦૮૬ ડૉગ બાઈટના કેસ આવ્યા છે, હાલમાં કૂત‚ં કરડે તો તેને આપવાની વૅકિસન જીજી હૉસ્પિટલમાં પૂરતાં પ્રમાણમાં છે.
ઉપરોકત આંકડાઓ ઉપર નજર કરીએ તો વિતલા નવેમ્બર માસમાં સૌથી વધુ ડૉગ બાઈટના કિસ્સા નોંધાયા છે, આ સિવાય માત્ર જુલાઈ એવો માસ છે જ્યાં અન્ય માસથી સરેરાશ પ૦ ટકા કેસ નોંધાયા છે, બાકી તો દરેક માસમાં એક હજારથી વધુ લોકો ડૉગ બાઈટનો શિકાર બની રહ્યાં છે, ઉપરોકત આંકડા માત્ર જીજી હૉસ્પિટલમાં છે, ખાનગી ધોરણે જે લોકોએ સારવાર લીધી હોય એનો સરવાળો કરીએ તો ટોટલ મોટો હોઈ શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application