ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કાંઠા પર બાજ નજર-મુખ્યમંત્રી

  • March 29, 2023 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાની ઓચિંતી મુલાકાતે આવેલાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની ચર્ચામાં એવું સ્પષ્ટ કરી દીધું છે કે, ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા દરિયાકાંઠા પર ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યુ વિભાગની બાજનજર રહેશે, ઝીણામાં ઝીણી બાબતોની સમિક્ષા કરવામાં આવી રહી છે અને દરિયાકાંઠા પર જ્યાં પણ દેશ વિરોધી તથા ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હશે તેને કડક હાથે ડામી દેવામાં આવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના અને એવા પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી.


આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને વધુ સુદ્રઢ રાખવા રાજ્ય સરકાર મક્કમ છે. વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.


સરકારી યોજનાઓના લાભ વિના અવરોધે છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે, તેમ તેમેણે ઉમેર્યું હતું.


મુખ્યમંત્રીએ વધુમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે. 


આ મુલાકાત વેળાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.
આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, પોલીસ અધિક્ષક નીતીશકુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, મહામંત્રી  યુવરાજસિંહ વાઢેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application