ઈ-સિગારેટ વેચતી 15 વેબસાઈટ પર કેન્દ્રની તવાઈ, તાત્કાલિક બંધ કરવાનો આદેશ

  • July 19, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



47 દેશોમાં તેના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ, મેડીકલ અને સ્ટેશનરી સ્ટોર્સમાં ઇ-સિગારેટ જેવા ઉપકરણો વેચાતા હોવાની ફરિયાદ




આરોગ્ય નિષ્ણાતો દ્વારા ઈ-સિગારેટ ધૂમ્રપાન જેટલી જ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું જણાયું છે. તેના જોખમોને ધ્યાનમાં રાખીને, ભારતમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે, જો કે તે ઘણી વેબસાઇટ્સ પર અવેલેબલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ દિશામાં કડક પગલાં લીધા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતી 15 વેબસાઈટને નોટિસ મોકલી, તેમને જાહેરાત અને ઉત્પાદનોનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત વધુ છ વેબસાઇટ રડાર પર છે.




સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલય સોશિયલ મીડિયા પર ઈ-સિગારેટની જાહેરાત અને વેચાણ પર પણ સતત નજર રાખી રહ્યું છે., જે 15 વેબસાઈટને નોટિસ આપવામાં આવી છે, તેમાંથી 4 વેબસાઈટએ તેના કામકાજ પણ બંધ કરી દીધા છે. નોટિસનો અમલ ન કરનાર વેબસાઈટ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. નોંધનીય છે કે, વર્ષ 2019 થી, ભારતમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે.




આરોગ્ય મંત્રાલય દ્વારા વેબસાઈટ પર જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે, અમે ગેરકાયદેસર ઈ-સિગારેટની ઓનલાઈન જાહેરાત અને વેચાણ શોધી કાઢ્યું છે, જે ઈલેક્ટ્રોનિક સિગારેટ નિષેધ અધિનિયમની કલમ 4 હેઠળ ગેરકાયદેસર છે. આ પહેલા પણ ફેબ્રુઆરીમાં મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઈ-સિગારેટ પર પ્રતિબંધનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા ભલામણ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે મેડીકલ અથવા સ્ટેશનરી સ્ટોર્સમાં ઇ-સિગારેટ જેવા ઉપકરણો વેચવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, પરિણામે આ ઉત્પાદનો બાળકો માટે સરળતાથી સુલભ છે. આ બાબત પર ગંભીર ધ્યાન આપવાની જરૂર છે.



ઈલેક્ટ્રોનિક સિગારેટ (ઈ-સિગારેટ) એ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે જે સિગારેટ જેવું દેખાય છે. બાળકો અને યુવાનોમાં તેની પહોંચ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈ-સિગારેટમાં નિકોટિન હોય છે, જે નિકોટિનનું વ્યસન, કિશોરો અને પુખ્ત વયના લોકો, સગર્ભા સ્ત્રીઓ અને શિશુઓમાં મગજના વિકાસને નુકસાન જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જોખમી પરિબળ હોવાનું જાણવા મળ્યું છે. યુવાનોને તેના જોખમોથી સુરક્ષિત રાખવાના હેતુથી સરકારે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. માત્ર ભારતમાં જ નહીં, થાઈલેન્ડ, સિંગાપોર, આર્જેન્ટિના, કંબોડિયા સહિત લગભગ 47 દેશોમાં તેના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. ઈ-સિગારેટ હજુ પણ નવી છે, અને વૈજ્ઞાનિકો હજુ પણ તેની લાંબા ગાળાની સ્વાસ્થ્ય અસરોનો અભ્યાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application