ભારતમાં એક સમયે ચાલતી હતી 10 હજારની નોટ; 1978માં ચલણમાંથી થઇ હતી બહાર

  • May 20, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પહેલા અંગ્રેજ સરકારે અને પછી ૧૯૭૮માં મોરારજી દેસાઈની સરકારે નોટબંધી કરી હતી




ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને નોટબંધી-૨ ગણવામાં આવે છે પણ આ પહેલા પણ દેશમાં ઘણા પ્રસંગોએ કાયદાકીય ટેન્ડર અથવા ચલણમાં રહેલી નોટો સંબંધિત ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. એક સમયે દેશમાં 5000 અને 10000ની નોટો પણ ચલણમાં હતી. જેને નોટબંધી જેવા નિર્ણય લઈને સર્ક્યુલેશનમાંથી હટાવી દેવામાં આવી હતી. .




આઝાદીના સમયગાળામાં દેશમાં પ્રથમ વખત નોટબંધી કરવામાં આવી હતી. 12 જાન્યુઆરી 1946ના રોજ, વાઈસરોય અને ભારતના ગવર્નર જનરલ સર આર્ચીબાલ્ડ વેવેલે ઉચ્ચ ચલણી બેંક નોટોને બંધ કરવા માટે વટહુકમનો પ્રસ્તાવ મૂક્યો હતો. 13 દિવસ પછી એટલે કે 26 જાન્યુઆરીની મધ્યરાત્રિના 12 વાગ્યાથી, બ્રિટિશ કાળ દરમિયાન બહાર પાડવામાં આવેલી રૂ. 500, રૂ. 1000 અને રૂ. 10000ની નોટોની માન્યતા નાબૂદ કરવામાં આવી હતી. આઝાદી પહેલા 100 રૂપિયાથી વધુની તમામ નોટો પર પ્રતિબંધ હતો. ત્યારે કાળા નાણાંના રૂપમાં લોકો પાસે પડેલી નોટો પરત મેળવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઈતિહાસકારો માને છે કે તે સમયે ભારતમાં વેપારીઓ મિત્ર દેશોમાં માલની નિકાસ કરીને નફો કમાતા હતા અને સરકારની નજરથી તેને છુપાવવાનો પ્રયાસ કરતા હતા.




દેશમાં કાળા નાણાને ખતમ કરવા માટે નોટબંધીનો નિર્ણય અંગ્રેજો પાસેથી આઝાદી મળ્યા બાદ વર્ષ 1978માં પણ લેવામાં આવ્યો હતો. તત્કાલીન મોરારજી દેસાઈની સરકારે ઉચ્ચ મૂલ્યની નોટોના વિમુદ્રીકરણની જાહેરાત કરી હતી. તે સમયના અખબારોમાં છપાયેલા સમાચાર અનુસાર, નોટબંધીના આ નિર્ણયથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 16 જાન્યુઆરી 1978ના રોજ, જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારે રૂ. 1000, રૂ. 5000 અને રૂ. 10,000ની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી. બીજા દિવસે એટલે કે 17 જાન્યુઆરીએ, સરકારે આ નોટબંધીની જાહેરાત કર્યા પછી, તમામ બેંકો અને તેમની શાખાઓને તેમના ટ્રેઝરી વિભાગોને વ્યવહારો માટે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.




અત્રે નોંધનીય છે કે રિઝર્વ બેંકે જાન્યુઆરી 1938માં પ્રથમ પેપર કરન્સી છાપી હતી જે રૂ.5ની નોટ હતી. તે જ વર્ષે રૂ.10, રૂ.100, રૂ.1,000 અને રૂ.10,000ની નોટો પણ છાપવામાં આવી હતી. પરંતુ 1946માં 1,000 અને 10,000ની નોટો બંધ કરવામાં આવી હતી. 1954માં ફરી એકવાર 1000 અને 10000 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી. તેમજ 5000 રૂપિયાની નોટો પણ ફરી એકવાર છાપવામાં આવી હતી. તે પછી મોરારજી દેસાઈની સરકારે 1978માં 10000 અને 5000ની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી.



8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે દેશને નોટબંધી કરી દીધી હતી. આ દરમિયાન સરકારે એક હજાર રૂપિયાની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. 500 રૂપિયાની જૂની નોટો પણ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. સરકારના આ નિર્ણયની વિપક્ષે આકરી ટીકા કરી હતી અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે કોર્ટે 6 મહિનાની લાંબી સુનાવણી બાદ કહ્યું હતું કે નોટબંધીના નિર્ણયમાં કોઈ ખામી નથી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે નોટબંધીના નિર્ણય પર સરકારને મોટી રાહત આપી છે. બેન્ચે બહુમતી સાથે કહ્યું કે નોટબંધીનો ઉદ્દેશ સાચો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application