જામનગરમાં ગરમીમાં વધારો: તાપમાન ૩૫.૫ ડીગ્રી
સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ રવિ અને સોમવારે ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે: ખેડુતોમાં ચિંતા
હજુ થોડા દિવસ પહેલા જામનગર સહિત સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું અને કરોડોનું નુકશાન થયુ હતું. ત્યારે ફરીથી વાતાવરણમાં પલટો આવે તેવી શકયતા છે. રવિ અને સોમ એટલે કે તા.૨૯ અને ૩૦ના રોજ સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ઝાપટા પડી શકે તેમ છે અને ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે જો કે ગરમીથી લોકોને રાહત મળશે.
હાલ વેસ્ટર્ન ડીસ્ટબન્સની અસર હજુ દેખાય છે ત્યારે રાજસ્થાન, આસામ, પશ્ર્ચિમ બંગાળ સહિતનાં અનેક સ્થળોએ મરાઠાવાડથી કર્ણાટક ટ્રફની સીસ્ટમ સક્રિય છે ત્યારે વાતાવરણમાં પલટો આવે તેવી શકયતા છે. જમ્મુ કાશ્મીરમાં તો ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.
કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૫.૫ લઘુતમ તાપમાન ૨૫ ડીગ્રી, હવામાં ભેજ ૭૫ ટકા, પવનની ગતિ ૨૫ થી ૩૦ પ્રતિકલાક જોવા મળી હતી.
છેલ્લા અઠવાડિયાથી ઓચિંતુ વાતાવરણ ફરી ગયુ છે. અને સવારે ફરીથી પહેલાની જેમ જ ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. હવામાન ખાતુ જણાવે છે કે હજુ એકવાર ઠંડીનું રાઉન્ડ આવશે. પરંતુ હજુ જે રીતે પવન ફુંકાઇ રહ્યો છે તે જોતાં હજુ ૧૫-૨૦ દિવસ હાલારમાં મિશ્ર ઋતુ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસમાં છુટાછવાયા ઝાપટા પડે તેવી શકયતા છે. જો કે કેટલાક જિલ્લામાં ગરમી ઘટશે પરંતુ ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે ત્યારે ફરીથી ખેડુતો ચિંતામાં વધારો થઇ ગયો છે.