કૃત્રિમ તંગી, જામનગરમાં બેંકોમાંથી ચલણી સિકકા કયાં પગ કરી જાય છે..!
હાલાકી: રૂ.૧૦ અને ૨૦ની નવી ચલણી નોટ આવતી નથી, જૂની નોટો પણ ચલણમાંથી ધીમે ધીમે ઓછી થતાં આર્થિક વ્યવહારમાં પારાવાર મુશ્કેલી
કરસન્સી ચેસ્ટ રાષ્ટ્રીયકૃત બેંકોમાં નવા રૂ.૫,૧૦ અને ૨૦ના સિકકા આવે છે પણ મળતા ન હોવાની વેપારી અને દુકાનદારોની ફરિયાદો, વહીવટીતંત્રનું મૌન
જામનગરમાં ચલણી સિકકાની કૃત્રિમ તંગીની સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, બેંકોમાંથી ચલણી સિકકા બારોબાર પગ કરી જતા હોવાની ફરિયાદો શહેરીજનોમાં સામાન્ય બની છે. રૂ.૧૦ અને ૨૦ની નવી ચલણી નોટો આવતી નથી. જૂની નોટો ૫ણ ધીમે ધીમે ચલણમાંથી ઓછી થતાં નાના આર્થિક વ્યવહારોમાં લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કરસન્સ ચેસ્ટ રાષ્ટ્રીયકૃત બેંકોમાં નવા રૂ.૫,૧૦ અને ૨૦ના સિકકા આવે છે પણ મળતા ન હોવાની વેપારી અને દુકાનદારોમાં જોરશોરથી ફરિયાદો ઉઠી છે. આમ છતાં વહીવટીતંત્ર મૌન સેવતા અનેક સવાલ ઉઠ્યા છે.
જામનગર શહેરમાં હજુ નાણાંની ઓનલાઇન એટલે કે વિવિધ માઘ્યમોથી ચૂકવણીનું પ્રમાણ ઓછું છે. આટલું જ નહીં નાના એટલે કે રૂ.૫,૧૦,૨૦ અને ૫૦ની ચીજવસ્તુની ખરીદીમાં ઓનલાઇન ચૂકવણીનું પ્રમાણ નહીવત છે.આથી સ્વાભાવિક રીતે રોકડની જરૂર પડે છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, શહેરમાં નાના વ્યવહારો કરવા માટે જરૂરી રૂ.૫,૧૦ અને ૨૦ના સિકકાની ભારે અછત જોવા મળી રહી છે. નવાઇની વાત તો એ છે કે, ચલણી સિકકાની કૃત્રિમ તંગી હોવાની ફરિયાદો લોકોમાં જોરશોરથી ઉઠી છે. કારણ કે, શહેરની કરસન્સી ચેસ્ટ રાષ્ટ્રીયકૃત બેંકોમાં રૂ.૫,૧૦ અને ૨૦ના સિકકા રિઝર્વ બેંક દ્વારા ફાળવવામાં આવે છે. પરંતુ આ બેંકોમાંથી પાછલા બારણે કયાં પગ કરી જાય છે તે તપાસનો વિષય બન્યો છે. કારણ કે, નવા સિકકા ન મળતા હોવાની ફરિયાદો વેપારીઓ અને દુકાનદારોમાં સામાન્ય બની છે. કરસન્સી ચેસ્ટ રાષ્ટ્રીયકૃત બેંકોમાં આવતા નવા ચલણી સિકકા મળતીયાઓ અને લાગવગીયાઓને વિતરણ કરતું હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે. કારણ કે, બેંકમાં ખાતું ધરાવતા વેપારી અને દુકાનદારો આ બેંકોમાં નવા ચલણી સિકકાઓ લેવા જાય છે ત્યારે અધિકારીઓ બેંકોમાં નવા સિકકા આવતા નથી, અત્યારે નથી ખલાસ થઇ ગયા છે તેવા સરકારી જવાબો આપતા હોવાનું લોકોએ જણાવ્યું છે.
બીજી બાજુ રૂ.૧૦ અને ૨૦ની નવી ચલણી નોટ તો બેંકો તથા બજારમાંથી અદ્ગશ્ય થઇ ગઇ છે. કારણ કે, નવી ચલણી નોટ બેંકોમાં આવતી નથી. તહેવારો ટાંકણે આવે છે ત્યારે લાગતા વળગતાને આપી દેવામાં આવે છે. જેના કારણે ચલણમાં નવી નોટ જોવા મળતી નથી. આટલું ઓછું હોય તેમ હાલમાં જે રૂ.૧૦ અને ૨૦ની જૂની નોટો ચલણમાં છે તેમાંથી મોટાભાગની નોટો ફાટેલી તથા નબળી જોવા મળે છે. જેના કારણે આ નોટો પણ ચલણમાંથી ધીમે ધીમે ઓછી થતી જાય છે. આમ રૂ.૧૦ અને ૨૦ના ચલણી સિકકા અને નોટોની કૃત્રિમ તંગી અને અછતથી નાના આર્થિક વ્યવહારોમાં દુકાનદારો અને વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જયારે લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. ચલણી નોટો અને સિકકાની સમસ્યા કંઇ નવી નથી.
છેલ્લાં ઘણાં સમયથી આ મુશ્કેલીનો સામનો લોકો ની સાથે વેપારીઓ અને દુકાનદારો કરી રહ્યા છે. આમ છતાં વહીવટીતંત્ર કે જે સમાયાતંરે બેંકના અધિકારીઓ સાથે પણ મીટીંગ કરે છે તેના દ્વારા કોઇ પગલાં ન લેવાતા અનેક સવાલો ઉઠયા છે. બીજી બાજુ ચલણી સિકકા અને નોટો અંગે બેંકોના સંબધિત અધિકારીઓ તો રીતસર જવાબદારી ખંખેરી ઉડાઉ જવાબો આપતા વેપારીઓ અને દુકાનદારો જાયે તો જાયે કહાંની સ્થિતિમાં મૂકાયા છે.
નવા સિકકા અને ચલણી નોટના બ્લેકની લોકફરિયાદો:
જામનગરની બજારોમાંથી રૂ.૫,૧૦ અને ૨૦ના નવા ચલણી સિકકા તો રૂ.૧૦ અને ૨૦ની ચલણી નોટની ભારે અછત જોવા મળી છે. બેંકોની અડોડાઇના કારણે ચલણી સિકકા અને નોટની કૃત્રિમ તંગી સર્જાઇ હોવાની ફરિયાદો લોકોમાં ઉઠી છે. આટલું જ નહીં બેંકોમાં આવતા નવા ચલણી સિકકા અને નોટ બ્લેકના ભાવે એટલે કે વધુ નાણાં લઇ લાગતા વળગતા અને મળતિયાઓને આપવામાં આવતા હોવાની ફરિયાદો પણ વ્યાપક બની છે. ત્યારે આ અંગે સરપ્રાઇઝ ચેકીંગ જરૂરી બન્યું છે.
રૂ.૧૦ અને ૨૦ની નવી ચલણી નોટ દીવા સ્વપ્ન સમાન બની:
શહેરની કરન્સી ચેસ્ટ રાષ્ટ્રીયકૃત બેંકોમાં રૂ.૧૦ અને ૨૦ની નવી ચલણી નોટો તદન ન આવતી હોય તે વાત માનવાને કોઇ કારણ નથી. આટલું જ નહીં તહેવારો પર રિર્ઝવ બેંક દ્વારા રૂ.૧૦ અને ૨૦ની ચલણી નોટોની ફાળવણી મર્યાદીત પ્રમાણમાં કરવામાં આવે છે. આમ છતાં રૂ.૧૦ અને ૨૦ની નવી ચલણી નોટ બજારમાં તથા આર્થિક વ્યવહારમાં નવી ચલણી નોટ દીવા સ્વપ્ન સમાન બની હોય તેમ કયાંય ન મળતા અનેક સવાલ ઉઠ્યા છે તો આ મુદો પણ તપાસનો વિષય બન્યો છે.