BREAKING NEWS

જામનગરની જળમાંગમાં ૫.૫ વર્ષમાં ૩.૨૦ કરોડ લીટરનો વધારો

  • July 11, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જળમાંગમાં ૫.૫ વર્ષમાં ૩.૨૦ કરોડ લીટરનો વધારો

નલ સે જલ: શહેરમાં પાણીનો વેફડાટ, વિસ્તારોનો વિકાસ, ૧૫૦ કીમી નવી પાઇપલાઇન અને નવા નળ જોડાણ કારણભૂત, બાર માસી નદીનો પણ અભાવ

સમગ્ર શહેરને પાઇપલાઇનથી પાણી પુરૂ પાડવામાં મનપાનો પન્નો હજુ ટૂંકો પડે છે: બે થી વધુ દાયકાથી શહેર માટે નવો જળસ્ત્રોત થયો નથી

જામનગરની જળમાંગમાં છેલ્લાં ૫.૫ વર્ષમાં અધધ ૩.૨૦ કરોડ લીટરનો વધારો થયો છે. જેની પાછળ શહેરમાં પાણીનો વેડફાટ, વિસ્તારોનો વિકાસ, ૧૫૦ કીમી નવી પાઇપલાઇન અને નવા નળ જોડાણ કારણભૂત છે. આટલું જ નહીં બાર માસી નદીનો અભાવ છે તો બે થી વધુ દાયકાથી શહેર માટે નવો જળસ્ત્રોત બન્યો નુથી. વર્ષ-૨૦૧૪માં મનપાની હદમાં વધારો થયો છે એટલે કે નવા વિસ્તારો ભળ્યા છે. આમ છતાં સમગ્ર શહેરને પાઇપલાઇનથી પાણી પુરૂ​​​​​​​ પાડવામાં મનપાનો પન્નો હજુ ટૂંકો પડી રહ્યો છે.

જામનગર મહાનગરપાલીકાની હદમાં વર્ષ-૨૦૧૪માં વધારો થયો છે. આથી નવા વિસ્તારો મનપામાં ભળ્યા છે. આટલું જ નહીં આ વિસ્તારોમાં નવી સોસાયટીઓનું નિર્માણ થયું છે તો હજુ ઘણી સોસાયટીઓ બની રહી છે. શહેરમાં રહેતા લોકો પાસેથી મનપા કરવેરા વસૂલી રહી છે. આથી સ્વાભાવિક રીતે લોકોને પાણી, લાઇટ, આરોગ્ય, રોડ-રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાઓ કે જે મહાનગરપાલિકાએ પૂરી પાડવાની રહે છે તે મળી રહે તેની આશા રહે છે. પરંતુ મનપાની હદ વઘ્યા બાદ હજુ ઘણા વિસ્તારોમાં પાયાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં મનપા ટૂંકી પડી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મૂળભૂત સુવિધા પૈકીની એક પાણીની વાત કરીએ તો શહેરની જળમાંગમાં છેલ્લાં સાડા પાંચ વર્ષમાં ૩૨ એમએલડીનો વધારો થયો છે. એકે એમએલડી એટલે ૧૦ લાખ લીટર પાણી થાય છે. આથી શહેરની જળમાંગમાં ૫.૫ વર્ષમાં અધધ.૩.૨૦ કરોડ લીટર પાણીનો વધારો નોંધાયો છે.

શહેરની જળમાંગ વસ્તી અને વિસ્તાર વધવાને કારણે વધી છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં શહેરની દૈનીક જળમાંગ ૧૨૩ એમએલડી એટલે કે ૧૨.૩૦ કરોડ લીટર હતી.જેમાં ૫.૫ વર્ષમાં એટલે કે વર્ષ-૨૦૨૬માં જુલાઇ મહીના સુધીમાં ૧૫૫ એમએલડીએ એટલે કે ૧૫.૫૦ કરોડ લીટરે પહોંચી છે. શહેરની જળમાંગ દીન-પ્રતિદિન વધી રહી છે. આમ છતાં સમગ્ર શહેરમાં પાઇપલાઇનથી પાણી વિતરણમાં મનપાનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. જળમાંગ સામે જળસ્ત્રોત પણ મર્યાદીત છે. કારણ કે, હાલમાં પણ શહેરની જળમાંગને પહોંચી વળવા માટે નર્મદાના નીર પર આધાર રાખવો પડે છે.  આટલું જ નહીં શહેરમાં પાણીનો વેડફાટ, વિસ્તારોના વિકાસ, નવી ૧૫૦ કીમીની પાઇપલાઇન અને નવા નળજોડાણો જળમાંગ વધવા પાછળ કારણભૂત હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું છે. બીજી બાજુ બાર માસી નદીનો અભાવ અને બે થી વધુ દાયકાથી શહેર માટે નવો જળસ્ત્રોત ઉભો થયો ન હોય આ પણ મહત્વના કારણ છે.

શહેરના નવા અને વિકસિત વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે અને હજુ ઘણા વિસ્તારોમાં કામગીરી આગામી દીવસોમાં હાથ ધરાશે. પરંતુ પાઇપલાઇનની કામગીરી બાદ નળજોડાણ મેળવવામાં રહેવાસીઓને ભારે હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. અત્રે નોંધનીય છે કે, હાલ શહેરને પાણી પુરૂ​​​​​​​ પાડતા જળાશયોમાં ૩૧ જુલાઇ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આ સ્થિતિમાં વરસાદમાં વિલંબથી પાણીની કટોકટીના એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે જો વરસાદ નહીં થાય કે અપૂરતો થશે તો શહેરની દૈનીક ૧૫૫ એમએલડી એટલે કે ૧૫.૫૦ કરોડ લીટરની જળમાંગને પહોંચી વળવું એ મહાનગરપાલીકા માટે આગમી દીવસોમાં મોટો પડકાર બની રહેશે તેમાં બેમત નથી.

શહેરની ૩૫ સોસાયટીમાં હજુ પાણીના ટેન્કર દોડી રહ્યા છે:
જામનગર શહેરની હદમાં વધારો થયાને દસકાથી વધુ સમય એટલે કે ૧૨ વર્ષ થયા છે. પરંતુ હજુ પણ શહેરની ૩૫ જેટલી સોસાયટીઓમાં મનપા દ્વારા ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેરની ભાગોળે આવેલી સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ સોસાયટીઓ તથા ઘણા અન્ય વિકસિત વિસ્તારોમાં અમુક સ્થળે પાણીની પાઇપલાઇન નંખાઇ ગઇ છે તે અમુકમાં બાકી છે. જે સ્થળે પાણીની પાઇપલાઇન નંખાઇ ગઇ છે તેમાં હાઉસટેકસનો સર્વે થયો ન હોવાથી આ વિસ્તારોમાં રહેતા લોકોને બીલ મળતા ન હોવાની ફરિયાદો ઉઠી છે.નળજોડાણ માટે હાઉસટેકસનું બીલ જ‚રી હોય તે ન મળતા નવા નળ જોડાણ મેળવવામાં મુશ્કેલી પડી હોવાની રાવ ૫ણ લોકોએ કરી છે.

શહેરને પાણી પુરૂ પાડતા ડેમમાં ૫૦૦ એમસીએફટી પાણી ઠાલવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત:
શહેરના ૧૨ ઝોનમાં મનપા દ્વારા હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરની દૈનીક જળમાંગ ૧૫૫ એમએલડીની છે. શહેરની જળમાંગને પહોંચી વળવામાં નર્મદાના નીરનો સમાવેશ થાય છે. શહેરને પાણી પુરૂ પાડતા ડેમમાં ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. વરસાદમાં વિલંબ થતાં પાણીની તંગીનો ખતરો તોળાઇ રહ્યો છે. આ સ્થિતિમાં શહેરને પાણી પુરૂ પાડતા ઉંંડ-૧, આજી-૩ અને સસોઇ ડેમમાં કુલ ૫૦૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા માટે મનપા દ્વારા રાજય સરકારના સંબધિત વિભાગને રજૂઆત કરવામાં આવી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application