BREAKING NEWS

જામનગરમાં કોંગી-આપ માટે વોર્ડ નં.૧૨ની ચુંટણી ગોટાળે ચડી

  • April 06, 2026 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં કોંગી-આપ માટે વોર્ડ નં.૧૨ની ચુંટણી ગોટાળે ચડી

આ વોર્ડના બે માથા ગણાતા અસલમ ખીલજી અને અલ્તાફ ખફી ચુંટણી ન લડે તો એમના પરિવારને ઉતારવાની પાર્ટીની ગણતરી: ગુજસીટોક બાદ ચિત્ર આખું બદલાઇ ગયું: પટ્ટણી સમાજ દ્વારા કોંગી બહિષ્કારના લાગ્યા બેનર: સાંજ સુધીમાં નક્કી થશે કે બન્ને પૂર્વ વિપક્ષી નેતા અંગે શું નિર્ણય લેવાય છે: કોંગી અને આપમાં ભારે મથામણ

અસલમ ખીલજી અને અલ્તાફ ખફીના પરિવારજનો સાથે ચાલતી વાતચીત

ગુજસીટોકના અપરાધ બાદ વોર્ડ નં. ૧૨નું રાજકીય ગણિત બદલાઇ રહ્યું છે અને હવે જયારે એવી સ્થિતિ આવી છે કે આ વોર્ડનાં બે બાહુબલી અસલમ ખીલજી અને અલ્તાફ ખફી કદાચ ચુંટણી ન લડી શકે, આ સંજોગોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બન્નેના પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો છે, એમની સહમતી મેળવાઇ રહી છે અને બની શકે કે આપ તથા કોંગી આ બન્નેના પરિવારના કોઇ સભ્યને ચુંટણીમાં ઉતારી શકે જેનાથી પક્ષને થતું ડેમેજ કંટ્રોલ કરી શકાય.

મહાનગરપાલિકાની ચુંટણીમાં જેના પર સૌથી વધુ ફોકસ રહેવાનું હતુ અને જેના પરિણામને લઇને ઉત્તેજના થવાની હતી એ વોર્ડ નં.૧૨નું ચિત્ર એકાએક બદલાઇ ગયુ છે અને ઉમેદવારોને લઇને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ગોટાળે ચડી છે, જાણકારો એવું કહે છે કે હાલની તકે આ વોર્ડની ચુંટણી નિરસ બની રહેવાની શકયતા નકારી શકાતી નથી, શનિવારની રાત બાદ પોલીસના એકાએક ગુપ્ત ઓપરેશન પછી અને આ વોર્ડનાં ધુરંધર ગણાતા અસલમ ખીલજી તથા અલ્તાફ ખફી અને બન્નેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ અપરાધ નોંધવામાં આવ્યા બાદ રાજકીય પક્ષો પણ માથું ખંજવાળતા થઇ ગયા છે અને હવે ઉમેદવારીનું શું કરવુ તેને લઇને છેલ્લી ઘડીના ફેરફારો આવશ્યક બન્યા છે.

જામનગરમાં સંવેદનશીલ રાજકારણ ધરાવતા મુસ્લિમ બહુમત વોર્ડ નંબર-૧૨માં આ વખતની ચુંટણીમાં વર્ચસ્વની લડાઈનો માહોલ છે. ત્યારે હાલ ચુંટણી ટાણેજ કાલાવડના નાકા બહાર બ્રિજ પાસે પટણી જમાતના હોદેદારોના નામ અને ફોટા સાથે કોંગ્રેસ પક્ષનો બહિષ્કાર કરતી અપીલ સાથેની કમાન મુકાતાં ભારે ચકચાર જાગી છે. આ ઘટના ઉપરથી વોર્ડ-વિસ્તારની રાજકીય સ્થિતિનો ક્યાસ મળી શકે છે.

વોર્ડ નંબર-૧૨માં ૨૦૨૧ની ચુંટણીમાં વિક્રમી મતો સાથે કોગ્રેસની પેનલ ચુંટાઈ આવી હતી. પછી આ પેનલ પૈકીના પટણી જમાતના અસલમ ખીલજી અને ફેબીદાબેન રિઝવાન જુણેજાને ગેરશિસ્ત બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે જૈનબબેન ખફીએ પોતે રાજીનામું આપ્યું હતું. પછી ત્રણેય વાજતે-ગાજતે ’આપ’ મા જોડાયા હતા. ત્યાર પછી ડિસેમ્બર માસમાં અસલમ ખીલજી ઉપર ખુની હુમલામાં કોંગ્રેસના અલ્તાફભાઈ ખફીનું નામ અપાયા પછી વોર્ડની રાજકીય હરિફાઈ હિંસાચારની દહેશતવાળી બની ગઈ છે. મારામારી અને ફાયરિંગ સહિતની ઘટનાઓ બાદ મામલો ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ સુધી પહોંચ્યો છે તેવામાં પટણી જમાતના કોંગ્રેસ બહિષ્કારના એલાનને સુચક માનવામાં આવે છે.

વોર્ડમાં હિંસક ડખ્ખાઓને કારણે આ વોર્ડમાં કોઈપણ પક્ષ તરફથી કે અપક્ષ તરીકે શિક્ષક, વકીલ, ડોક્ટર, સમાજ સેવક જેવા કોઈ શિક્ષિત કે યુવા ઉમેદવાર ચુંટણી લડવાની હિંમત કરી શકે તેવી સ્થિતિ નથી. કોંગ્રેસ દ્વારા ગઈકાલે રાત્રે અહીં પેનલ જાહેર કરી હતી, જેમાં ત્રણ નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગત બોડી ના પૂર્વ કોંગી કોર્પોરેટર અને હાલ જેલવાસ ભોગવી રહેલા અલ્તાફ ખફીના નામની જાહેરાત કરાઈ નથી, જેથી તેની બાદબાકી થઈ છે કે કેમ? તે અંગે પણ સવાલો ઉભા થયા છે. બે દિવસ પહેલા તેઓ જેલમાંથી ચૂંટણી લડે તેવી વાતો પણ શહેરમાં વહેતી થઈ હતી અને તાજેતરમાં તેની રેગ્યુલર જામીન અરજી પણ અદાલતે ફગાવી દીધી છે જેથી આ મામલે રાજકીય વર્તુળમાં હજુ સસ્પેન્સ છવાયેલું છે.

 આ ઉપરાંત વોર્ડ નંબર ૧૨ માં ભાજપાને ચાર બેઠકો માટે માત્ર પાંચ દાવેદારો મળ્યા હતા. જેમાંથી પણ બે લોકોના મન બદલી ગયા છે. તેથી ભાજપાને ચોથો ઉમેદવાર શોધવો પડે તેવી સ્થિતિ છે. તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પણ અસલમ ખીલજી અને જૈનબેન ખફી, હાજી રીજવાન જુણેજા ત્રણ નામની પેનલ જ હજુ જાહેર કરવામાં આવી છે. તેથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ અતી વિવાદાસ્પદ બન્યો છે.

ગુજસીટોક નોંધાયા પહેલા એવી વાત હતી કે બની શકે અલ્તાફ ખફીને જેલમાંથી ચુંટણી લડવી પડે પરંતુ હવે સંજોગો બદલાઇ ગયા છે, આજે તા.૬ છે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું છે, તા. ૧૧ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ગણતરીના પાંચ દિવસ બાકી છે, બીજી બાજુ પોલીસ દ્વારા આજે ગુજસીટોકના આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે, જો અદાલત ૪-૫ દિવસનાં રીમાન્ડ આપી દે તો પછી અન્ડર રીમાન્ડ અસલમ ખીલજી અને અલ્તાફ ખફી સ્વાભાવિક રીતે ઉમેદવારી પત્ર ભરી શકે નહીં અને આ બન્નેના નામ માટે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીૈને વિકલ્પ શોધવો પડે.

આજ સવારે ૧૧.૩૦ કલાક સુધી કોંગી અને આપના અમારા વિશ્ર્વાસપાત્ર વર્તુળો સાથે વાતચીત કરવામાં આવતા એવી નવી બાબત પણ સામે આવી છે કે કદાચ આજ સાંજ સુધીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્ને પૂર્વ વિપક્ષી નેતાનાં રાજકીય ભાવી અંગે નિર્ણય લઇ શકે છે. મતલબ કે આ બન્ને મોટા માથા આ વખતે ચુંટણી લડવાથી વંચિત રહી શકે છે. 

ઇગો માણસને કયાંથી કયાં પહોંચાડે છે, ઘમંડ હંમેશા ખોટા નિર્ણયો લેવડાવે છે એવો મોટો દાખલો વોર્ડ નં.૧૨ની વર્તમાન સ્થિતિ પરથી મળ્યો છે. જયારથી કોંગ્રેસની અંદર જ રહેલા અસલમ ખીલજી અને અલ્તાફ ખફી વચ્ચે મતભેદ શરૂ થયા હતા ત્યારબાદથી જ ઘણા બધા લોકો આ બન્નેને સમજાવતા હતા કે જતુ કરી દો નહીં તો એક દિવસ રાજકારણ પતી જશે, પરંતુ બન્ને ટસથી મસ થયા ન હતા અને આજે પરિણામ એ આવ્યું છે કે બન્નેની રાજકીય કારકીર્દી પર હાલ તો અલ્પવિરામ દેખાઇ રહ્યું છે જેને પુર્ણવિરામ થતા પણ વાર લાગશે નહિં.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેના વિકલ્પરૂપે એમના જ પરિવારના કોઇ સભ્યને ચુંટણી જંગમાં ઉતારવા નિર્ણય લઇ શકે છે, કોંગીએ તો બે ઉમેદવાર જ જાહેર કર્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી ત્રણ ઉમેદવાર જાહેર કરી ચુકી છે અને તેમાં પણ હવે ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.

ચુંટણી પહેલા જે ઉત્તેજના હતી કે વોર્ડ નં. ૧૨ની ચુંટણીનું પરિણામ ભારે રસપ્રદ રહેશે તેના પર પોલીસના એકાએક એકશનથી એવું રિએકશન આવવાની સંભાવના છે કે કદાચ આ વોર્ડની ચુંટણી વનસાઇડ બની રહે અને નિરસ પણ થઇ શકે છે. 

એવું પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસની યાદી રવિવારે સવારે ૧૧ કલાકે જાહેર થવાની હતી પરંતુ ગુજસીટોક હેઠળ બન્ને પૂર્વ વિપક્ષી નેતાની ગેંગ સામે અપરાધ નોંધવામાં આવ્યા પછી કોંગ્રેસના સ્થાનિક અને ગુજરાતના મોવડીઓ ગોટાળે ચડી ગયા હતા, પહેલી યાદીમાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીનું નામ સામેલ હતું પરંતુ તાબડતોબ તેમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી અને માત્ર બે નામ જાહેર કરાયા હતા.

તો સામે આમ આદમી પાર્ટીની મુંઝવણમાં પણ ગુજસીટોકના એકશને વધારો કરી દીધો અને અહીં આપ દ્વારા જે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરાયા તેમાં અસલમ ખીલજી સામે હોવાથી હવે શું કરવુ તેને લઇને એમના દ્વારા પણ કાનૂની સલાહ લેવામાં આવી રહી છે. આજ રીતે કોંગીની સ્થાનિક અને ગુજરાતની હાઇ કમાન્ડ પણ અલ્તાફ ખફીને લઇને કાનૂની સલાહ મેળવી રહી છે. 

આજે અદાલત ગુજસીટોકના અપરાધીઓને કેટલા દિવસના રીમાન્ડ આપે છે તેના પર ઘણો બધો દારો મદાર રહેશે કારણકે જો રીમાન્ડ વધુ દિવસની અપાય તો વોર્ડ નં.૧૨ની સરળ લાગતી ચુંટણી કોંગી અને આમ આદમી માટે શિરદર્દ સમાન પણ બની શકે છે, ચુંટણી પહેલા રાજકારણમાં આ રીતે ઉથલપાથલ લગભગ જામનગરના ઇતિહાસમાં પહેલી વખત જોવા મળી રહી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તો મુંછમાં હસી રહી હશે કારણકે એમની આડેના ઘણા બધા અવરોધો દુર થતા દેખાય છે, આજનો દિવસ ખુબ જ નિર્ણાયક રહેવાનો છે અને તા.૧૧ સુધીમાં કોંગી તથા આપને પોતાના નિર્ણયો જાહેર કરવા પડશે, નહિં તો પોતાના જ મજબૂત ગણાતા ગઢમાં ગાબડાની ભીતિ રહેશે.

​​​​​​​






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News