Video : ટાઈટેનિક સબમરીનમાં ડૂબનારા અબજોપતિઓ માંથી 2 મૂળ જુનાગઢના બાંટવાના, જાણો શું છે સમગ્ર ઈતિહાસ

  • June 28, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસો પહેલા ટાઈટેનીકનો કાટમાળ નિહાળવા ગયેલી સબમરીન સમુદ્રમાં જ ડુબી ગઈ હતી અને તેમાં સવાર પાંચેય અબજોપતિઓના મોત નિપજયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ટાઈટન સબમરીનનો કાટમાળ કેનેડાના એક યુએવી દ્વારા શોધી લેવામાં આવ્યો હતો. આ કાટમાળ ટાઈટેનીક જહાજના મલબા પાસેથી જ મળ્યો હતો, સબમરીન ઓપરેટ કરનારી કંપની, ઓશનગેટે સતાવાર રીતે જાહેર કર્યુ હતું કે સબમરીનમાં સવાર પાકિસ્તાની અબજપતિ સહિત પાંચેયના મોત થઈ ગયા છે.


કંપનીના સ્થાપક અને સીઈઓ પણ સબમરીનમાં સવાર હતા. કંપનીએ સતાવાર નિવેદનમાં કહ્યું કે કંપનીના સીઈઓ સ્ટોકટન રશ, પાકિસ્તાનના બીઝનેસમેન શાહજાદા દાઉદ તેમના પુત્ર સુલેમાન દાઉદ, હામિશ હોર્ડિંગ તથા પોલ હેનરીને ગુમાવી દીધા છે. તેઓ સાચા સંશોધક હતા અને મહાનગરોમાં શોધ વિશે ઝનૂન ધરાવતા હતા. આ સબમરીન રવિવારે લાપતા થઈ હતી તેમાં પાકિસ્તાની અબજોપતિ પિતા-પુત્ર પણ સવાર હતા. સંપર્ક કપાયા બાદ ઉતરીય એટલાંટીક મહાસપ્તાહમાં 300 માઈલ સુધી શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


જો કે હાલ સુધી અહેવાલ હતા કે મરનારમાં અબજોપતિ પિતા-પુત્ર પાકિસ્તાનના રહેવાસી હતા, ત્યારે હવે સામે આવ્યું છે કે તે બંને જુનાગઢના બાંટવા ગામના છે. સ્થાનિકો મુજબ શાહજાદા દાઉદના પિતાનું ઘર આજે પણ બાંટવામાં છે. તેમના વડવા રહેમતુલા દાઉદ અબ્દુલગની સાહેબએ સમયના મોટા બિઝનેસમેન હતા. હાલ પણ તેમનો દાઉદ મહેલ આજે પણ બાંટવામાં જર્જરીત હાલતમાં છે. 



બાંટવાના રહેવાસી અરજણભાઈ નકુમ કે જેઓએ પોતાના ગામ વિષે ઘણું લખેલું છે તેમણે જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર શાહજાદા દાઉદના પિતા રહેમતુલા દાઉદ અબ્દુલગનીનો બીઝનેસ એ અરસામાં પણ ખૂબ વિસ્તૃત હતો. ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે બાંટવાના મેમણો પહેલા ઓખા બંદર અને ત્યાંથી કરાચી ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત હાલના પાકિસ્તાનમાં જે મોટા ઉદ્યોગપતિઓ છે તેમાંના મોટાભાગના ઉદ્યોગપતિઓ બાંટવાના છે. ભાગલા સમય પહેલા બાંટવાની વસ્તી આશરે 45 હજારથી પણ વધારે હતી અને ત્યારે મેમણો બાંટવામાં રહીને દેશ-વિદેશમાં પોતાનો ધંધો બિઝનેસ કરતા હતા. તેમણે વધુમાં જવ્યું હતું કે, એ લોકો પાસે એ સમયમાં 100 થી પણ વધારે ગાડીઓ હતી અને તેમાંથી તો કેટલીક માત્ર પોસ્ટ પર તાર લેવા માટે એટલે કે ટેલિગ્રામ તાર ઓફિસે આખો દિવસ રહેતી હતી.


સ્થાનિક રહેવાસી મંગળાબેનએ જણાવ્યું હતું કે, રહેમતુલા દાઉદ અબ્દુલગની મેમણ જમાત બાંટવા યુવક મંડળના સેક્રેટરી હતા. તેમના પુત્ર એટલે કે શાહજાદા દાઉદ છ દિવસના હતા ત્યારે જ તેમણે આ ઘર મૂકી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. તેમની બિલ્ડીંગ પર કેરોસીનના મોટા મોટા ટાકાઓ હતા. 


બાંટવાના માનસિકભાઈ રાઠોડ જણાવે છે કે એક પાકિસ્તાનની બુકની અંદર તેઓ એક નિવેદન આપેલું હતું તેમ જ તેમનો એક ફોટોગ્રાફ પણ છે જેમાં તેમનું પૂરું નામ રહેમતુલા દાઉદ અબ્દુલ ગની લખાયું છે. જો કે કેટલાક સ્થાનિકો મુજબ, તેઓની સરનેમ પહેલા ગાંધી હતી એ સમયે એક મુસ્લિમ સુફી સંત આવી તેઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો અને ત્યારબાદ તેઓની સરનેમ દાઉદ થઈ હતી. એ સમયે જુનાગઢ જિલ્લામાં ક્યાંય ન હોય તેવો બંગલો દાઉદ મહેલ બાંટવામાં છ માળનો બનાવ્યો હતો.



​​​​​​​



અમેરિકા-કેનેડાના નૌકાદળ ઉપરાંત ખાનગી એજન્સીઓ પણ આ સબમરીનની શોધખોળ અભિયાન સામેલ થઈ હતી. સબમરીનમાં 96 કલાકનો ઓકસીજન હોવાનો દાવો કરાયો હતો. પરંતુ નિષ્ણાંતો તે વિશે શંકા દર્શાવતા હતા. પ્રાથમીક તપાસમાં વિસ્ફોટને કારણે સબમરીન ડુબી ગયાનું બહાર આવ્યું છે. ઉપકરણ અથવા ઓકસીજન ટેન્કમાં વિસ્ફોટ થયો હોવાનું પણ એક તારણ છે. આ સબમરીન સમુદ્રમાં 4000 મીટર સુધી ઉંડાઈ સુધી પહોંચવામાં સક્ષમ હતી. વિસ્તૃત તપાસ બાદ વાસ્તવિક કારણ બહાર આવવાનો કંપનીએ દાવો કર્યો છે.



48 વર્ષીય બિઝનેસમેન શહજાદા દાઉદ અને તેના 19 વર્ષના પુત્ર સુલેમાન સાથે સબમરીનમાં જનાર અન્ય વ્યક્તિઓમાં પોલ-હેનરી નારગોલેટ, કે જેઓ "મિસ્ટર ટાઇટેનિક" તરીકે વધુ જાણીતા છે તે સબમરીનના ક્રૂ મેમ્બર્સમાંના એક હતા. 77 વર્ષીય નાર્ગોલેટે 25 વર્ષથી વધુ સમયથી ફ્રેન્ચ નેવીમાં સેવા આપી હતી. તેને સમગ્ર વિશ્વમાં ડાઇવિંગનો અનુભવ હતો. 

​​​​​​​


58 વશીય હેમિશ હાર્ડિંગ, કે જેઓ બ્રિટિશ એવિએશન ટાયકૂન અને ત્રણ વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક છે. તેઓ એક્શન ગ્રૂપના સ્થાપક અને એક્શન એવિએશનના અધ્યક્ષ હતા. જેનું મુખ્ય મથક દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલી આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ બ્રોકરેજ કંપની છે. હેમિશ હાર્ડિંગે ભારત સરકાર સાથે મળીને આઠ જંગલી ચિત્તાઓને નામીબીયાથી ભારતમાં ફરી લાવવા માટે સહયોગ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application