જામનગરમાં શાકભાજીના ભાવ આસમાને
કોથમરીના ભાવ આસમાને રૂ.૨૭૦ની કિલો: ગુવાર, ભીંડો, તીખી મરચી, ચોળા, સહિતના શાકભાજીના ભાવો રૂ.૧૦૦ને વટાવી ગયા
ચોમાસુ શરૂ થઇ ચુકયુ છે ત્યારે શાકભાજીના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે, કેટલાક શાકભાજીના ભાવ વરસાદ આવ્યા પહેલા વધી રહ્યા છે, આદુ હળદરના ભાવ તો ૨૫૦ને પાર કરી ગયા છે, જયારે ભીંડો, ગુવાર, તીખી મરચી, ચોળા, કોથમરી સહિતના ભાવો ૧૦૦ને વટાવી ચુકયા છે. નવા ભાવ વધારાથી ગૃહીણીનું બજેટ ખોરવાઇ ગયું છે. અહીં આપેલા શાકભાજીના ભાવ સુભાષ માર્કેટ વિસ્તારના છે પરંતુ વિસ્તારમાં આવતી રેકડીઓમાં આ શાકભાજીના ભાવમાં ૨૦ ટકા ભાવ વધારો જોવા મળે છે.
કેટલાક સમયથી આદુ અને લીલી હળદરના ભાવે આસમાને છે, રૂ.૨૫૦ થી ૨૬૦ બોલાઇ રહ્યા છે, તમામ શાકભાજીના ભાવ જે શાકભાજી બટેટાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, રૂ. ૩૦ થી ૪૦ ના ભાવમાં સારા બટેટા મળી રહ્યા છે, અન્ય શાકભાજીની વાત લઇએ તો ગુવારની આવક બહુ છે, મોટા ભાગની રેકડીઓમાં ગુવાર જોવા મળે છે. પરંતુ તેનો ભાવ ૧૨૦થી ૧૩૦ કિલોના હોય છે. પરવળ બહુ ઓછુ મળે છે રૂ.૧૨૫ થી ૧૫૦ સુધીમાં મળી રહ્યું છે, શાકભાજી ઉપરાંત શાકમાર્કેટમાં પીળી અને લાલ ખારેક મોટા પ્રમાણમા આવી રહી છે તેનો ભાવ રૂ. ૭૦ થી ૯૦ બોલાઇ રહ્યો છે.
શાકભાજીના અન્ય ભાવોની વાત કરીએ તો લીૅબુ રૂ. ૭૦ થી ૮૦, કોબી, રીંગણા થોડા સસ્તા છે, રૂ.૪૦ થી ૫૦માં મળી રહ્યા છે, જયારે મરચા રૂ. ૮૦ થી ૧૦૦ના ભાવમાં મળી રહ્યા છે. સારી ફલાવરના ભાવ રૂ. ૮૦ થી ૯૦ વચ્ચે બોલાઇ રહ્યા છે, જયારે દુધી રૂ. ૪૦ થી ૫૦, મુળા રૂ.૨૦થી ૨૫, કોથમરી રૂ. ૨૪૦ થી ૨૫૦, તાંજરીયાની ભાજી પુળીયાના રૂ.૨૦ અને પાલકના રૂ. ૧૫ બોલાઇ રહ્યા છે.
શહેરની શાકમાર્કેટમાં લીંબુના ભાવ રૂ.૭૦ થી ૮૦ બોલાઇ રહ્યા છે, ચોળા રૂ.૮૦ થી ૯૦, અળવીના પાન એક પુરીયાના રૂ.૨૫ થી ૩૦, જયારે ડુંગળી રૂ. ૩૦ થી ૩૫ની કિલો મળી રહી છે, સામાન્ય રીતે વરસાદ આવે ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચે છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ થયો નથી, ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે બહેનોનું બજેટ ચોક્કસપણે ખોરવાઇ ગયું છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની વેંચાણની પ્રક્રિયા થાય છે તેમાં ખેડુતોને સાવ ઓછા ભાવ મળે છે, દા.ત. લીંબુની વાત લઇએ તો ૨૦ કિલોના રૂ.૭૦૦ થી ૮૦૦ હોય છે અને આ લીંબુ શાકમાર્કેટમાં આવે ત્યારે રૂ.૧૬૦૦થી ૧૮૦૦ થઇ જાય છે. એવી જ રીતે ભીંડો, કોબી, રીંગણાના ભાવ સૌથી ઓછા હોય છે. પરંતુ શાકમાર્કેટમાં આવતા દલાલીની દલાલી વધી જતા ભાવ ઉંચકાય છે, એવી જ રીતે ખરી રીતે સુભાષ શાક માર્કેટમાં જે ભાવો હોય છે તે રેંકડીવાળાઓ શાક લઇને અલગ અલગ વિસ્તારમાં વેંચાણ કરે છે એટલે માર્કેટમાં ખરીદેલ શાક વિસ્તારમાં ૨૦ ટકા મોંઘુ ચોકકસપણે હોય છે.
ગામડામાં પણ શાકભાજીના ભાવ વધી રહ્યા છે, આવી મોંઘવારીમાં લોકો થોડુ શાક ખરીદે તો પણ વધુ પૈસા ચુકવે છે હજુ વરસાદ થયો નથી અને વરસાદ થશે ત્યારે આ શાકના ભાવ હજુ ૨૫ થી ૩૦ ટકા વધે તો નવાઇ નહીં.