અમેરિકન H-1b વિઝા ફીમાં વધારો હાલ પૂરતો સ્થગિત, એપ્રિલમાં લેવાશે નિર્ણય

  • December 13, 2023 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ફી ૭૦% વધીને ૭૮૦ ડોલર સુધી થવાની શક્યતા 

સૌથી વધુ ફી વધારો ઇબી-૫ ઈન્વેસ્ટરો માટે

​​​​​​​આઇ-૫૨૬ પિટિશન માટે ૨૦૪%ના વધારા સાથે ૧૧,૧૬૦ ડોલરની કરવી પડશે ચુકવણી



ભારતમાંથી વિદેશ જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અન્ય દેશોની સરખામણીએ યુએસ કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે. ત્યારે અમેરિકા તેના વિઝાની ફીમાં તોતિંગ વધારો કરી શકે તેવા એંધાણ હતા. જો કે હવે સુત્રો મુજબ અમેરિકાએ વિઝાની ફીનો વધારો હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.


ભારતમાંથી હાયર એજ્યુકેશન તેમજ અન્ય બીજા કોઈ કારણોસર અમેરિકા જવું ખુબ જ મોંધુ હોય છે. એ ઉપરાંત જો યુએસ ફીમાં વધારો થાય તો લોકોને અમેરિકા જવું પોસાય નહીં. જો કે અત્યારે ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે અમેરિકા એચ-૧બી  સહિત અનેક પ્રકારના વિઝાની ફી વધારવા વિચારી રહ્યા હતા પરંતુ તે એપ્રિલ મહિના સુધી સ્થગિત રાખવામાં આવ્યો છે. હવે કદાચ એપ્રિલ ૨૦૨૪માં ફાઈનલ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધી એવા સમાચાર હતા કે અમેરિકા જાન્યુઆરી ૨૦૨૪થી જ વિઝા ફીમાં મોટો વધારો કરશે.



જો અમેરિકાએ એચ-૧બી  સહિતના વિઝાની ફીમાં વધારો કર્યો હોત તો અમેરિકન કંપનીઓ પર મોટો ખર્ચ આવે તેમ હતો કેમકે આ વિઝાની પ્રક્રિયા આ કંપનીઓએ કરવાની હોય છે. આ વિઝાની એપ્લિકેશન ફી ૭૦% વધીને ૭૮૦ ડોલર સુધી થવાની શક્યતા હતી. વિદેશી કર્મચારીને સ્પોન્સર કરનાર અમેરિકન કંપનીએ પસંદ થયેલા લોકો માટે એચ-૧બી  વિઝાની વિગતવાર અરજી કરીને ઇ-રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે એચ-૧બી  કેપની લોટરી થતી હોય છે. ઇ-રજિસ્ટ્રેશન માટેની ફી ૧૦ ડોલરથી વધારીને ૨૧૫ ડોલર કરવાની દરખાસ્ત હતી જેથી કરીને લોટરીના મિકેનિઝમનો દુરુપયોગ ન થાય.


અમેરિકન ઓથોરિટી એનપીઆરએમ દ્વારા સિટિઝનશિપની ફી ૧૯% વધારવાની દરખાસ્ત છે જે ૬૪૦ ડોલરથી વધારીને ૭૬૦ ડોલર કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી વધુ ફીનો વધારો ઇબી-૫ ઈન્વેસ્ટરો માટે હતો જેઓ અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવતા હોય છે. એનપીઆરએમના આંકડા મુજબ રોકાણકારોએ પોતાની આઇ-૫૨૬ પિટિશન માટે ૧૧૧૬૦ ડોલરની ફી ફરવી પડશે જે અગાઉ કરતા ૨૦૪ ટકા વધારે છે જ્યારે આઇ-૮૨૯ પિટિશન માટે ૯૫૩૫ ડોલરની ફી ભરવાની તૈયારી રાખવી પડશે. એટલે કે અગાઉની ફી કરતા નવી ફીમાં ૧૪૮ ટકાનો વધારો થઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application