BREAKING NEWS

જામનગર: ધ્રોલ-લતીપર માર્ગ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણના મોત : પાંચને ઇજા

  • June 25, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલ-લતીપર માર્ગ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણના મોત : પાંચને ઇજા

બે કાર ધડાકાભેર અથડાઇ : ઇજાગ્રસ્તોને જામનગર તથા ધ્રોલ ખસેડાયા : પોલીસ ટુકડી દોડી ગઇ : અર્ટીકા કારચાલક સામે ફરીયાદ 

ધ્રોલ-લતીપર હાઇવે પર ગઇકાલે સાંજે બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા સહિત ત્રણના કરૂણ મૃત્યુ નિપજયા હતા અને પાંચ વ્યકિતને નાની મોટી ઇજાઓ પહોચી હતી, તાબડતોબ ઇજાગ્રસ્તોને ધ્રોલ તથા જામગનર હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર અને હોસ્પીટલ તપાસ અર્થે દોડી ગઇ હતી. આ બનાવ અંગે અર્ટીકા કારના ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે મૃતકોમાં બે મહિલા કલ્યાણપુર પંથકની અને એક યુવાન મોરબીનો હોવાનું જાણવા મળ્યુ છે.

ધ્રોલના લતીપર ગામથી આગળ ગૌશાળા પાસે ટંકારા રોડ પર ગઇકાલે સાંજે અર્ટીકા અને બલેનો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા ભારે દોડધામ મચી ગઇ હતી, ત્રણ વ્યકિતના મૃત્યુથી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠયો હતો અને આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, દરમ્યાનમાં આ મામલે ફરીયાદ લેવામાં આવી હતી.

ધ્રોલ તાલુકાના રોજીયા ગામના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ ખાતે રહેતા મજુરી કરતા પરેશ ભુરાભાઇ બાંભવા (ઉ.વ.૨૧) નામના યુવાન તથા તેના ભાઇ અને મિત્રો બલેનો કાર નં. જીજે૧૦ડીએન-૦૯૬૩ લઇને દ્વારકા દર્શન કરી પરત મોરબી જતા હતા.ત્યારે લતીપરથી થોડે આગળના રોડ પર પહોંચતા ટંકારા તરફના રોડ પરથી સામેથી આવતી અર્ટીકા ફોરવ્હીલ કાર  નં.જીજે૧આરએફ-૦૬૭૭ના ચાલકે પોતાની આગળ જતી કારની સાઇડ કાપવા ઓવરટેક કરવા માટે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીની બલેનો કાર સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં ફરીયાદી પરેશભાઇને શરીરે ઇજાઓ, ફરીયાદીના ભાઇને હાથમાં ફ્રેકચર, આંખના ભાગે ઇજા, ફરીયાદીના મિત્ર કાનજી રવજીભાઇ વાઘાણી (ઉ.વ.૨૮)નું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું તથા અર્ટીકા કારમાં બેઠેલા પુજાબેન રામગર અપરનાથી (ઉ.વ.૩૬) તથા પુજાબેન ઉર્ફે જાગુબેન તેજસભાઇ અપરનાથી (ઉ.વ.૨૪)ના શરીરે ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયા હતા તેમજ સદર ગાડીમાં બેઠેલા અન્યને શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હતી.

આ અકસ્માતમાં ઇજા પામેલાઓને પ્રથમ ધ્રોલ હોસ્પીટલ અને ત્યાંથી જામનગર જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પાંચથી છ ઇજાગ્રસ્તો પૈકી બે વ્યકિતની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યુ હતું. ધ્રોલ પોલીસની ટુકડી બનાવની જાણ થતા ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી.

દરમ્યાનમાં પરેશભાઇ બાંભવા દ્વારા ઉપરોકત બનાવ અંગે ગત મોડી રાત્રીના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અર્ટીકા કાર નં. જીજે૧આરએકસ-૦૬૭૭ના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી. જેના આધારે ધ્રોલના પીએસઆઇ એમ.એમ. કુંભારવાડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. ગોઝારા અકસ્માતના કારણે ભારે અરેરાટી ફેલાઇ જવા પામી હતી.

વધુમાં મળેલી વિગત મુજબ ૩ મૃતકોમાં જાગુબેન અને પુજાબેન કલ્યાણપુર તાલુકાના ચાસરાણા ગામના હોવાનું અને કાનજીભાઇ મોરબીના અને મુળ દેવગઢના વતની હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યુ હતું. બંને કારમાં બેઠેલા લોકો ઘર તરફ જઇ રહયા હતા ત્યારે રસ્તામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application