BREAKING NEWS

જામનગર જિલ્લાના હવામાનમાં પલ્ટો: વાદળોની ઓટમાં સૂર્યદેવ ઢંકાયા

  • June 15, 2026 12:54 PM 
  

જામનગર જિલ્લાના હવામાનમાં પલ્ટો: વાદળોની ઓટમાં સૂર્યદેવ ઢંકાયા

​​​​​​​જામનગર શહેર અને જિલ્લામાં આજે હવામાનમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. સવારથી જ આકાશમાં કાળા અને સફેદ વાદળોના આટા-ફેરા જોવા મળી રહ્યા છે. સૂર્યદેવ પણ વાદળોની પાછળ સંતાકૂકડી રમતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે શહેરમાં ધૂપ-છાંવ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભર્યા વાતાવરણ અને ગરમીથી લોકો પરેશાન હતા, પરંતુ આજે પવનની દિશા અને વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી જામનગર શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે દરરોજ ૩૦ થી ૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો આજે ધીમા પડી ગયા છે. પવનની ગતિમાં ઘટાડો થતાં વાતાવરણમાં દબાણની સ્થિતિ સર્જાઈ રહી હોવાનું પણ હવામાન નિરીક્ષકો માની રહ્યા છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વરસાદ માટે અનુકૂળ બની શકે છે. આજે તા. ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૮.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ ૧૬.૫ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. હાલના વાદળછાયા વાતાવરણ અને વધતા ભેજને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. જો આગામી કલાકોમાં વાદળોની ઘનતા વધશે તો શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોની નજર હવે મેઘરાજાની પ્રથમ સત્તાવાર એન્ટ્રી પર મંડાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application