ભારતીય નૌકાદળની તાકાતમાં થશે વધારો, 2 લાખ કરોડની ખરીદીને મંજૂરી

  • September 18, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૪૩ એરક્રાફ્ટ, ૧૩૦ હેલિકોપ્ટરની સાથે ૧૩૨ વોરક્રાફટ, ૯ સબમરીન, ૫ સર્વે શિપ અને ૨ મલ્ટીપર્પઝ જહાજોથી ડિફેન્સ પોતાને કરશે મજબૂત

સરકાર દેશની સરહદોને વધુ સુરક્ષિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. ચીન સાથે ભારતની સ્પર્ધા હિંદ મહાસાગરથી લઈને પ્રશાંત મહાસાગર સુધી વિસ્તરેલી છે અને ચીન અને પાકિસ્તાની  ગતિવિધિઓના કારણે ભારતે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું પડે છે. જો કે કોઈ પણ હુમલા માટે ભારતીય સેના હંમેશા તૈયાર છે.  આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત હવે પોતાની નૌકાદળની તાકાત વધારવા પર ભાર આપી રહ્યું છે. આ માટે ભારતીય નૌકાદળ ૬૮ યુદ્ધ જહાજ અને અન્ય ઘણા જહાજ ખરીદવા જઈ રહી છે. ભારતે કુલ રૂ. ૨ લાખ કરોડના ખરીદીના ઓર્ડર આપ્યા છે.


ભારતીય નૌકાદળે ૧૪૩ એરક્રાફ્ટ, ૧૩૦ હેલિકોપ્ટરની સાથે ૧૩૨ યુદ્ધ જહાજો ખરીદવાની મંજૂરી આપી છે. આ સિવાય નેવીએ ૮ નાના નેક્સ્ટ જનરેશન યુદ્ધ જહાજ, ૯ સબમરીન, ૫ સર્વે શિપ અને ૨ મલ્ટીપર્પઝ જહાજોના ઉત્પાદન માટે પણ પરવાનગી આપી છે. આ તમામ યુદ્ધ જહાજો આગામી સમયમાં દેશમાં જ બનાવવામાં આવશે. તાજેતરના ભૂતકાળમાં કેટલાક યુદ્ધ જહાજોને રદ કરવામાં આવ્યા છે. આ પછી, નેવીને નવી પેઢીના સાધનોની જરૂર છે. નેવી ૨૦૩૦ની યોજના પર કામ કરી રહી છે. યોજના અનુસાર, નેવી પાસે વર્ષ ૨૦૩૦ સુધીમાં કુલ ૧૫૫ થી ૧૬૦ યુદ્ધ જહાજ હશે.


મીડિયા અહેવાલો અનુસાર, ભારતીય નૌકાદળ વર્ષ ૨૦૩૫ સુધીમાં ઓછામાં ઓછા ૧૭૫ યુદ્ધ જહાજોને તેના કાફલામાં સામેલ કરવા માંગે છે. આ તમામ યુદ્ધ જહાજો દ્વારા હિંદ મહાસાગરમાં ભારતની સ્થિતિ મજબૂત થવાની છે. આ સાથે સેના ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર્સની સાથે નવી પેઢીના ડ્રોનની સંખ્યા પણ વધારવા માંગે છે. દેશની સુરક્ષા માટે નૌકાદળ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાના કાફલાને તૈયાર કરવા માંગે છે.



ચીન અને પાકિસ્તાની શિબિરો પર તબાહી મચાવશે 'પ્રલય', ૫૦૦ કિમી સુધીના લક્ષ્યોને હિટ કરવામાં અસરકારક છે આ બેલેસ્ટિક મિસાઈલ


સંરક્ષણ મંત્રાલયે સેનાની ફાયરપાવરને વધુ વધારવા માટે 'પ્રલય' બેલેસ્ટિક મિસાઈલની રેજિમેન્ટની ખરીદીને મંજૂરી આપી છે. તેને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર તૈનાત કરવામાં આવશે. સંરક્ષણ અધિકારીઓના મતે ભારતીય સેના માટે આ એક મોટો નિર્ણય છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં તાજેતરમાં 'પ્રલય' બેલિસ્ટિક મિસાઈલ્સની રેજિમેન્ટ હસ્તગત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. તે ૧૫૦ થી ૫૦૦ કિલોમીટરના અંતર સુધીના દુશ્મન કેમ્પને નષ્ટ કરી શકે છે. સેના આ મિસાઇલોને પરંપરાગત હથિયારો સાથે તૈનાત કરશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન મિસાઈલોને વધુ અપગ્રેડ કરવાના કામમાં સતત વ્યસ્ત છે.


ગયા વર્ષે ૨૧ અને ૨૨ ડિસેમ્બરે આ મિસાઈલનું સતત બે વાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 'પ્રલય' સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ છે. તેને એવી રીતે વિકસાવવામાં આવી છે કે તે ઈન્ટરસેપ્ટર મિસાઈલને પણ ડોજ કરવામાં સક્ષમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application