રાજકોટમાં સોની વેપારીની ઓફિસમાંથી ૧૦.૮૧ લાખની ચોરી

  • March 18, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પોલીસને તસ્કરો પડકાર ફેંકી રહ્યા હોય તેમ પોલીસ એક ચોરીનો ભેદ ઉકેલે ત્યાં બીજી મોટી ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે શહેરના જવાહર રોડ પર મારૂતિ કોમ્પલેક્ષમાં ચોથા માળે આવેલી ઓફિસના બારીના કાચ તોડી અહીંથી 10.11 લાખની કિંમતના ઘરેણા અને રૂપિયા 70 હજાર રોકડ સહિત 10.81 લાખની મત્તા ચોરી થઈ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં ટોપી પહેરેલો શખસ નજરે પડયો હતો. જેના આધારે પોલીસે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.


શહેરના જામનગર રોડ પર પુનિતનગર-૨ શેરી નંબર ૪ માં રહેતા ધવલભાઇ અશોકભાઈ નાગર (ઉ.વ 35) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જવાહર રોડ પર ગેલેક્સી હોટલ સામે આવેલી મારૂતિ કોમ્પલેક્ષ નામના એપાર્ટમેન્ટમાં ઓફિસ નંબર 412 માં મીના ગોલ્ડ બાયર નામે છેલ્લા સાત વર્ષથી ઓફિસ ધરાવે છે અને તેમાં સોના ચાંદીની ખરીદીનો વેપાર કરે છે ઓફિસની માલિકી તેમની તથા તેમના ભાગીદાર ઉપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની છે.


ગત તારીખ 15/3/2025 ના સાંજના આઠેક વાગ્યે રાબેતા મુજબ તેઓ ઓફિસનું કામ પૂરું કરી ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા.તા. 16 ના રવિવાર હોવાથી ઓફિસ બંધ હતી ત્યારબાદ તારીખ 17/3 ના સવારના 9:45 વાગ્યા આસપાસ તેઓ રાબેતા મુજબ ઓફિસે આવ્યા હતા ત્યારે ઓફિસ ખોલી અંદર જતા સામેની દીવાલમાં આવેલ બારીનો કાચ તૂટેલો હતો અને કાચના ટુકડાઓ નીચે પડ્યા હોય દિવાલમાં તથા બેસવાની ખુરશીમાં લોહીના ડાઘા જોવામાં આવ્યા હતા. જેથી ઓફિસમાં ટેબલમાં ડ્રોઅરમાં રાખેલ કિંમતી દાગીનાની તપાસ કરતા સોનાનો ચેન વજન 35 ગ્રામ કિંમત રૂપિયા 30,000, હાથમાં પહેરવાની સોનાની બે બંગડીઓ વજન ૪૫ ગ્રામ કિંમત રૂપિયા 2.20 લાખ, તૂટેલો ઓછા કેરેટનો સોનાનો હાર જે રીપેરીંગ માટે આવ્યો હોય વજન 35 ગ્રામ કિંમત રૂપિયા એક લાખ, એક જોડી બુટ્ટી વજન 3.6 ગ્રામ કિંમત રૂપિયા 30,330, એક જોડી બંગડી કિંમત રૂપિયા 1.29 લાખ, મંગળસૂત્ર 24.4 ગ્રામ કિંમત રૂપિયા બે લાખ એમ કુલ 158.8 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 10.11 લાખ હોય તેમજ ઓફિસમાં રાખેલ રોકડ રૂપિયા 70,000 સહીત કુલ રૂપિયા 10.81 લાખની મત્તા ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું. જેથી આ બાબતે તેમણે તેમના ભાગીદાર ઉપેન્દ્રસિંહ જાડેજાને ફોન કરી જણાવ્યું હતું.


ત્યારબાદ અહીં ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરા જોતા તા. 17/3 ના રાત્રીના 1: 31 કલાકે એક અજાણ્યો શખસ જેણે ટોપી પહેરી હોય તથા લાંબા વાળ હોય જોવામાં આવ્યો હતો આ શખસ માત્ર દસ મિનિટના સમયગાળામાં અહીંથી ચોરી કરી નાસી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે વેપારીએ જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.



બારી તોડવા જતા તસ્કર ઘવાયો

મારૂતિ કોમ્પ્લેક્સમાં વેપારીની ઓફિસની બારીનો કાચ તોડી રૂપિયા 10.81 લાખની મત્તા ચોરી કરવામાં આવી હતી. બારી તોડતી વેળાએ તસ્કરની ઇજા પહોંચી હોવાનું માલૂમ પડ્યું છે. કારણ કે અહીં બારી આસપાસ અને ખુરશીમાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, ચોરી કરતી વેળાએ તસ્કરને ઇજા પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application