જેતપુરમાં સગીરા પર ધાર્મિક શિક્ષણ આપનાર ઉસ્તાદને દુષ્કર્મની કોશિષના ગુનામાં સેસન્સ કોર્ટે ફટકારી સજા

  • May 03, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં એક મદરેસામાં ધાર્મિક શિક્ષણ આપતા ઉસ્તાદે તેની સગીર વયની સગીર સાગીરદા સાથે કરેલ દુષ્કર્મની કોશિષનો પોકસો એક્ટ હેઠળ બે વર્ષ પૂર્વે નોંધાયેલ ગુન્હામાં સેસન્સ કોર્ટે આરોપી ઉસ્તાદને વીસ વર્ષની સખત કેદ તેમજ ૨૬ હજાર રૂપિયાનો દંડની સજા કરી હતી અને ભોગ બનનારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો હતો.
શહેરના દેરડી રોડ પર દેરડી આવાસ યોજનાના એક બ્લોકમાં મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપવા એજાજ ઉર્ફે ફિરોઝબાપુ અહેમદશા રફાઈ રહે કોળી લાઈન સામે જેતપુરવાળાએ એક મદરેસા ખોલી હતી. આ મદરેસામાં છ થી સાત છોકરીઓ મુસ્લિમ ધર્મનું શિક્ષણ લેવા માટે આવતી હતી. જેમાં આ એજાજે મદરેસા પાસે જ રહેતી એક સગીરાના માતા પિતા ઘરે ન હતા ત્યારે તેણીના ઘરે ગયેલ અને દરવાજો બંધ કરી દીધો પરંતુ સગીરાની નાની બહેન આવી જતા એજાજ ત્યાંથી નાસી ગયો હતો. 


સગીરાની માતા બહારગામથી સાંજે ઘરે આવી ત્યારે એજાજને ઘરમાં જોય ગયેલ નાની દીકરી તેની માતાને એજાજ વિશે વાત કરેલ. જે સાંભળીને તેણીએ સગીરાને સમજાવીને પુછેલ કે, એજાજ શું કામ ઘરે આવ્યો હતો. તો સગીરાએ જણાવેલ કે, ચારેક મહિના પૂર્વે  એજાજ ફોન કરેલ અને કહેલ કે, આપણા ધર્મમાં ચાર નિકાહની પુરુષને છૂટ છે. અને હું તારી સાથે નિકાહ કરવા માગું છું તેમ કહી કોઈ નવાજ નામના યુવાનને કોન્ફરન્સમાં લીધેલ અને નવાજે મને કહેલ કે, હું તારો ભાઈ છું અને હું તને નિકાહની છૂટ આપું છું. ત્યારબાદ એજાજ મને વારંવાર એમ કહેવા લાગ્યો કે, આપણા નિકાહ થઈ ગયા છે. હવે તું મારી બીજા નંબરની બેગમ છો. અને આજે ઘરે આવી બળજબરીની કોશિષ કરેલ હતી. પુત્રી પાસે મદરેસા ચલાવનાર ઉસ્તાદ વિશે આવી વાત સાંભળતા માતા ડરીને પોતાના પિયરીયા સુરેન્દ્રનગર ચાલી ગઈ. અને ત્યાંથી એજાજને ફોન  કરી જણાવેલ કે હજુ ૧૪ વર્ષની જ છે તેના નિકાહ કેમ થાય તો એજાજે જણાવેલ કે, આપણા ધર્મમાં ૧૨ વર્ષની છોકરી હોય તો પણ નિકાહ થઈ શકે, પરંતુ આ વિશે પુત્રી સતત એમ જ જણાવતી કે મેં નિકાહ જેવું કંઈ કર્યું જ નથી જેથી પરીવારે ફરીયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
​​​​​​​
અને વર્ષ ૨૦૨૧ના મેં મહિનાની ૩ તારીખે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં એજાજ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ કરવાની ચેષ્ટાની આઇપીસી ૩૫૪( એ), ૫૦૬ તથા પોકસો એક્ટ હેઠળ ફરીયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ ગુન્હાનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન્સ જજ આર. આર. ચૌધરીએ સરકારી વકીલ કિશોર પંડ્યાએ રજૂ કરેલ ૨૮ દસ્તાવેજી પુરાવા, ૧૨ સાહેદોની ગવાહીના અને વકીલની દલીલના આધારે ઉસ્તાદ સાગીરદાના સબંધને અભડાવનાર એજાજને વીસ વર્ષની સખત કેદ તેમજ ૨૬ હજાર રૂપિયાનો દંડની સજા ફટકારી હતી. તેમજ ભોગ બનનાર સગીરાને વિકટીમ કમ્પનસેશન સ્કીમ ૨૦૧૯ હેઠળ પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીને હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application