સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રવાસના વર્ણનના ગીતથી ગુંજ્યું મંદિર પરિસર

  • April 25, 2023 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકાના મહેમાન બનેલા સૌરાષ્ટ્રીયન તમિલોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રવાસનું વર્ણન કરતાં ગીતથી ગુંજી ઉઠ્યું હતું.



સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ભાગ લેવા આવેલા મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ ગાયત્રી નાગરાજન અને એમના ગૃપની મહિલાઓએ સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડાપ્રધાનના ઉલ્લેખ સાથે તમિલમાં ગીતની રચના કરી છે. મંદિર પરિસરમાં ગીત ગાઈ પૂર્વજોની ભૂમિ પર લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



વધુમાં ગાયત્રીજીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત ગુજરાત આવી અમને અમારા વતનમાં આવ્યાની ખુશી જ અલગ છે. જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સરકાર દ્વારા અમારા માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસન સ્થળો પર પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે.



ગુજરાતના લોકોને મળી અમે અમારા જ બાંધવોને મળી રહ્યા છીએ તેનો ખૂબ જ આનંદ છે. ગુજરાતના લોકો ખૂબ માયાળુ છે. ગઈકાલે અમે સોમનાથ નજીકના ગામડાની મુલાકાત લીધી હતી. જ્યાં લોકોએ ખૂબ જ પ્રેમથી અને ઉત્સાહ સાથે અમને આવકાર્યા હતા. તેમજ તમિલનાડુ જઇ અમે લોકોને ગુજરાતની મુલાકાત લેવા અને ઇતિહાસ જાણવા અંગે જણાવીશું.



હવે ફરી ગુજરાત આવીશું તો બોલીશું નમસ્કાર! અને તમે કેમ છો? આ શબ્દો સૌરાષ્ટ્રીયન તમિલ પ્રવાસીઓના છે કે જેણે દ્વારકામાં લેંગ્વેજ વર્કશોપમાં ગુજરાતી ભાષાના રોજબરોજ વપરાતા શબ્દો શીખ્યા હતા.



ગુજરાત સરકારની સ્કોપ સંસ્થા અને અમદાવાદ તમિલ એસોસિએશન આ ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ સહિતની સંસ્થાઓના અરસપરસના સહયોગથી દ્વારકામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનો માટે લેંગ્વેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ અંદાજે ૩૦૦ તમિલવાસીઓ ગુજરાતીના રોજબરોજના શબ્દો શીખે છે.



સૌરાષ્ટ્ર તમિલ સંગમના સોમવારે છઠ્ઠા દિવસે તમિલ વાસીઓ ખાસ કરીને મદુરાઈ -ચેન્નઈની મહિલાઓ  માટે યાદગાર રહ્યો હતો. તમિલનાડુથી આવેલી મોટાભાગની બહેનો ગુજરાતી લેંગ્વેજ સ્પર્ધામાં જોડાઈ હતી. સોમવારે લેંગ્વેજ વર્કશોપમાં તમે કેમ છો? આવો આવો..! નમસ્કાર ! તમારી માતૃભાષા કઈ છે? જય જય ગરવી ગુજરાત જેવા શબ્દો અને વાક્યો આ ઉપરાંત અન્ય ગુજરાતી અને તમિલ શબ્દો વચ્ચેનું ભાષાંતર શીખવવામાં આવ્યું હતું. ગુજરાતીઓ પણ સ્પર્ધામાં જોડાયા અને તેઓએ આ જ ગુજરાતી શબ્દોનું તમિલમાં થતું ભાષાંતર સમજીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.



’વિશ્વ આશ્રમ સંતનું’ જેવી વિશ્વ બંધુત્વની પંક્તિઓ લખનાર કવિ કલાપી કલાપી વિશે આ વર્કશોપમાં તમિલ ભાષામાં તેમના સાહિત્યપ્રદાનની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે, જે ભારતની વિશ્વ બંધુત્વની ભાવના અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતિક રૂપ આ કાર્યક્રમને સાર્થક કરતી હતી.


આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય રચનાઓ અને તેમના જીવનની માહિતી પણ તમિલમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુના સંતો કવિઓ અને મહાન વિચારકો સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત તમિલનાડુથી આવેલા બાંધવો ગુજરાતી ભાષાની સમજણ મેળવે અને ગુજરાતીઓ તમિલ ભાષાની સમજણ મેળવે તે માટે લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.  સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલોએ ઉત્સાહભેર વર્કશોપમાં ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application