BREAKING NEWS

સલાયા મરીન પોલીસ દ્વારા છેવાડાના ગામ ચુડેશ્વરની વિઝિટ 

  • July 17, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા મરીન પોલીસ દ્વારા છેવાડાના ગામ ચુડેશ્વરની વિઝિટ 

ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી સંવાદના માધ્યમથી ગ્રામજનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા: કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને શાળાના બાળકોએ ઉત્સાહભેર હાજરી આપી

ગૃહ વિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય વધારવા તેમજ ગ્રામ્ય સ્તરે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડા તથા ટીમ દ્વારા ચુડેશ્વર ગામે વિલેઝ વિઝિટ (ગામ મુલાકાત) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ચુડેશ્વર ગામની શાળાના કંપાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને શાળાના બાળકોએ ઉત્સાહભેર હાજરી આપી પોલીસ પ્રશાસનને બહોળો પ્રતિસાદ આપ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી સંવાદના માધ્યમથી ગ્રામજનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર માસના સંદર્ભે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રકૃતિપ્રેમ, દેશદાઝ અને તેમની ઐતિહાસિક સિદ્ધિઓ વિશે શાળાના બાળકોને વિસ્તૃત માહિતી આપી પ્રેરિત કરવામાં આવ્યા હતા.

બાળકોના મનમાંથી પોલીસ પ્રત્યેનો ડર અને બીક દૂર થાય અને તેઓ પોલીસને પોતાના મિત્ર સમજે તેવા સાર્થક પ્રયાસો કરાયા હતા.પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડા દ્વારા ગામમાં અને શાળા પરિસરમાં સ્વચ્છતા જાળવવા, નશામુક્તિ અભિયાનને વેગ આપવા અને બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા અંગે ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ મહિલાઓ આત્મનિર્ભર બને અને ઘરબેઠા સરકારી સહાય મેળવી નાના ઘરેલું ઉદ્યોગો શરૂ કરી આર્થિક રીતે સક્ષમ બને તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓથી બચવા, ડિજિટલ ફ્રોડથી સાવચેત રહેવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરી કિંમતી માનવ જિંદગી બચાવવા અંગે વિશેષ સમજણ આપવામાં આવી હતી.

ચોમાસાની ઋતુના આગમન પૂર્વે (મોન્સુન બ્રેક દરમિયાન) દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે માછીમારી પ્રતિબંધિત જાહેરનામા અંગે માછીમારો અને ગ્રામજનોને વાકેફ કરાયા હતા. દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈ આવતી કોઈપણ બિનવારસી વસ્તુઓ કે દાણચોરી સંબંધિત પ્રવૃત્તિઓ, શંકાસ્પદ બોટો કે દરિયાઈ ઘૂસણખોરી જેવી કોઈપણ હિલચાલ જણાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ખેતમજૂરી અર્થે આવતા બહારના શ્રમિકોના નામ, સરનામા, મોબાઈલ નંબર અને આઈ.ડી. પ્રૂફ મેળવી પોલીસ વેરિફિકેશન કરાવવા બાબતે ગ્રામજનોને કડક સૂચના આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુડેશ્વર ગામના નાગરિકોએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા રાષ્ટ્રીય સુરક્ષાના કાર્યોમાં સલાયા મરીન પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application