સાગરખેડૂ સાયકલ રેલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાગ લેવા ઇચ્છુકોએ તા.૨૦ જાન્યુઆરી સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી ખાતે અરજી કરવાની રહેશે
કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ઉપક્રમે દર વર્ષે સાગરખેડુ સાયકલ રેલી કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ૭ (સાત) દિવસ માટે સાગરખેડુ સાયકલ રેલી કાર્યક્રમ યોજાનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદ કરાયેલ યુવક યુવતીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા ગુજરાત રાજ્યનાં ૩૧/૧૨/૨૦૨૫ના રોજ ૧૫થી ૩૫ વર્ષની ઉંમરના અભ્યાસ ચાલુ હોય કે ન હોય તેવા યુવક-યુવતીઓને આ કાર્યક્રમમાં જોડાવવા માટે બ્લોગસ્પોટ dydoamreli.blogspot.com પરથી અથવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કરીરી, બહુમાળી ભવન, પ્રથમ માળે, બ્લોક-સી, રૂમનં. ૧૧૦/૧૧૧, અમરેલી પરથી રૂબરૂ ફોર્મ મેળવી શકશે. જેમાં ઉમેદવારે પોતાનું નામ-સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, એન.સી.સી/ પર્વતારોહણ/ રમતગમત/ સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર, વાલીનું સંમતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો, ઓળખપત્ર, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી સાથે જોડવાની રહેશે. અરજી કરવા તા.૨૦/૦૧/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-સી, રૂમનં, ૧૧૦/૧૧૧, અમરેલીને મોકલી આપવાની રહેશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતીઓને નિવાસ, ભોજન, તથા આવવા જવાનું ભાડું સરકારથી તરફથી આપવામાં આવશે, તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.