ભાણવડ: બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ : ૨૪૦૦ લીટર આથો કબ્જે
ભાણવડ પોલીસની કાર્યવાહીમાં ૬૦ હજારનો મુદામાલ મળી આવ્યો
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દારૂની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના આધારે ભાણવડ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાણવડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. કોઠીયા અને પી.એસ.આઈ. પી.એમ. ગોરફાડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ બરડા ડુંગર વિસ્તારમાં પ્રોહિબિશન અંગે પેટ્રોલીંગમાં હતો.
આ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ કહરસંગ જાડેજાને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી હતી કે, પરબતભાઇ જીવણભાઇ મોરી (રહે. ધ્રામણીનેશ, રાણપર ગામ, તા. ભાણવડ) બરડા ડુંગરમાં આવેલા ધ્રામણીનેશ વિસ્તારના આવળ માતાજીના મંદિરથી ઉત્તર દિશા તરફ આશરે ૫૦૦ મીટર દૂર ડુંગરની ભીતમાં બાવળની કાંટાળી ઝાડીઓમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન પોલીસને ત્યાં પથ્થરથી બનાવેલી એક મોટી ચૂલાની ભઠ્ઠી મળી આવી હતી. આ ભઠ્ઠીની બાજુમાં પતરાના ૧૨ બેરલ પડ્યા હતા, જેમાં તપાસ કરતા આશરે ૨૦૦ લીટરની ક્ષમતા ધરાવતા બેરલોમાંથી કુલ ૨૪૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. પોલીસે આશરે રૂપિયા ૬૦,૦૦૦/- ની કિંમતનો આ મુદામાલ જપ્ત કર્યો છે.
જોકે, પોલીસની રેઇડ દરમિયાન આરોપી પરબતભાઇ જીવણભાઇ મોરી ઝાડી-ઝાંખરાનો લાભ ઉઠાવીને ઘટનાસ્થળેથી નાસી જવામાં સફળ રહ્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ જાડેજાએ નાસી ગયેલા આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવીને કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.