ભાટિયા નજીક હાઇવે પરની રાધે હોટલમાંથી રૂ.૨૩ લાખની પાવરચોરી ઝડપાઇ
હોટલ સંચાલક સામે પોલીસ મથકમાં વીજ ચોરી સબબ ગુનો નોંધાતા ચકચાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા નજીક હાઇવે પરની રાધે હોટલમાંથી રૂ.૨૩ લાખની પાવરચોરી ઝડપાતા ચકચાર જાગી છે. પીજીવીસીએલના ચેકીંગમાં જોડાણ વગર વીજ વપરાશ થતો હોવાનું ખૂલ્યું છે. હોટલ સંચાલક સામે પોલીસ મથકમાં વીજ ચોરી સબબ ગુનો નોંધાયો છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ને ચોક્કસ માહિતી મળી હતી, કે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના પાટીયા નજીક આવેલી રાધે હોટલ કે જેમાં કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ મેળવાયેલું નથી, તેમ છતાં તેમાં વીજ પ્રવાહ ચાલુ છે, જેથી ગઈકાલે રાત્રે ચેકિંગ ટુકડી હોટલ પર ત્રાટકી હતી. જે દરમિયાન હોટલમાંથી વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી હોટલના સંચાલક લક્ષ્મણભાઈ સોમાતભાઈ ગોજીયા સામે જામનગરના વીજ પોલીસ મથકમાં પાવર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેને રૂ.૨૩,૦૨,૬૨૯.૧૬ નું બિલ ફટકારવામાં આવ્યું છે.આટલું જ નહીં રૂ.૧.૪૦ લાખનો કમ્પાઉન્ડીંગ ચાર્જ પણ ફટકારાયો છે. વીજતંત્રના ચેકીંગમાં હાઇવે પરની હોટલમાંથી જંગી વીજચોરી ઝડપાતા અન્ય હોટલ ધારકોમાં દોડધામ સાથે ફફડાટની લાગણી ફેલાઇ છે. ત્યારે બંને જિલ્લમાં ધોરીમાર્ગો પર આવેલી હોટલોમાં વીજચેકીંગ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો ખુલવાની શકયતા પણ નકારી શકાતી નથી.