ખંભાળિયા: ભાણવડ શહેરમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી અંગે રજૂઆત
શહેરનાં કેટલાક વિસ્તારોમાં ઉભરાતી ગટરને કારણે રોગચાળો ફેલાવાનો ભય
ભાણવડ શહેરમાં સરકાર તંત્ર દ્વારા બનાવાયેલ ભૂગર્ભ ગટરની કામગીરી નબળી અને ગુણવત્તા વગરની હોવાથી સ્ટોરેજ કુંડીઓ કેટલાંક ઠેકાણે છલકાઈ રહી છે, તાલુકા પંચાયતની સામે આવેલ શિવનગર વિસ્તારમાં સ્ટોરેજ કુંડી વારંવાર છલકાઈ જવાની ફરિયાદ ઉઠી છે, અને ગંદા પાણી રહેણાંક સુધી ફેલાતાં રોગચાળાનો ભય ઉભો થયો છે, આ બાબતને લઈને ભાણવડ શહેર આપના પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજાએ સ્થાનિક તંત્રને રોષભેર લેખિત રજૂઆત કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગણી કરી છે.
શહેરમાં ગંદકીની સમસ્યાને નિવારવા માટે સરકાર તંત્રે કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવી છે, યોજના તૈયાર થવાથી ગંદકીની સમસ્યાનું નિવારણ આવશે એમ લોકો માની રહ્યા હતા પરંતુ આ યોજના ભાગે કે છેતરામણી બની હોય તેમ કેટલાંય ઠેકાણે સ્ટોરેજ કુંડી છલકાઈ રહી છે, જેથી કામમાં કહેવાતી ભ્રષ્ટાચારનાં આક્ષેપો લોકોમાં થઈ રહ્યા છે.
શહેરના રણજીત પરામાં તાલુકા પંચાયતની સામે જ શિવનગરના રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીનાં સંગ્રહ માટે બનાવાયેલ મસમોટા સ્ટોરેજ કુંડા અવારનવાર છલકાઈ જાય છે, અને તેનાં ગંદા પાણી લોકોનાં રહેણાંક સુધી ફેલાઈ જવાથી પારાવાર હાલાકી ભોગવવી પડે છે, તેમજ માખી મચ્છર જેવી જીવાતોનો ઉપદ્રવ રહેવાથી રોગચાળાનો ભય લોકોમાં ખડો થયો છે.આ સિવાય ભૂગર્ભ ગટરની કુંડાઓનાં કહેવાતાં ઢાંકણા પણ શહેરમાં કેટલીક જગ્યાએ જર્જરીત બની ગયાં છે. પરિણામે અકસ્માતની દહેશત સેવાઈ રહી છે. એવી રજૂઆત આપના શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજાએ કરી છે