ગોંડલમાં SRP ગ્રાઉન્ડમાં કાતિલ ઠંડીમાં પોલીસની શારીરિક પરીક્ષામાં ઉમેદવારોએ દોડ લગાવી, જાણો કેવા છે નિયમો

  • January 08, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસમાં 12,472 જગ્યાઓની ભરતી માટે શારીરિક પરીક્ષા આજથી શરૂ થઈ છે અને જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ ભરતી માટે અંદાજે 16 લાખ અરજીઓ આવી છે. ગુજરાતમાં અલગ અલગ 15 ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી લેવાશે. ત્યારે આજથી ગોંડલ કોટડા સાંગાણી રોડ પર આવેલ SRP કેમ્પના વિશાળ ગ્રાઉન્ડમાં આજ રોજ વહેલી સવારે 5 વાગ્યે કાતિલ ઠંડીમાં ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. આજથી શરૂ થયેલ શારીરિક પરીક્ષામાં દોડ લગાવી હતી.


5000 મીટર દોડ લગાવી 
ગોંડલ SRP ગ્રાઉન્ડમાં આજથી શરૂ થયેલ શારીરિક પરીક્ષાના પ્રથમ દિવસે વહેલી સવારથી પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ હતી. શારીરિક પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ પરીક્ષા પાસ થવા માટે ગ્રાઉન્ડમાં રનિંગ ટ્રેક પર 25 મિનિટમાં 12 રાઉન્ડના અંતે 5000 મિટર દોડવાનું રહે છે.


પરીક્ષા દરમિયાન ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ગોંડલ SRP ગ્રાઉન્ડ ખાતે આજથી શરૂ થતાં શારીરિક પરીક્ષા દરમિયાન ગ્રાઉન્ડ પર તેમજ પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને એન્ટ્રી ગેઈટ પર સુરક્ષા વ્યવસ્થામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન જો કોઈ ઉમેદવારને શારીરિક ઈજા કે ઇમરજન્સી સારવારની જરૂર પડ તો ગ્રાઉન્ડની અંદર ઇમરજન્સીમાં મેડિકલ ટીમ, મેડિકલ સ્ટાફ સાથે 2 એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. SRP કેમ્પમાં પરીક્ષા આપવા આવેલ ઉમેદવાર માટે રહેવાની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.


આજથી શરૂ થયેલ શારીરિક પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને એન્ટ્રી ગેઈટ પર કોલ લેટર તેમજ આઈડી પ્રુફ ચેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારો સાથે લાવેલ સ્વેટર-જેકેટ અને બેગ રાખવા માટે SRP ગ્રાઉન્ડની અંદર અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ઉમેદવારોએ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઘડિયાળ, મોબાઈલ, સ્માર્ટ વોચ સહિત ચીજવસ્તુઓ બહાર મુકવામાં આવી હતી. 


SRP ગ્રાઉન્ડની બહાર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ
ગોંડલ SRP ગ્રાઉન્ડ ખાતે પરીક્ષાના પ્રથમ દિવસે શારીરિક પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન એન્ટ્રી ગેટથી લઈને ગ્રાઉન્ડ સુધી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઉમેદવાર સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. ઉમેદવારોનો તમામ સામાન જેમ કે, જાકિટ, બેગ, સહિતનો સામાન SRPના એન્ટ્રી ગેટની અંદર એક ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

અગત્યની સુચનાઓનું એક સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યું 

(1) ઉમેદવારોએ ઓળખ માટે અસલ પૂરાવો જેમ કે, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ તથા પાનકાર્ડ, ચૂંટણી કાર્ડમાંથી કોઈપણ એક પૂરાવો સાથે રાખવો.

(2) ઉમેદવારોને કોઈપણ સંજોગોમા સવારનાં કલાક 8:30 વાગ્યા બાદ ગાઉન્ડ પર પ્રવેશ આપવામાં આવશે નહીં.

(3) ઉમેદવારોનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન હોવાથી આંગળી સ્વચ્છ રાખવી. (મહેંદી. કંકુ, ચંદન કે અન્ય કોઈપણ દ્રવ્ય લગાવવા નહીં)

(4) ઉમેદવારે દોડ માટે RFID TAG લગાવ્યા પછી દોડ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાથરૂમ કે ટોઈલેટ જઈ શકશે નહીં.

(5) શારીરિક ક્ષમતા કસોટીમાં ઉમેદવાર મોબાઈલ/સ્માર્ટ વોચ/ ડીઝીટલ વોચ કે અન્ય ઈલેક્ટ્રોનીક આઈટમો લઈ જઈ શકશે નહીં

(6) ઉમેદવારોને દોડના રાઉન્ડ ગણતરી માટે રબર બેન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી કાકરી કે અન્ય ચીજ વસ્તુ સાથે લઈ જઈ શકશે નહીં.

(7) ઉમેદવારોએ ગ્રાઉન્ડ ઉપર 12 રાઉન્ડ મારવાના રહેશે.

(8) ઉમેદવારોએ કેફી દ્રવ્ય, ડ્રગ્સ કે નશાની મોળીઓનું સેવન કરેલ જણાશે તો રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.

(9) ઉમેદવારો સગા કે મિત્રોને કસોટીના સ્થળે પ્રવેશવા દેવામાં આવશે નહીં.

(10) ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન કોલ લેટર પોતાની પાસે સાચવીને રાખવાનો રહેશે.

(11) ઉમેદવારોએ સાથે લાવેલ અંગત સામાનની જવાબદારી પોતાની રહેશે.

(12) ઉમેદવારોએ રનિંગ પૂર્ણ કર્યા બાદ Starting-ending પોઈન્ટના cctv ક્રોસ કર્યા બાદ જ રનીંગ ટ્રેક છોડશે.

(13) ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે જો વ્યકિત દ્વારા તમારી પાસે લાંચની માંગણી કરવામાં આવે તો ડાયલ 1064 ઉપર ફોન કરી રૂશ્વત વીરોધી બ્યુરોને અવશ્ય જાણ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application