જામનગરમાં ખોવાયેલો મોંઘોદાટ મોબાઇલ પોલીસે શોધી મુળ અરજદારને પરત કર્યો
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી વધુ એક વખત આશીર્વાદરૂપ બન્યા
જામનગર શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા વધુ એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ખોવાયેલો આઈફોન-૧૪ મોબાઇલ શોધી તેના માલિકને પરત અપાતા અરજદારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા મુખ્ય મથકના કાર્યકારી નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કર્મચારીઓ સી.સી.ટી.વી. સર્વેલન્સની કામગીરીમાં વ્યસ્ત હતા. દરમિયાન બળદેવભાઈ જેઠાલાલ રાઠોડ (રહે. નવાનાગનાથ, જામનગર) દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું હતું કે તેઓ રાજકોટથી જામનગર આવવા માટે એક ઇકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં ઉતર્યા બાદ તેમને ખબર પડી હતી કે તેમનો આશરે રૂ. ૭૦ હજારની કિંમતનો આઈફોન-૧૪ મોબાઇલ વાહનમાં જ રહી ગયો છે. આ અંગેની રજૂઆત મળતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પી.એ. ખાણધર, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ સોઢા, પોલીસ કોન્સ્ટેબલ મિતલબેન સાવલિયા, જેશાભાઈ ડાંગર તેમજ એન્જિનિયર અનિલભાઈ પરમાર સહિતની ટીમે વિવિધ વિસ્તારોના સી.સી.ટી.વી. કેમેરાના દ્રશ્યોનું સૂક્ષ્મ નિરીક્ષણ શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન મોબાઇલ જે ઇકો કારમાં રહી ગયો હતો તે વાહનનો નોંધણી નંબર જીજે-૧૦-ડીએન-૮૦૬૧ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વાહનના માલિકની વિગતો મેળવી તેમના સંપર્કમાં આવતાં મોબાઇલ અંગે માહિતી મળી હતી. અનુસંધાને મોબાઇલ કબજે મેળવી અરજદારને પરત સોંપવામાં આવ્યો હતો.કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સતર્કતા, ટેકનોલોજીના અસરકારક ઉપયોગ અને ઝડપી કાર્યવાહીના કારણે ખોવાયેલો કિંમતી મોબાઇલ ટૂંકા સમયમાં જ મળી આવતાં અરજદારે જામનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.