તબીબી છાત્રાની પજવણી કરનાર ધરારપ્રેમીને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવતી પોલીસ

  • July 05, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલિનિકમાં સાથે નોકરી કરનાર ઘંટેશ્ર્વરનો શખસ પીછો કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતો: મદદગારી કરનાર તેની ધર્મની બહેન સામે પણ ગુનો નોંધાયો



શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતી તબીબી છાત્રાનો પીછો કરી તેને ધરાર સંબંધ રાખવા માટે કહી ધમકાવી પજવણી કરનાર ઘંટેશ્ર્વરના શખસ તથા તેની મદદગારી કરનાર આ શખસની ધર્મની બહેન સામે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.પ્ર.નગર પોલીસે આ ધરારપ્રેમીને ઝડપી લઇ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.




શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતી અને હોમિયોપેથીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રર વર્ષની યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આસીફ યુસુફ શેખ (રહે. ઘંટેશ્વર રપ વારીયા કર્વાટર) તથા અસ્મિતા મારૂનું નામ આપ્યું હતું.




યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે અભ્યાસ કરવાની સાથોસાથ લેડીઝ કપડાંની દુકાન પણ સંભાળે છે. એકાદ વર્ષ પહેલા જંકશનમાં ડોકટરને ત્યાં પ્રેકિટસ કરતી ત્યારે ત્યાં આરોપી આસીફ પણ નોકરી કરતો હોવાથી તેની સાથે પરિચય અને મિત્રતાનો સંબંધ બંધાયો હતો. એક વખત આરોપી આસીફે તેની મસ્તી પણ કરી હતી. તેણે ના પાડતા છતાં મસ્તી કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના મોબાઈલ નંબર વોટ્સએપ ગ્રુપમાંથી મેળવી નવરાત્રિના સમયે મેસેજ કર્યો હતો. તેની સાથે કામ બાબતે વાતચીત થતી હતી. આમ છતાં કામ સિવાય પણ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. જેની જાણ ડોકટરને થતાં તેણે પ્રેકટીસ કરવા જવાનું બંધ કરી દીધું હતું. આમ છતાં આસીફ તેનો પીછો કરતો હતો.




બે-ત્રણ દિવસ પછી તેના ઈન્સ્ટાગ્રામ આઈડીમાંથી મેસેજ કર્યો હતો. તેણે મેસેજ કરવાની ના પાડી કહ્યું કે, મારા માતા-પિતાને ખબર પડી ગઈ છે, મારો ફોન મારા પિતા પાસે છે. આમ છતાં તેણે મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેને કારણે તેને બ્લોક કરી દેતાં અજાણ્યા નંબર ઉપરથી કોલ કરી કહ્યું કે, તું મારી સાથે વાત કર, નહીંતર હું મરી જઈશ મને મેસેજમાથી અનલોક કર.



આ વખતે તેણે તેની સાથે કોઈપણ વાતચીત કરવા માંગતી નહીં હોવાનું કહ્યું હતું. ત્યારબાદ આસીફની અસ્મિતા (રહે. ગોંડલ રોડ) નામની કહેવાતી બહેને તેને મેસેજ કરી કહ્યું કે મારો ભાઈ સારો માણસ છે, તેની સાથે વાતચીત કર. એટલું જ નહીં અસ્મિતાએ આસીફ સાથે વાતચીત કરવા માટે તેને દબાણ પણ શરૂ કર્યું હતું.



પરંતુ તેણે ઈનકાર કરી દીધો હતો. આમ છતાં આસીફ એવા મેસેજ કરતો હતો કે હું મારા માતા-પિતાનો એકલોતો પુત્ર છું, તું મારી સાથે વાતચીત નહીં કરતો હું મરી જઈશ. એટલું જ નહી મળવા આવવાના પણ મેસેજ કરતો હતો. આખરે જો વાતચીત નહીં કરે તો તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. અવારનવાર ફોન અને મેસેજ ઉપરાંત વીડીયો કોલ કરીને હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે યુવતીએ આસિફ અને અસ્મિતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.કે.ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી ધરારપ્રેમી આસિફ શેખને ઝડપી લઇ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application