જામનગરમાં પાઇલટ-ડેની ઉત્સાહભેર ઉજવણી
૧૦૩ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી અને સમર્પણ બદલ સન્માનીત કરાયા
ઇએમઆરઆઇ જીએચએસ દ્વારા જામનગર ખાતે પાઇલટ-ડે ૨૦૨૬ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ ૧૦૩ કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી અને સમર્પણ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શઆત પ્રોગ્રામ મેનેજર ૧૦૮ મનવીર ડાંગરના સ્વાગત પ્રવચનથી થઈ હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન ધર્મેન્દ્ર પટેલ અને જ્યોતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જામનગર કલેક્ટર પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશિષ્ટ મહેમાનો તરીકે સીડીએચઓ ડો. પંકજકુમાર સિંહ, સીડીએમઓ ડો. વિજય પોપટ, એડીએચઓ ડો. અતુલ પટેલ અને લોકગાયક ભાવેશ રામ ઉપસ્થિત રહીને લોકગીતોની રજૂઆત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન કલેક્ટર પરિમલ પંડ્યા તથા અન્ય મહેમાનો દ્વારા કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટરે ૧૦૮ અને ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓના સમાજ માટેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તથા એવોર્ડ વિજેતા કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી.
ડો. પંકજકુમાર સિંહે પોતાના જીવનનો ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ૧૦૮ સેવાને એક વખત તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડો. અતુલ પટેલે ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ સેવાની પ્રશંસા કરી હતી અને લમ્પી સ્કિન ડિસીઝ ફાટી નીકળેલી પરિસ્થિતિ દરમિયાન ૧૯૬૨ સેવાને ખૂબ ઉપયોગી સાબિત થયાની નોંધ લીધી હતી.
કાર્યક્રમમાં ઇએમઆરઆઇ જીએચએસ અમદાવાદ હેડ ઓફિસ તરફથી હેડ આશિષ ધોમસે, ૧૯૬૨ સ્ટેટ હેડ ડો. મુકેશ ચાવડા, ફાઇનાન્સ હેડ વિનોદ સોની તથા એસસીએમ મેનેજર નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
આધાર કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ઓફિસથી આવેલા આશિષ ધોમસે ના નેતૃત્વ હેઠળની ટીમે ૧૦૮, ૧૧૨, ૧૮૧, એમએચયુ અને ૧૯૬૨ જેવા વિવિધ પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે ચર્ચા કરી, તેમના મંતવ્યો જાણ્યા તેમજ એમ્બ્યુલન્સનું નિરીક્ષણ પણ કર્યું હતું. સાથે સાથે ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ મેનેજર ૧૯૬૨ ડો. મહંમદ શોએબ ખાને તમામ મહેમાનો, ભાગ લેનાર કર્મચારીઓ તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.