દ્વારકામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ હાથવેંતમાં
૯.૯૪ કરોડની ડ્રેનેજ યોજના મંજૂર: યાત્રાધામના વિકાસને મળશે વેગ
દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક વિસ્તારમાં વર્ષોથી ચોમાસા દરમિયાન સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૯૯૪.૬૪ લાખના ખર્ચે તૈયાર કરાયેલી સ્ટોર્મ વોટર ડ્રેનેજ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અમલમાં આવ્યા બાદ શહેરના મુખ્ય વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સુવિધા મજબૂત બનશે અને નાગરિકોને મોટી રાહત મળશે.
ભદ્રકાળી ચોક દ્વારકાના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક ગણાય છે. ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાતો હતો, વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું અને યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યાને ઉકેલવા માટે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, જેના અનુસંધાને આ મહત્વપૂર્ણ યોજના મંજૂર કરવામાં આવી છે.
યોજનાના અંતર્ગત હાઇવેથી મોડેલ હાઇસ્કૂલ સુધી તેમજ ભદ્રકાળી ચોકથી રાવળા તળાવ સુધી આર.સી.સી. ઓપન બોક્સ ડ્રેનેજ લાઇનનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત ૬૦૦, ૯૦૦ અને ૧૨૦૦ મીમી વ્યાસની આર.સી.સી. પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાશે.વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલની ક્ષમતા વધારવા માટે રાવળા તળાવનું ઊંડાણ વધારવાનું કામ પણ કરવામાં આવશે. સાથે જ કામગીરી દરમિયાન અસરગ્રસ્ત માર્ગોના પુન:સ્થાપનના કાર્યો પણ યોજનામાં સમાવાયા છે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. આગામી સમયમાં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ, ટેકનિકલ ડિઝાઇન અને ખર્ચના અંદાજો તૈયાર કરી જરૂરી વહીવટી તથા તકનીકી મંજૂરી મેળવવામાં આવશે. ત્યારબાદ નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ થશે.
ધાર્મિક અને પર્યટન નગરી તરીકે ઓળખાતી દ્વારકામાં આ યોજના માત્ર પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ જ નહીં લાવે, પરંતુ શહેરના માળખાકીય વિકાસને પણ નવી દિશા આપશે. સ્થાનિક લોકોમાં આ નિર્ણયને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે અને આગામી ચોમાસાઓમાં રાહતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.