BREAKING NEWS

જામનગર શહેરના વોર્ડ નં.૧૪માં ૧૫ દિવસથી ખોદાણ કર્યા બાદ રસ્તો ન બનતા લોકોમાં ઉગ્ર રોષ

  • March 30, 2026 06:08 PM 

જામનગર​​​​​​​ શહેરના વોર્ડ નં.૧૪માં ૧૫ દિવસથી ખોદાણ કર્યા બાદ રસ્તો ન બનતા લોકોમાં ઉગ્ર રોષ

૧૫૦ જેટલા ઘરમાં રહેતા લોકોને તકલીફ: દિ.પ્લોટ ૫૯ અને ૬૦ માં ગલીમાં આડેધડ ખોદકામ કર્યા બાદ ભુર્ગભ અને પાણીની લાઇન પણ તૂટી: આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા ચેતવણી

જામનગર શહેરમાં એક તરફ વિકાસના કામો થઇ રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે, બીજી તરફ પેધી ગયેલા કેટલાક કોન્ટ્રાકટરો દ્વારા ખોદાણ કરાયા બાદ રસ્તાઓ કરવામાં આવતા નથી, જેના લીધે લોકોને ખુબજ મુશ્કેલી પડે છે, ભુર્ગભ ગટરની લાઇનો તૂટી ગઇ છે, પીવાના પાણીની લાઇન પણ તૂટી જવાથી દિ.પ્લોટ ૫૯ અને ૬૦માં રહેતા લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, કોર્પોરેશનના અધિકારીઓને કંઇ પડી નથી, તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે, બીજી તરફ આ વિસ્તારમાં કામ કરતા કોન્ટ્રાકટરને લોકોએ અવારનવાર રજુઆત કરવા છતાં પણ ૧૫-૧૫ દિવસથી રસ્તાઓ ખોદી નખાતા કેટલાકના ઘરોમાં ગટરનું પાણી પણ ઘુસી જાય છે. લોકો પીવાનું પાણી પી શકતા નથી, શેરી, ગલીઓમાં વાહનો રાખી શકતા નથી અને ઘરમાં ર્દુગંધીત પાણી આવતું હોવાથી હવે તો ગમે ત્યારે રોગચાળો ફાટી નિકળે એવી પણ શકયતા હોવાનું લોકોનું કહેવું છે, ત્યારે કેટલાક લોકોએ એવી ચીમકી આપી છે કે આગામી ચૂંટણીમાં અમો મતદાનનો બહિષ્કાર કરીશું.

વોર્ડ નં.૧૪ માં આવેલ દિ.પ્લોટ શેરી નં.૫૯ અને ૬૦ માં ઉભી અને આડી ગલીમાં રસ્તો બનાવવા માટે કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને આ વાતને ૧૫-૧૫ દિવસ થઇ ગયા છે, જેસીબી થી ખોદાણ કરવાના કારણે કેટલાક મકાનોમાં આવતી ભુર્ગભ ગટરની લાઇન તૂટી જતાં ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરીવળ્યું છે અને લોકો તિવ્ર ર્દુગંધનો સામનો કરી રહ્યા છે, તેવું લોકોએ કહ્યુું છે.

એટલું જ નહિં લગભગ ૧૫૦ જેટલા ઘરોમાં રહેતા લોકોને બે અઠવાડીયાથી ખૂબજ મુશ્કેલી છે, તેનું કોઇ સાંભળતુ નથી, મનપાના અધિકારીઓને કંઇ પડી નથી અને કેટલાક ઘરોમાં તો પીવાનું પાણી આપતી લાઇન તૂટી જતા લોકોને બહારથી પાણી મંગાવવું પડે છે. આ રસ્તો કયારે પુરો થશે તેની કોઇને પડી નથી અને લોકોને ખાલી આશ્ર્વાસન આપવામાં આવે છે, કોન્ટ્રાકટરને રજુઆત કરી ત્યારબાદ તેનાથી પણ આજસુધી કામ શરૂ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે.

કોર્પોરેશનના કેટલાક કોન્ટ્રાકટરો માનીતા છે, તેઓને રાજકીય ઓથ પણ છે, જયારે તે લોકો કામ લ્યે ત્યારે હોંશે હોંશે કહે છે કે લોકોને જેમ બને તેમ ઓછી મુશ્કેલી પડશે પરંતુ કામનો વર્ક ઓડર મળી ગયા બાદ તેઓ કોઇનું માનતા નથી તેવી ફરીયાદ અનેક વોર્ડમાં છે. રસ્તા કે ગલી ખોદી નાખ્યા બાદ તેની કામગીરી શા માટે કરવામાં આવતી નથી? આ વિસ્તારના નગરસેવકોએ પણ લોકોના ગંભીર પ્રશ્ર્નો અંગે ઘ્યાન આપવું જોઇએ તેવી લોકોની માંગ છે, ત્યારે ભુર્ગભ ગટર અને સેફટીનું પાણી ઘરમાં ઘુસી જાય છે, પીવાના પાણીની લાઇન કેટલાક ઘરોની બહાર તૂટી ગઇ છે, જેને કારણે લોકોને બહારથી પોતાના ખર્ચે પીવાનું પાણી મંગાવવું પડે છે, ૫૯ અને ૬૦ નંબરની શેરીમાં તો જાણે કે લોકો નર્કમાં રહેતા હોય તેવી તેઓને પ્રતીતી થાય છે.

જામનગર મહાપાલિકાના વિસ્તારમાં કેટલાક વોર્ડમાં આ પ્રકારની હાલત હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે, કામ શરૂ કર્યા બાદ રસ્તા ખોદે એટલે લોકોને એવું થાય કે આપણા લાંબાગાળાની લાગણી સંતોષાય છે પરંતુ દિ.પ્લોટ ૫૯ અને ૬૦માં તો કામ શરૂ કર્યુ અને શેરી ખોદાઇ ગઇ અને કોન્ટ્રાકટર વોન્ટેડ થઇ ગયા. મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીએ લોકોનો મહત્વનો પ્રશ્ર્ન હાથ પર લઇને તાત્કાલીક અસરથી આ વિસ્તારમાં જે લોકો યાતના ભોગવી રહ્યા છે, ત્યારે તેમનું કામ ઝડપથી શરૂ થાય તે માટે જરૂરી તાત્કાલીક સુચના આપવી જોઇએ તેવું લોકોમાં બોલાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News