એર ઇન્ડિયાની ફ્લાઈટમા સિગારેટ પીતા મુસાફરે મારામારી કરી, દરવાજો તોડ્યો

  • July 13, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોઇલેટમાં સિગારેટ પિતા એલાર્મ વાગ્યું: ક્રૂ મેમ્બર્સે અટકાવ્યો તો આક્રમક બન્યો


ફ્લાઈટમાં મારમારીના કેસો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. તાજા મામલામાં એક મુસાફરે ક્રૂ સાથે માત્ર એટલા માટે મારપીટ કરી કે, તેને સિગારેટ પીતો રોકવામાં આવ્યો. મામલો એર ઈન્ડિયાની ફ્લાઈટનો છે. આ ફ્લાઈટ ટોરન્ટોથી દિલ્હી આવી રહી હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, ફ્લાઈટમાં એક પુરુષ મુસાફરે ક્રૂ મેમ્બર્સ અને અન્ય કેટલાક મુસાફરો સાથે મારપીટ કરી. સાથે જ ટોઈલેટના દરવાજાને તોડી નાખ્યો. દિલ્હીમાં એરપોર્ટ પહોંચવા પર આ મુસાફરને સુરક્ષા એજન્સીઓના હવાલે કરી દેવાયો. તે એક નેપાળી નાગરિક છે.



કેબિન સુપરવાઈઝર આદિત્ય કુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આરોપીએ પ્લેન ટેક ઓફ થયાના થોડા સમય બાદ જ પોતાની મરજીથી સીટ બદલી દીધી હતી. જ્યારે ક્રૂ મેમ્બર્સે તેની સામે વાંધો ઉઠાવ્યો તો તેણે અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું. આદિત્ય મુજબ, ફ્લાઈટમાં લંચ ટાઈમ હતો. એ સમયે તેને ટોઈલેટમાં કંઈક બળતું હોવાની જાણ થઈ. એલાર્મ વાગતા તે ટોઈલેટ તરફ ભાગ્યો તો અંદર એ શખસ બેઠેલો હતો. તેના હાથમાં લાઈટર હતું અને આખા ટોઈલેટમાં ધુમાડો ભરાઈ ગયો હતો.



સુપરવાઈઝરે જણાવ્યું કે, 'જ્યારે મેં ટોઈલેટનો દરવાજો ખોલ્યો, તો તેણે મને ધક્કો મારી દીધો અને પોતાની સીટ 26એફ પર ભાગીને બેસી ગયો. જ્યારે મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે મને ધક્કો માર્યો અને મારી સાથે ગેરવર્તન કર્યું. આ દરમિયાન તેણે ટોઈલેટનો દરવાજો પણ તોડી નાખ્યો.'



આદિત્યએ જણાવ્યું કે, તેણે તરત કેપ્ટનને તેની જાણકારી આપી. પછી કેબિન ક્રૂ અને કેટલાક બીજા મુસાફરોની મદદથી તેને રોકવાનો પ્રયાસ કરાયો. આ દરમિયાન તે શખસે બીજા મુસાફરો પર હુમલાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો.



એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 'ટોરન્ટોથી દિલ્હી માટે 8 જુલાઈ, 2023એ ઉડાન ભરનારી ફ્લાઈટ નંબર એઆઈ188માં આ ઘટના બની. મુસાફરી દરમિયાન એક મુસાફરે વધુ પડતી આક્રમકતા દર્શાવી. તેણે ટોઈલેટનો દરવાજો ક્ષતિગ્રસ્ત કરી દીધો અને ક્રૂ મેમ્બર્સ તેમજ મુસાફરો સાથે મારામારી કરી.' પ્રવક્તા મુજબ, મુસાફરને ક્રૂએ ઘણી વખત ચેતવણી આપી અને આખરે તેને તેની સીટ પર બેસાડી દેવાયો.


પ્રવક્તાએ કહ્યું કે, દિલ્હી પહોંચવા પર આ મુસાફરને આગળની કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપી દેવાયો. મામલા અંગે ડીજીસીએને જાણ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટમાં મુસાફરોના દુર્વ્યવહારની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. એર ઈન્ડિયાની 24 જૂને મુંબઈથી દિલ્હી જતી એક ફ્લાઈટમાં એક પુરુષ મુસાફરે અશોભનીય વર્તન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application