જામનગરમાં ૩ વર્ષથી તૈયાર પાર્કીંગ પોલીસીનું મનપા દ્વારા અમલીકરણ નહીં..!
ઘૂંટાતું રહસ્ય: જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટી, જનરલ બોર્ડમાં મંજૂરી અને સરકારી ગેઝેટમાં પ્રસિઘ્ધ થયા બાદ પણ અમલ ન થતાં અનેક સવાલ
શહેરમાં આડેધડ પાર્ક થતાં વાહનો અને પાર્કીંગની સમસ્યા નિવારવા પોલીસી બનાવામાં આવી છે: ટ્રાફીક સમસ્યા વકરતા શહેરનો રૂંધાતો વિકાસ
જામનગર શહેરમાં આડેધડ પાર્ક થતાં વાહનો અને પાર્કીંગની સમસ્યા નિવારવા મનપા દ્વારા પાર્કીંગ પોલીસી બનાવામાં આવી છે. નિયમ મુજબ લોકોના વાંધા સૂચનો આવ્યા બાદ આ પાર્કીંગ પોલીસી મનપાની સ્ટેન્ડીંગ કમીટી, જનરલ બોર્ડમાં મંજૂર થયા બાદ સરકારી ગેઝેટમાં પણ પ્રસિઘ્ધ થઇ ચૂકી છે. આમ છતાં અંદાજે ૩ વર્ષથી વધુ સમયથી તૈયાર પાર્કીંગ પોલીસીનું મહાનગરપાલીકા દ્વારા અમલીકરણ કરવામાં ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે. શહેરમાં ટ્રાફીક સમસ્યા દીન-પ્રતિદિન વકરતા વિકાસ રૂંધાઇ રહ્યો છે.
જામનગર શહેરમાં ટ્રાફીક સમસ્યા નાસૂર બની છે.આથી શહેરનો વિકાસ દેખાતો નથી એટલે કે રૂંધાઇ રહ્યો છે. ટ્રાફીક સમસ્યા વધવા પાછળનું એક મુખ્ય કારણ શહેરમાં મુખ્ય માર્ગો પર આડેધડ કરવામાં આવતા વાહનોના પાર્કીંગ પણ છે. શહેરમાં વાહન પાર્કીંગના પ્રશ્ર્નો નિવારવાની સાથે મુખ્ય અને આંતરિક રસ્તાઓમાં અણધડ પાર્કીંગ પર નિયંત્રણ આવે તે માટે મહાનગરપાલીકા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં પાર્કીંગ પોલીસી બનાવામાં આવી હતી. આ પોલીસી અનુસાર શહેરના તમામ ૯ મીટરથી મોટા માર્ગ પર વાહન પાર્કીંગનો ચાર્જ શહેરીજનોને ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. તદઉપરાંત શહેરના મુખ્ય ૧૨ માર્ગો કે જે પ્રાઇમ રોડ ગણાય છે તે માર્ગ પર અન્ય રોડ કરતા વાહન પાર્કીંગનો વધુ ચાર્જ શહેરીજનોને ચૂકવવો પડશે. આ પાર્કીંગ પોલીસી નિયમ મુજબ મનપાની સ્ટેન્ડીંગ કમીટીમાં મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ નાગરિકોના વાંધા સૂચનો મંગવામાં આવ્યા હતાં. જેની સુનાવણી અને નિકાલ બાદ આ પોલીસી મનપામાં જનરલ બોર્ડમાં મંજૂર કરી સરકારી ગેઝેટમાં પ્રસિઘ્ધ કરવા માટે સરકારમાં મોકલવામાં આવી હતી. આટલું જ નહીં સરકારી ગેઝેટમાં પણ આ પાર્કીંગ પોલીસી પ્રસિઘ્ધ કરવામાં આવી છે. આ તમામ પ્રક્રીયા પૂર્ણ થયાને લગભગ ૩ વર્ષ કરતા વધુ સમયગાળો થઇ ગયો છે.આમ છતાં શહેરમાં આ પાર્કીંગ પોલીસીનો અમલ મનપા દ્વારા કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠ્યા છે.
અત્રે નોંધનીય છે કે, રાજયમાં સૌપ્રથમ સુરત મહાનગરપાલીકાએ પાર્કીંગ પોલીસી બનાવી હતી. આ માટે દીલ્હીની કંપનીની ક્નસલટન્સી તરીકે નિમણૂંક કરી પોલીસી બનાવવા માટે રૂ.૫૭ લાખ ચૂકવ્યા હતાં. આથી જામનગર મહાનગરપાલીકાએ પણ આ કંપનીનો સંપર્ક કરતા ક્ધસલટન્સી ફી તરીકે રૂ.૪૭ લાખ થશે તેમ જે તે સમયે જણાવ્યું હતું. પરંતુ જામ્યુકોની ટીપીઓ શાખાએ સ્વયં પાર્કીંગ પોલીસી બનાવી મહાનગરપાલીકાના રૂ.૪૭ લાખ બચાવ્યા હતાં. વધુમાં જયારે મનપાની ટીપીઓ શાખાએ વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં પાર્કીંગ પોલીસી બનાવી ત્યારે તેના અમલીકરણમાં ૬ મહીના જેટલા સમય થશે તેમ સંબધિત અધિકારીઓએ જણાવ્યું હતું. પરંતુ પાર્કીંગ પોલીસી બનાવ્યા બાદ નિયમ મુજબ મંજૂરીની તમામ પ્રક્રીયા અને સરકારી ગેઝેટમાં પ્રસિઘ્ધ થયા બાદ પણ હજુ સુધી અમલીકરણ ન થતાં અનેક સવાલની સાથે રહસ્ય ઘેરૂ બન્યું છે.
શહેરના મુખ્ય માર્ગો પર પાર્કીંગ માટે કલાકો અને વાહન પ્રમાણે ચાર્જની જોગવાઇ:
જામ્યુકોએ બનાવેલી પાર્કીંગ પોલીસીની જોગવાઇ મુજબ શહેરના તમામ ૯ મીટરથી મોટા માર્ગો પર વાહન પાર્કીંગનો ચાર્જ લેવાશે. પરંતુ માર્ગ પર વાહન પાર્કીંગ માટે કલાક પ્રમાણે ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહનનો ચાર્જ વસૂલવામાં આવશે. પોલીસીની જોગવાઇ અનુસાર નિયમોનો ભંગ કરનારના વાહન ટોઇંગ કરવામાં આવશે. જેનો ચાર્જ એટલે કે દંડ મહાનગરપાલીકા દ્વારા વસૂલ કરવામાં આવશે.
૬ અથવા ૧૨ મહીનાનો પાસ નીકળશે જે વાહનો પર ચોટાડવો પડશે, વાહન માલીકોએ ચાર્જ ચૂકવવાનો રહેશે:
જામનગર મહાનગરપાલીકા દ્વારા બનાવામાં આવેલી પાર્કીંગ પોલીસી અનુસાર માર્ગો પર વાહન પાર્ક કરવા માટે વાહનમાલીકોએ નિયત કરેલો ચાર્જ ચૂકવી પાસ કઢાવવાનો રહેશે. આ પાસ ૬ મહીના, એક વર્ષની મુદત માટે કાઢી આપવામાં આવશે. ઉદાહરણ તરીકે જો બેડીબંદર રોડ પર વાહન પાર્ક કરો તો વાહન પર કઢાયેલો પાસ ચોટાડવાનો રહેશે.
શેરીંગ પાર્કીંગ, પ્લોટ અને ગ્રાઉન્ડમાં પણ વાહનો પાર્ક કરી શકાશે, દરેક સ્થળ પર વ્યકિત રહેશે:
જામનગર મહાનગરપાલીકાની પાર્કીંગ પોલીસીમાં શેરીંગ પાર્કીંગની જોગવાઇ પણ કરવામાં આવી છે. જે અનુસાર કોઇ સંસ્થા કે શાળાનું ગ્રાઉન્ડ, પ્લોટ કે જે દીવસ દરમ્યાન અમુક કલાકો ખાલી રહેતા હોય તેનો ઉપયોગ કરી તેમાં અમુક કલાકો માટે વાહનો પાર્ક કરી શકાશે. તદઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર ટુ,થ્રી અને ફોર વ્હીલર વાહન પાર્ક કરવા માટે પટ્ટા મારવામાં આવશે. આ માટે દરેક સ્થળ પર વ્યકિત રાખવામાં આવશે. મનપાના સ્ટાફ ઓછો અને શહેરનો વિસ્તાર મોટો હોવાથી એજન્સીની નિમણૂંક કરી આ કામગીરી કરવાની જોગવાઇ પણ કરવામાં આવી છે.