ખંભાળિયાનો એકમાત્ર સીએનજી પંપ બંધ
પ્રવાસીઓ સહિત સ્થાનિક રીક્ષાચાલકો પરેશાન: મામલતદારને રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા અને સલાયા વિસ્તારમાં સીએનજી ઓટો રીક્ષાચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખંભાળિયાનો એકમાત્ર સીએનજી પમ્પ બંધ થતાં સેંકડો રીક્ષાચાલકો પરેશાન બન્યા છે. આ મામલે રીક્ષાચાલકોએ તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરી છે.
જામ ખંભાળિયા શહેરમાં સીએનજીનો એકમાત્ર પમ્પ બંધ થવાથી રીક્ષાચાલકોને સીએનજી ભરાવવા માટે હાઇવે પર ૧૦ થી ૧૨ કિલોમીટર દૂર જવું પડે છે. આના કારણે સમય અને ઇંધણનો વધારાનો ખર્ચ થાય છે, જે તેમની દૈનિક આવકને સીધી અસર કરે છે.
રીક્ષાચાલકોના જણાવ્યા અનુસાર, સીએનજી ન મળવાને કારણે મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડે છે. લાંબી કતારો, વધતો ખર્ચ અને રોજગાર પરની નકારાત્મક અસરને કારણે રીક્ષાચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
આ ગંભીર સમસ્યા અંગે ઓટો રીક્ષાચાલકોએ સંબંધિત તંત્રને રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે જામ ખંભાળિયાનો સીએનજી પંપ વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી રીક્ષાચાલકોને રાહત મળી શકે.