કાલાવડ ખાતે આવેલ વિશ્વ પ્રખ્યાત જુના રણુંજા મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર અવસરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અષાઢી બીજના આ ખાસ ઉત્સવ નિમિત્તે મંદિરમાં વહેલી સવારે અને સાંજના સમયે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાવપૂર્વક જોડાયા હતા. આ ઉપરાંત, ભગવાન રામદેવજી મહારાજને છપ્પન ભોગનો ભવ્ય અન્નકૂટ મનોરથ પણ ધરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મંદિર પ્રશાસન દ્વારા બપોરે તેમજ રાત્રિના સમયે વિશાળ મહાપ્રસાદ (ભંડારા)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર મહાપ્રસાદનો લાભ લીધો હતો.