ન્યારી ડેમ નજીક મહિલાના મકાનમાં કબજો: લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો

  • June 30, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા શખસે બાજુમાં આવેલા મકાનના તાળા તોડી પોતાના તાળા લગાવી કબજો જમાવી દીધો: મહિલાના ભાઇની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો



શહેરના કાલાવડ રોડ પર ન્યારી ડેમ નજીક આવેલા સિધ્ધિ એપાર્ટમેન્ટ પાસે આવેલા મહિલાના બંધ હાલતમાં રહેલા મકાન પર અહીં નજીકમાં જ રહેતા શખસે કબજો જમાવી લીધો હતો.આ અંગે મહિલાના ભાઇએ કલેકટર સમક્ષ અરજી કર્યા બાદ તાલુકા પોલીસે આરોપી સામે લેન્ડગ્રેબિંગ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.




બનાવની જાણવા મળતી વિગતો મુજબ,સોનલબેન હિતેનભાઈ ઠક્કર (રહે લીંબુડી વાડી, રાજકોટ )ના કુલ મુખ્યતયાર દરજ્જે તેમના ભાઈપ્રશાંતભાઈ હરિલાલભાઈ ચંદારાણા (ઉ.વ 47 રહે. શાશ્વત એપાર્ટમેન્ટ બી 302 પારસ સોસાયટી, નિર્મલા રોડ, રાજકોટ) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ન્યારી ડેમ પાસે સિદ્ધિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 102 માં રહેતા હિતેશ વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું છે.




ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પ્રશાંત ભાઈના બહેન સોનલબેન ઠક્કરે વિરડા વાજડી સર્વે નંબર 29 પૈકી સિધ્ધિ પાર્ક (આર કે ગ્રીન સીટી) હાલ ગીરીકેન્દ્ર રેસીડેન્સી તરીકે ઓળખાય છે તેમાં ગત તા.17/9/2007 પ્લોટ ખરીદ્યો હતો અને તેમાં હાલ ત્રણ માળનું મકાન છે. ગ્રાઉન્ડ ફ્લોર પર હોલ આવેલો છે. જે મિલકત બંધ હાલતમાં હતી ફરિયાદી પોતાના ધંધાના કામ સબબ આ મિલકતે જઈ શકતા નહોતા.




દરમિયાન ગત તા. 1/6/2020 ના બપોરના તે તથા તેમના બહેન પોતાના આ મકાને જતા મકાનમાં અન્ય કોઈ વ્યક્તિએ તાળું મારી દીધું હોવાનું માલુમ પડ્યું હતું જેથી તપાસ કરતા તેમના મકાનની બાજુમાં આવેલ સિધ્ધિએપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ વલ્લભભાઈ પટેલે તાળું માર્યું હોવાનું અને હોલની અંદર પોતાનો સામાન રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદીએ હોલમાંથી તેમને સામાન દૂર કરી હોલ પરત સોંપવા માટે જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી આરોપી હિતેશ પટેલે આ હોલ ખાલી ન કરી આપી અને તેના પર ગેરકાયદે કબજો જમાવી લીધો હતો.



ફરિયાદીએ પ્રથમ આ બાબતે કલેક્ટર કચેરીમાં ઓનલાઇન અરજી કરી હતી ત્યારબાદ કલેકટરના વડપણ હેઠળની લેન્ડગ્રેબિંગ એક્ટની કમિટી દ્વારા આ મામલે એફઆઇઆર કરવાનો આદેશ કરવામાં આવતા તાલુકા પોલીસે ફરિયાદીની ફરિયાદ પરથી આરોપી સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application