શિવરાજપુર પાસે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂનો જથ્થો પકડ્યો

  • November 01, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના શિવરાજપુર પાસેથી એલસીબીની ટીમે રાત્રીના કારનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કારને ઝડપી લીધી હતી. પોલીસે દારૂ બિયરના આ જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો જ્યારે એક શખસ નાસી ગયો હતો. પોલીસે કાર સહિત રૂ.૪.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નાસી જનાર શખસ તથા દારૂ સપ્લાય કરનાર શખસને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.સી. ગોહિલની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ મથુરભાઈ વસાણી, ભોજાભાઇ ત્રામટા સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એવી બાતમી મળી હતી કે, દારૂ બિયરના જથ્થા સાથે ભડલીથી જસદણ તરફ એક કાર આવનાર છે.આ બાતમીના આધારે પોલીસ સ્ટાફને શિવરાજપુર ગામ પાસે લાલકા ચોકડી નજીક વોચ ગોઠવી હતી.


દરમિયાન મહિન્દ્રા કંપનીની ઝાયલો કાર નંબર જીજે ૩ ડીએન૦૮-૧૯ અહીંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે આ કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર રોકવાના બદલે પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી જેથી પોલીસે તેનો પીછો કરી શિવરાજપુર ગામે ગોખલાણા રોડ પર ઓવરટેક કરી કોર્ડન કરી આ કાર અટકાવી હતી બાદમાં કારમાં સવાર શખસની પૂછતાછ કરતા તેનું નામ નરેશ ઉર્ફે નાગરાજ રવુભાઈ ધાંધલ(ઉ.વ ૨૫ રહે. ઉટવડ તા.બાબરા) હોવાનું માલુ પડ્યું હતું. બાદમાં પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી ૪૪૪ બોટલ દારૂ અને ૪૮ બીયરના ટીન સહિત કુલ રૂપિયા થાય ૧,૮૧,૨૦૦ નો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
​​​​​​​
પોલીસે પકડાયેલા આ શખસની પૂછતાછ કરતા કારમાંથી નાસી જનાર શખસનું નામ જીગ્નેશપરી બળવંતપરી ગોસ્વામી (રહે. મોટાદડવા તા. ગોંડલ) હોવાનું જણાવ્યું હતું તેમજ તેઓ દારૂનો આ જથ્થો ગઢડાના રતનપરમાં રહેતા કુલદીપ હાથીભાઈ ગોવાળિયા પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે દારૂનો આ જથ્થો કાર રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૪.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કારમાંથી નાસી જનાર જીગ્નેશપરી અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર કુલદીપ સહિત ત્રણે સામે ગુનો નોંધી અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application