જામનગરમાં રાષ્ટ્રીય લોક અદાલત: ૯,૭૦૦ કેસ રજૂ કરાયા
જિલ્લા કોર્ટ સહિત છ તાલુકા કોર્ટોમાં એકસાથે સુનાવણી: ૧૯ સરકારી-અર્ધસરકારી સંસ્થાઓ અને બેંકો સહિત ખાનગી ફાઈનાન્સ કંપનીઓ જોડાઈ
જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય જામનગર દ્વારા આજે નેશનલ લોક અદાલત યોજાઇ હતી જેમાં ૯૭૦૦ જેટલા કેસો રજુ કરાયા હતા. નેશનલ લોક અદાલતમાં ૧૯, સરકારી અને અર્ધસરકાર સંસ્થાઓ તેમજ બેંકો સહિત ખાનગી ફાયનાન્સ કંપનીઓના પ્રતિનિધિત્વ જોડાયા હતા. જામનગર સહિત જિલ્લામાં છ તાલુકાની કોર્ટમાં એકસાથે સુનવણી કરવામાં આવી હતી.
આજે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન કેસ, નેગો. ઇન્સ્ટ્રુ.એકટની કલમ ૧૩૮ મુજબ ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમએસીપીના દાવા, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બીલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનનાં કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ,રેવન્યુ કેસ, સહિત અને સીવીલ કેસ વગેરેના કેસો માટેની આજે લોક અદાલતમાં સુનવણી કરવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં આજે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૯,૭૦૦ જેટલા કેસો રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કોર્ટ ઉપરાંત જિલ્લાના છ તાલુકા કોર્ટોમાં પણ એકસાથે લોક અદાલતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ લોક અદાલતમાં ૧૯ જેટલી સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ સક્રિય રીતે જોડાઈ છે. જેમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો, પીજીવીસીએલ, વીમા કંપનીઓ તેમજ ખાનગી ફાઈનાન્સ કંપનીઓ સહિતની સંસ્થાઓએ ભાગ લીધો છે.
લોક અદાલતનો મુખ્ય હેતુ સમાધાન દ્વારા લાંબા સમયથી પડતર રહેલા કેસોનો ઝડપી અને સરળ નિકાલ લાવવાનો છે. પક્ષકારોને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ન્યાય મળે તે માટે જિલ્લા કોર્ટ તેમજ તમામ તાલુકા કોર્ટોમાં વિશેષ બેચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.