પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં પાકિસ્તાની સેના અને સરકાર વિરૂદ્ધ જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારે PoKના રાવલકોટ વિસ્તારમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિક નાગરિકો પર પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હિંસક ઘટનામાં બે પ્રદર્શનકારીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૫૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સેનાના આ અત્યાચાર બાદ સમગ્ર PoKમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે.
અનાજ કાફલાનો રસ્તો ખોલાવવા સેનાએ ચલાવી ગોળીઓ
મળતા અહેવાલો મુજબ, રાવલકોટમાં પ્રદર્શનકારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રસ્તા પર ધરણા પર બેઠા છે. આ દરમિયાન પાકિસ્તાની સેના ત્યાંથી ફૂડ સપ્લાય (અનાજ પુરવઠા) ના કાફલાનો રસ્તો જબરદસ્તીથી ખુલ્લો કરાવવા પહોંચી હતી. પ્રદર્શનકારીઓએ રસ્તો ખાલી કરવાનો ઇનકાર કરતાં જ સૈનિકોએ કોઈ પણ ચેતવણી આપ્યા વિના સીધું જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
૧૦ જૂનથી ચાલી રહ્યું છે આંદોલન, શું છે પ્રદર્શનકારીઓની માંગ?
PoK માં જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) ના નેતૃત્વમાં લોકો ગત ૧૦ જૂનથી પાકિસ્તાન સરકાર સામે મોરચો માંડીને બેઠા છે. સમિતિએ સરકાર સમક્ષ ૩૮ જેટલી માંગણીઓ મૂકી છે, જેમાં મુખ્ય માંગો આ મુજબ છે:
૧૨ વિધાનસભા બેઠકો રદ કરવાની માંગ:
પાકિસ્તાનમાં વસેલા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલી ૧૨ વિધાનસભા બેઠકોને નાબૂદ કરવામાં આવે, કારણ કે JAAC નું માનવું છે કે આ બેઠકો દ્વારા ઇસ્લામાબાદ (પાક સરકાર) PoK ના રાજકારણ પર પોતાની પકડ મજબૂત રાખે છે.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર પુનઃવિચારણા:
સ્થાનિક જળ સંસાધનો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અંગે સરકાર સાથે નવા સિદ્ધાંતો પર વાતચીત થાય.
મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ:
પ્રદેશમાં કમરતોડ મોંઘવારી ઘટાડવામાં આવે અને સામાન્ય જનતા સુધી લોટ, વીજળી જેવી જીવનજરૂરી સામગ્રી યોગ્ય ભાવે પહોંચાડવામાં આવે.
પાકિસ્તાની સેનાના આ પગલા બાદ સમગ્ર વિસ્તારમાં લશ્કર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. JAAC એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે અને દોષિત સૈનિકો સામે પગલાં નહીં લેવાય, તો આ આંદોલન આખા પાકિસ્તાન માટે મુશ્કેલી ઊભી કરશે.