BREAKING NEWS

જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને કોંગી કાર્યકરે જુતું માર્યુ

  • December 06, 2025 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને કોંગી કાર્યકરે જુતું માર્યુ

ગોપાલ ઇટાલીયા પર થયેલા હુમલો પૂર્વ યોજીત હતો તેની ગવાહી આ તસવીરમાં છે જેમાં પ્રથમ તસવીરમાં દેખાયેલ સર્કલમાં હુમલાખોર અત્યંત સ્ટેજની નજીક બેઠેલો જોવા મળે છે, આ પછી ઉભા થઇને તેને જુતુ ફેંકયું હતું અને અફડાતફડી મચી ગયા બાદ લોકોએ કોંગી કાર્યકર છત્રપાલસિંહ જાડેજાની બરાબરની સર્વિસ કરી નાખી હતી, ટોળે વળીને હુમલોખોરને બચાવતી પોલીસ પણ તસવીરમાં નજરે પડે છે. 

કોંગ્રેસનો છત્રપાલસિંહ જાડેજા ભેદી રીતે સ્ટેજની પાસે પહોંચી ગયો અને જેવા ઇટાલીયા બોલવા આવ્યા કે જુતુ માર્યુ: લોકોએ સર્વિસ કરી નાખી: મેમાણા ગામનો વતની હોવાનુ ખુલ્યું: પોલીસે તાબડતોબ ઘેરી લઇને હુમલાખોરને બચાવી લીધો અને વેનમાં બેસાડીને સુરક્ષીત રીતે રવાના કરી દીધો: આપની સભામાં થયો હોબાળો




આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે સાંજે ગુજરાત જોડો યાત્રાના અનુસંધાને ટાઉનહોલ ખાતે યોજાયેલી જાહેરસભામાં વિસાવદરના ધારાસભ્ય અને આપના સીનીયર નેતા ગોપાલ ઇટાલીયા પર એક શખ્સે જુતુ ફેકતા વાતાવરણમાં ભારે તંગદીલી જોવા મળી હતી અને ખુરશીઓ પણ ઉછળી હતી, લોકોએ આ શખ્સને ઢોર માર માર્યો હતો, ત્યારબાદ પોલીસ તેને બચાવીને જી.જી. હોસ્પીટલમાં  સારવાર માટે લઇ ગઇ હતી, કોંગ્રેસના કાર્યકર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. 

ગઇકાલે વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટરો અસલમ ખીલજી, ઝૈનબબેન ખફી, ફેમીદાબેન જુણેજા અને માજી નગરસેવક હાજી રીઝવાન સહિતના સેંકડો અગ્રણીઓ તથા હજારો કાર્યકરો વિધીસર આપમાં જોડાતા જાહેર સભા રાખવામાં આવી હતી જેમાં ધારાસભ્ય હેમત ખવા, જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ, શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના અગ્રણીઓ હાજર રહયા હતાં. છેલ્લી ઘડીએ ઇશુદાન ગઢવીનો કાર્યક્રમ કેન્સલ થયો હતો અને તેઓ આવી શકયા ન હતાં. 

સભામાં હકડેઠઠ મેદની જોવા મળી હતી, ખુરશીઓ તમામ ભરાઇ ગઇ હતી અને સંખ્યાબંધ લોકો ટાઉનહોલની બહાર સુધી ઉભેલા જોવા મળ્યા હતાં, સૌ પ્રથમ અસલમ ખીલજીએ પ્રવચન આપ્યા બાદ ઝૈનબબેન ખફી, આપના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ, પ્રકાશભાઇ દોંગા, ધારાસભ્ય હેમતભાઇ ખવા દ્વારા પ્રાસંગીક પ્રવચનો અપાયા બાદ વિસાવદરના ફાયર બ્રાન્ડ મનાતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પ્રાંસગીક પ્રવચન આપવા માટે ઉભા થયા હતાં. 

બીજી તરફ હુમલાખોર કહેવાય છે કે, પહેલા ઉપસ્થિત લોકોની વચ્ચે બેઠો હતો, ત્યાંથી ખસીને બીજા સ્થળે ગયો હતો, 

પોલીસ જ લઇ આવી હુમલાખોરને-ઇટાલીયા

ટાઉનહોલની સભામાં કોંગીના છત્રપાલસિંહ દ્વારા જુતાથી હુમલો કરવામાં આવ્યા બાદ સ્વસ્થ દેખાતા ગોપાલ ઇટાલીયા પુન: પ્રવચન આપવાનું શરૂ કર્યુ હતું અને એવો સનસનાટીજનક આક્ષેપ લગાવ્યો હતો કે, મારા પર હુમલો કરવા માટે પોલીસ જ હુમલાખોરને સ્ટેજ સુધી લઇ આવી હતી. 

આટલું જ નહીં જે રીતે પોલીસે હુમલાખોરની રક્ષા કરી અને ચાર-પાંચ પોલીસવાળાઓએ તેને મંત્રીની જેમ એસ્કોટ આપીને જે રીતે બચાવ્યો એ બાબતે નિશાન ટાંકતા ઇટાલીયાએ એમ પણ કહ્યું હતું કે, બધાએ જોયું કે કેવી રીતે રોષીત કાર્યકરોના સકંજામાંથી હુમલાખોરને સુરક્ષીત રીતે બચાવીને પોલીસ કાઢી ગઇ. એમણે કહ્યું હતું કે, પોલીસ અમારી રક્ષા કરવા નહોતી આવી, હુમલાખોરને બચાવવા આવી હતી, આમ વિસાવદરના ધારાસભ્યએ પોલીસ પર સીધો આક્ષેપ લગાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપે સાથે મળીને આજે આ હુમલો કરવાનું કાવતરૂ રચ્યું છે. ​​​​​​​
​​​​​​​




જયારે ગોપાલ ઇટાલીયા પર કોંગીના છત્રપાલસિંહ જાડેજાએ ટાઉનહોલની સભામાં જુતુ ફેંકયું હતું એ સમયે વિડીયો ફુટેજ જોતા એવું સ્પષ્ટ દેખાય છે કે, સૌ પ્રથમ સભા સ્થળે નગરસેવિકા ઝૈનબબેન ખફી ઉભા થયા હતાં અને માત્ર એટલું જ નહીં સ્ટેજ પરથી સિંહણની જેમ સીધા જ કોંગીના છત્રપાલસિંહ પર કુદી પડયા હતાં અને બીજા સહયોગીઓ સાથે મળીને હુમલાખોરને મેથીપાક આપવાનું શરૂ કર્યુ હતું. નગરસેવિકાની આ હિંમત લોકોને પસંદ આવી હતી. ​​​​​​​​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application