જામનગરમાં અંબર ચોકડી પાસે આધેડની હત્યા
ચોરીની શંકાના આધારે ઉપાડી જઇ ઢોરમાર મારી ઢીમ ઢાળી દીધુ : બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સો સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો: કેટલાક શકમંદો ને ઉઠાવીને પૂછપરછ : સીસી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ
જામનગર શહેરના અંબર ચોકડી પાસે આવેલા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે, જેમાં ચોરીની શંકાને આધારે ચાર અજાણ્યા ઈસમોએ એક આધેડનું અપહરણ કરી માર મારતાં તેનું મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે હત્યા અને અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને સીસી ફુટેજ ચેક કરવા અને આરોપીઓની ઓળખ મેળવવા સહિતની તપાસ કાર્યવાહી વેગવંતી બનાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર થયા મુજબ તા. ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજના સમયે બે મોટરસાયકલમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો અંબર ચોકડી નજીક બાવરી વાસ વિસ્તારમાં રહેતા અને આ કેસના ફરીયાદી ઉદલ કનૈયાભાઈ પરમારના ઝૂંપડા સામે ફૂટપાથ પર બેઠેલા ફરિયાદીના સસરા રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટી ઉમર આશરે ૫૨ વર્ષ અને સંજય પાસે પહોંચ્યા હતા. શરૂઆતમાં વાતચીત બાદ આરોપીઓએ અચાનક બંનેને ઢીકાપાટુ તેમજ પ્લાસ્ટિકની નળી વડે માર મારવાનું શરૂ કર્યું હતું.
ત્યારબાદ આરોપીઓએ બંનેને બળજબરીપૂર્વક મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી લીમડાલાઇન વિસ્તારમાં આવેલા એક ડેલામાં લઈ ગયા હતા. ત્યાં લઈ જઈ બંનેને ગોંધી રાખી ફરીથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.
આ દરમિયાન રાજુભાઈ કોષ્ટિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લીમડા લેન વિસ્તારમાં આવેલી ફ્રીજ, એ સી. રીપેરીંગ ની દુકાનમાંથી એ.સી.ની પાઈપ (નળી) ચોરીની શંકાના આધારે માર મારી ભાગી ગયા હતા.
દરમિયાનમાં પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને ૧૦૮ની મદદ લીધી હતી, અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો જેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, અને તેમાં પ્રાથમિક રિપોર્ટમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હોવાથી પોલીસ દ્વારા આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી અને કેટલાક શકમંદોને ઉઠાવી લેવાયા છે, જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી છે.
લીમડાલેન વિસ્તારમાં આવેલી ફ્રીજ એસી રીપેરીંગની દુકાનમાંથી કોપરના પાઇપની ચોરી થઈ હતી જેમાં મૃતક સામેલ હોવાની શંકા સેવી ઢોર માર મારવામાં આવ્યો હતો બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસ દ્વારા હાલ બનાવ સ્થળ અને આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવા અને આરોપીઓની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.