BREAKING NEWS

જામનગર​​​​​​​: ધ્રોલ નજીક ધોરીમાર્ગ પર ગેસ ટેન્કરની કેબીનમાં ભીષણ આગથી અફરાતફરી     

  • May 30, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: ધ્રોલ નજીક ધોરીમાર્ગ પર ગેસ ટેન્કરની કેબીનમાં ભીષણ આગથી અફરાતફરી     

માર્ગની બંને બાજુ પાંચ-પાંચ કીલોમીટર સુધી ટ્રાફીક જામ, વાહનચાલકો  અટવાયા

ફાયરબ્રિગેડની ટીમે સમયસર આગ કાબૂમાં લેતાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક આવેલા લૈયારા ગામ પાસે શુક્રવારે રાત્રિના સમયે એલપીએજી ગેસ ભરેલા ટેન્કરની કેબીનમાં અચાનક આગ લાગી જતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સમયસર ફાયર ટીમ અને પોલીસ દોડી આવતાં મોટી દુર્ઘટના ટળી હતી.

બનાવની મળતી વિગતો અનુસાર શુક્રવારે રાત્રેે સાડા આઠ વાગ્યાની આસપાસ જામનગરથી રાજકોટ તરફ જઈ રહેલું એન.એલ.૦૧ એ.એફ. ૩૧૯૫ નંબરનું એલપીએજી ગેસ ટેન્કર ધ્રોળ નજીક લૈયારા પાસે પહોંચ્યું ત્યારે તેની કેબીનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા ટેન્કર ચાલકે સતર્કતા દાખવી ટેન્કર ઊભું રાખીને તરત નીચે ઉતરી ગયો હતો. જો કે થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટેન્કરની કેબીન ભડકે બળવા લાગી હતી.

ઘટનાને પગલે માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ગેસ ભરેલું ટેન્કર હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વચ્ચે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળા નો નજારો જોવા મળતાં અનેક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યા હતા, જે બાદમાં જામનગર પંથકમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ બનાવની જાણ થતાં જ ધ્રોળ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા, રવિરાજસિંહ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સૌપ્રથમ સુરક્ષાના ભાગરૂપે ગેસ ટેન્કરની આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને વાહન વ્યવહાર રોકી દીધો હતો.

ત્યારબાદ ધ્રોળ નગરપાલિકાની ફાયર શાખાની ટીમ અને અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ માત્ર ટેન્કરની કેબીન સુધી મર્યાદિત રહેતા ટેન્કરમાં ભરેલા ગેસ સુધી જ્વાળા પહોંચી નહોતી, અને તેથી મોટી જાનહાનિ તથા વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટના ટળી હતી. આ બનાવને કારણે જામનગર-રાજકોટ હાઈવે ઉપર ધ્રોળ નજીક બંને તરફ અંદાજે પાંચ-પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. લાંબા સમય સુધી વાહનોની કતારો લાગી જતા વાહનચાલકો ભારે પરેશાન બન્યા હતા.પોલીસ તથા ફાયર વિભાગની દોઢેક કલાકની જહેમત બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. બાદમાં ગેસ કંપનીની હાઇડ્રોલિક મશીનરી સાથેની ટીમ તેમજ ક્રેઇન ઘટના સ્થળે પહોંચી હતી, અને બળેલા ટેન્કરને રસ્તાની સાઇડમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બંને તરફનો વાહન વ્યવહાર પુન:  શરૂ કરાવવામાં આવ્યો હતો.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application