રાજકોટ શહેરમાં આમ તો લગ્ન ગાળો બારે મહિના ચાલુ જ રહે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી લગ્નબાદ લગ્ન નોંધણી સર્ટી માટેનો ક્રેઝ વધવા લાગતા યુગલો લગ્ન બાદ તુરંત રજીસ્ટ્ર્રાર માથે મનપાના આરોગ્ય વિભાગ ખાતે આવતા હોય છે. ગત વર્ષ ૨૦૨૫ના ૩૬૫ દિવસ લગ્ન નોંધણી વિભાગમાં સતત ટ્રાફિક જોવા મળ્યો હતો અને વર્ષાંતે આંકડાઓ જાહેર થયા છે તે મુજબ રાજકોટમાં ૭૪૪૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાઈને રજીસ્ટ્રેશન કરાવી સર્ટી મેળવ્યું હતું.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વર્ષ ૨૦૨૫ દરમિયાન દરેક એક માસમાં ૨૦ યુગલોએ સરેરાસ લગ્ન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એક વર્ષના કુલ આંકડા મુજબ ૭૪૪૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે.
લગ્ન નોંધણીના નિયમ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં લગ્ન ગ્રંથીથી જોડાયા હોય તેવા યુગલોનું લગ્ન સર્ટી મહાનગરપાલિકા કચેરીમાંથી નિકળી શકે છે. છતાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ રાજકોટમાં લગ્ન યોજવામાં આવી રહ્યા છે. પાર્ટિ પ્લોટ તેમજ મહાનગરપાલિકા અને પ્રાઈવેટ કોમ્યુનિટી હોલમાં લગ્નો લેવાતા હોય છે. જેમાં મુખ્યત્વે મહા અને વૈશાખ માસ દરમિયાન સૌથી વધુ લગ્નો જોવા મળે છે. ત્યાર પછીના મહિનામાં યુગલો મેરેજ સર્ટીફિકેટ માટે મનપાના આરોગ્ય વિભાગ ખાતે લાઈનો લગાવે છે. એક વર્ષના આંકડા મુજબ દરરોજ શહેરમાં ૨૦ લગ્નો યોજાઈ રહ્યા છે. હાલ કમુર્તા હોવાથી એક માસ લગ્નની સિઝન બંધ રહેવા પામી છે. છતાં પણ અનેક પાર્ટી પ્લોટમાં આજે પણ લગ્ન લેવાતા હોવાથી લગ્ન નોંધણી માટે ફરી યુગલોનો ધસારો જોવા મળી રહ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલમાં ધામધુમથી યોજાતા લગ્નો ઉપરાંત કોર્ટ મેરેજનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જેની સામે હવે સરકારી નોકરીઓ તેમજ અન્ય સરકારી કામોમાં તથા વિદેશ જવા માટે મેરેજ સર્ટીફિકેટની જરૂરિયાત ફરજિયાત થતાં અને મેરેજ સર્ટીફિકેટ હોવું જરૂરી છે તેવી જનજાગૃતિ આવ્યા બાદ મોટાભાગના યુગલો લગ્ન બાદ તુરંત મેરેજ સર્ટીફિકેટ કઢાવી લેવાનો આગ્રહ રાખતા થયા છે. જેના લીધે મેરેજ સર્ટી કઢાવનાર દંપતિઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ક્યારે કેટલી લગ્ન નોંધણી
જાન્યુઆરી 683
ફેબ્રુઆરી 583
માર્ચ 808
એપ્રિલ 740
મે 778
જૂન 714
જૂલાઈ 741
ઓગસ્ટ 417
સપ્ટેમ્બર 402
ઓક્ટોબર 291
નવેમ્બર 519
ડિસેમ્બર 761
કુલ લગ્ન નોંધણી 7440