જામનગર શહેરને આજે નવા મેયર સહિતના પદાધિકારીઓ મળશે
જામનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં ચૂંટાયેલા નગરસેવકોની પ્રથમ સામાન્ય સભા આજે યોજાનાર છે. સામાન્ય સભા પૂર્વે શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
મેયર પદ માટે ખ્યાતિબેન મૂંગરા, તૃપ્તિબેન ખેતીયા અને મોનિકાબેન વ્યાસના નામો ચર્ચામાં આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી તથા વિવિધ ચેરમેન પદો માટે આશિષ જોષી, પાર્થ કોટડીયા, જીતુ શિંગાળા અને જયરાજસિંહ જાડેજાના નામોને પણ મહત્વપૂર્ણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી. કુલ 64 બેઠકોમાંથી ભાજપના 60 ઉમેદવારો વિજયી બન્યા હોવાથી પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી છે અને હવે આગામી અઢી વર્ષ માટે શહેરના શાસનની જવાબદારી નવા પદાધિકારીઓ સંભાળશે.
ભાજપ દ્વારા અંતિમ ક્ષણે નવા અને સરપ્રાઈઝ નામોની પસંદગી કરવામાં આવે તેવી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જેના કારણે પદાધિકારીઓની પસંદગી પર સૌની નજર મંડાઈ છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે સવારે યોજાનારી બેઠક બાદ તમામ નામો પર સત્તાવાર મહોર લાગશે.
નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અન્ય પદાધિકારીઓની જાહેરાત બાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેમની વરણીની પ્રક્રિયા હાથ ધરાશે. નવા પદાધિકારીઓ આગામી અઢી વર્ષ સુધી જામનગર શહેરના વિકાસકાર્યો અને નગર વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
જામનગર શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આજે યોજાનારી આ પ્રક્રિયા અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.