BREAKING NEWS

જામનગરમાં બે પુર્વ વિપક્ષી નેતા એન્ડ ગેંગ સામે ગુજસીટોકથી ખળભળાટ

  • April 06, 2026 11:35 AM 

જામનગરમાં બે પુર્વ વિપક્ષી નેતા એન્ડ ગેંગ સામે ગુજસીટોકથી ખળભળાટ


જામનગર શહેરમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયનો સપાટો: બંન્ને ગેંગના ૨૯ જેટલા માથાભારે શખ્સો સામે મોટી કાર્યવાહી :પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી સહિતના ૧૩ આરોપીઓની અટકાયત : અલ્તાફ ખફી સહિત ૮ જેલમાં, એકની અટક કરાઇ : એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી દ્વારા તપાસ 


જામનગરમાં ગઇકાલે પોલીસવડા દ્વારા પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી તેમજ અલ્તાફ ખફીની ગેંગ સામે ગુજસીટોક વિરૂદ્ધ ગુનો નોંઘ્યો હતો તેમજ બે ડઝનથી વધુ આરોપીઓ સામે ગુનો નોંધી કેટલાકની અટકાયત કરાઇ હતી. ત્યારબાદ વોર્ડ નં. ૧૨ના પટ્ટણીવાડ સહિતના વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.


અસલમ કરીમ ખીલજી ગેંગના આરોપીઓ

જામનગર શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અસલમ કરીમભાઈ ખીલજીની ગેંગ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધતા ગેંગના કુલ ૧૮ સભ્યોને કાયદાની ઝપેટમાં લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૩ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ૫ આરોપીઓ હજુ ફરાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ઝડપાયેલા આરોપીઓમાં ગેંગ લીડર અસલમ કરીમભાઈ ખીલજી સહિત  પટ્ટણીવાડના શાકીર રફીક ખીલજી, આસીફ મોહમદહુશેન ખીલજી, પુરબીયાની ખડકી પાસે રહેતા રેહાન ઇકબાલ બેલીમ, પટણીવાડના સદામ ઉર્ફે ઇંડો અસગર શેખ, અકીલ અસગર શેખ, બચુનગરના અસગરઅલી ઉર્ફે હસુ મહમદહુશેન મકવાણા, આફતાબ ઉર્ફે અપુ મહમદહુશેન મકવાણા, પટણીવાડના મહમદ ઉર્ફે ચોર ઉર્ફે મમલો અખતર પંજા, પટણીવાડના રઉફ ઉર્ફે ભુરો ગુલામહુશેન બેલીમ, મકસુદ ઉર્ફે પવન અબ્દુલરજાક પંજા, પટણીવાડના એઝાઝ ઉર્ફે ગોકુલ મહમદહહુશેન કુરેશી અને વાઘેરવાડાના હસન હારૂ​​​​​​​ન બસરનો સમાવેશ થાય છે.

વાઘેરવાડાના ગનીભાઇ ઉર્ફે ગની પટેલ ઉમર બસર, ઘાંચીની ખડકી બહાર રહેતા અસલમ કાદર શેખ, ખાટકીવાડના ઇસ્માઈલ ઉર્ફે ધરાર હશન માંડલીયા, પટણીવાડના નદીમ મહમદહુશેન ખીલજી અને પટણીવાડના લતીફ ઉર્ફે લતીફબાપુ હાજ શેખ નામના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે અને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.


અલ્તાફ ગફાર ખફી ગેંગના આરોપી

મુખ્ય સૂત્રધાર અલ્તાફ ગફારભાઇ ખફી ઉપરાંત તેના ગેંગમાં કુલ ૧૧ સભ્યો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પૈકી કુલ ૮ આરોપીઓ કે જેઓ હાલ જેલમાં છે, તેમજ ૧ આરોપીને હસ્તગત કરેલો છે, અને બે આરોપી પકડવાના બાકી છે.

અલ્તાફ ગફારભાઇ ખફી. સુમરા ઉ.વ.૪૫ રહે. ટીટોડીવાડી, ખોજાનાકા બહાર, જામનગર (કોપોરેટર) (જેલ), સમીર શકિલભાઇ ચૌહાણ,પટણી ઉ.વ.૩૧, રહે. પટણીવાડ, પીલુડી ફળી, જામનગર(જેલ), જુનેદ ઉર્ફે જુનીયો રજાકભાઇ ચૌહાણ,પટણી, ઉ.વ.૩૩, રહે.પટણીવાડ, જામનગર (જેલ), ઈસ્તીયાક યુનુશભાઇ કુરેશી, પટણી, ઉ.વ.૩૪, રહે.મહારાજા સોસાયટી, જામનગર (જેલ),  મોસીન ઉર્ફે પચાસીયા મહેબુબભાઇ રૂમી, આરબ, ઉ.વ.૩૧, રહે.ન્યુ હર્ષદમીલની ચાલી પાસે, જામનગર (જેલ), તોહિતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન શેખ, પઠાણ, ઉ.વ.૩૨, રહે. રબાની પાર્ક, મોરકંડા રોડ, જામનગર (જેલ), તબરેજ રફીકભાઇ હાલાણી, સુમરા, ઉ.વ.૨૯, રહે. ટીટોડીવાડી, સિલ્વર સોસાયટી, જામનગર (જેલ), હમીદ ઉર્ફે રાંજો જાનમામદ બ્લોચ, મકરાણી, ઉ.વ.૨૮, રહે. ખોજા નાકા, ટીટોડી વાડી, જામનગર (જેલ), ઉપરાંત પકડાયેલો આરોપી સાહીદ ઇમ્તિયાઝભાઇ ખફી, સુમરા, ઉ.વ.૨૮, રહે.ખોજાનાકા પાસે, ટીટોડીવાડી, જામનગર, તેમજ પકડવાના બાકી આરોપીઓ, અબુસુફીયાન રહેમાનભાઇ કુરેશી,પટણી, ઉ.વ.૨૬, રહે. અમન સોસાયટી પાસે, જામનગર અને ઓસમાણ મુસાભાઇ ખફી. સુમરા, ઉ.વ.૪૫ રહે.હર્ષદમીલની ચાલી, રૂમ નંબર ૨૩,જામનગર, જે બંન્નેને પોલીસ શોધી રહી છે.


જામનગરમાં બે પુર્વ વિપક્ષી નેતા એન્ડ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે, એક ગેંગના ૧૩ આરોપી અને બીજી ગેંગના ૮ શખ્સો જેલમાં છે, એકની અટક કરાઇ હતી અને સીટી-એમાં ગુજસીટોક હેઠળ બે ફરીયાદ નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે, કોર્પોરેશનની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંને પુર્વ કોર્પોરેટરોની ગેંગો સામે ગુજસીટોકનો ગાળીયો કસવામાં આવતા સ્થાનીક રાજકીય વર્તુળોમાં પણ ચકચાર મચી જવા પામી છે.

જામનગર શહેરના અતિ સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ના પટણીવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં બે જૂથો વચ્ચે થયેલી ભયાનક મારામારી અને જાહેરમાં ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા. આ ઘટનાના પડઘા છેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યા હતા, જેને પગલે એક્શન મોડમાં આવેલા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે તાત્કાલિક જામનગર દોડી આવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની મુલાકાતના ૧૦ દિવસના ટૂંકા ગાળામાં પોલીસે માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા માટે એક અત્યંત કડક અને આક્રમક રણનીતિ ઘડી કાઢી હતી, જેના પરિણામ સ્વરૂપે  શહેરમાં કાયદાનું શાસન પુન: પ્રસ્થાપિત થતું જોવા મળી રહ્યું છે.

જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાના ભાગરૂપે, પોલીસે શહેરની શાંતિ ડોહળતી બે મુખ્ય અને સક્રિય ગેંગ પર ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (ગુજસીટોક) જેવા કડક કાયદા હેઠળ ગુનો નોંધીને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. 

આ બે ગેંગમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળ ચાલતી ટોળકી અને પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ બંને જૂથો લાંબા સમયથી પોતાના વિસ્તારમાં આતંક અને ભયનો માહોલ ઊભો કરી રહ્યા હતા. 

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ દ્વારા બંને ગેંગના મળીને કુલ ૨૯ જેટલા શખ્સોને નિશાન બનાવીને તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં અસલમ ગ્રુપના ૧૮ અને અલ્તાફ ગ્રુપના ૧૧ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એકસાથે આટલા મોટા પ્રમાણમાં આરોપીઓ સામે આ પ્રકારના આકરા કાયદાનો ઉપયોગ દર્શાવે છે કે પોલીસ હવે કોઈપણ ભોગે શહેરમાં ગેંગવોર કે આતંક સાંખી લેવાના મૂડમાં નથી.

જામનગર જીલ્લામાં અસલમ ખીલજી તથા અલતાફ ખફી બંને અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી ખુન, ખુનની કોશીષ, દુષ્કર્મ, આર્મ્સ એકટ, લેન્ડ ગ્રેબીંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરીંગ, એટ્રોસીટી, ઘરફોડ ચોરી, પ્રોહીબીશન, જુગારધારા, નાર્કોટીકસ, હથિયારબંધી, જાહેરનામા ભંગ, કેફી પદાર્થ વેચાણ, જાહેરમાં મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમાં ભય પેદા કરી પોતાની ટોળકીની ગુનાહીત પ્રવૃતી પ્રત્યક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય જેમાં આજ સુધીમાં અસલમ ગેંગના સભ્યો વિરુઘ્ધ ૪૬ અને અલતાફ ગેંગના સભ્યો વિરુઘ્ધ કુલ ૫૨ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયા છે, બંને ગેંગ સામે સીટી-એ ડીવીઝનમાં ગુજસીટોક હેઠળ બે અલગ અલગ ગુના નોંધાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

આ મેગા ઓપરેશનને પાર પાડવા માટે રેન્જ આઈ.જી.ની સીધી અને સ્પષ્ટ સૂચનાઓ બાદ જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સીટી ડીવાયએસપી ઝાલાની સુચનાથી પોલીસે વહેલી સવારથી જ અત્યંત ગુપ્ત અને સુનિયોજિત રીતે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

આ સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી સહિત કેટલાક શખ્સોની સફળતાપૂર્વક અટકાયત કરી લીધી છે. બીજી તરફ, અન્ય માથાભારે અલ્તાફ ખફી અને તેના મુખ્ય સાગરીતો અગાઉના ગુનાઓમાં પહેલેથી જ જેલના સળિયા પાછળ ધકેલાયેલા છે, ત્યારે પોલીસે તેમની સામે જેલમાંથી જ ગુજસીટોક હેઠળની કાયદાકીય કાર્યવાહીનો સકંજો કસવાનું શરૂ કરી દીધું છે, જેથી તેઓ લાંબા સમય સુધી કાયદાની ચુંગાલમાંથી બહાર ન આવી શકે.

નોંધનીય છે કે, રાજકોટ રેન્જ આઈ.જી. તરીકેનો મહત્વપૂર્ણ ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી સૌથી મોટી ગુજસીટોકની કાર્યવાહી છે, જ્યારે જામનગર જિલ્લામાં તેમના નેતૃત્વ હેઠળ લેવાયેલું આ પ્રથમ અને સૌથી આકરું પગલું છે.

પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા આ અત્યંત કડક અને દાખલારૂપ પગલાંને કારણે સમગ્ર જામનગર શહેર અને જિલ્લાના અસામાજિક તત્વો, લુખ્ખાતત્વો અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસની આ ભીંસને પગલે શહેરના અનેક માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે.

ખીલજી-ખફી ગેંગની ગેમઓવર

જામનગરમાં પુર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી અને અલ્તાફ ખફી એન્ડ ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગાળીયો કસવામાં આવ્યો છે, અસલમ ગેંગ વિરુઘ્ધ ૪૬ અને અલતાફ ગેંગ વિરુઘ્ધ કુલ ૫૨ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે જેમાં મોટાભાગના ગુના સીટી-એ ડીવીઝન વિસ્તારના છે ઉપરાંત સીટી-બી, પંચ-એ, પંચ-બી, રાજકોટ, ગાંધીગ્રામ, સિકકા વિગેરેનો સમાવેશ થાય છે.



​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News