BREAKING NEWS

જામનગર પોલીસની માનવતાભરી કામગીરી: ૨૧ લોકોને રેન બસેરામાં અપાયો આશરો

  • May 26, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર પોલીસની માનવતાભરી કામગીરી: ૨૧ લોકોને રેન બસેરામાં અપાયો આશરો


સીટી પોલીસ દ્વારા નાઇટ રાઉન્ડ દરમિયાન કાઉન્સેલિંગ કરી સેલ્ટર હોમ ખાતે પહોંચાડયા


જામનગર શહેર વિસ્તારમાં જાહેર માર્ગના ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા મજૂર વર્ગના પરિવારોને સુરક્ષિત આશરો મળી રહે તે હેતુસર જામનગર સીટી પોલીસ દ્વારા માનવતાભરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા મજૂર વર્ગના પરિવારોને સુરક્ષિત આશરો આપવાની પહેલના ભાગરૂપે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક  જે.એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.


સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કવોડના પો.સ.ઇ. ડી.જી. રાજ તથા સ્ટાફના માણસો દ્વારા નાઈટ રાઉન્ડ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારના ટાઉન હોલ તથા અંબર ચોકડી નજીક જાહેર માર્ગના ફૂટપાથ પર રહેતા મજૂર વર્ગના આશરે સાત પરિવારોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.


પોલીસ દ્વારા પરિવારજનોને જાહેર સ્થળે રહેવાના જોખમો અંગે સમજ આપવામાં આવી હતી તેમજ તેમના બાળકોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી બેડી વિસ્તારમાં આવેલ સેલ્ટર હોમ (રેન બસેરા) ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.


આ પરિવારોને સરકારી વાહન મારફતે સેલ્ટર હોમ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સુરક્ષિત રહેવા માટેની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 


આ ઉપરાંત સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ તથા યોકી સ્ટાફ દ્વારા દિગજામ સર્કલ ઓવરબ્રિજ નીચે, ખોડિયાર કોલોની પાસે માલધારી હોટલ નજીક તેમજ આશાપુરા સર્કલ વિસ્તારમાં ફૂટપાથ પર જીવન જીવતા ૧૨ વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.


સાથે જ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ દ્વારા ટાઉનહોલ ખાતે ભીડભંજન મહાદેવ મંદિર સામે તથા પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક ફૂટપાથ પર રહેતા ૯ વ્યક્તિઓને સમજાવી સુરક્ષિત આશરો માટે તૈયાર કરવામાં આવ્યા હતા.


બંને ડિવિઝનની સંયુક્ત કામગીરી દરમિયાન કુલ ૨૧ વ્યક્તિઓને બેડી વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમ (રેન બસેરા) ખાતે સરકારી વાહન મારફતે સુરક્ષિત રીતે પહોંચાડી રહેવાની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. જામનગર શહેર પોલીસની આ સંવેદનશીલ અને માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application