ખંભાળીયા નજીક એમ્બરગ્રીસ, કસ્તુરી અને સિંહના નખ સાથે ૩ ગઠીયા ઝડપાયા
દરિયાઈ જીવસૃષ્ટિ તથા વન્યજીવના અતિમૂલ્યવાન અંગોના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ
એક કરોડનો મુદામાલ કબજે: દ્વારકા એસઓજીનો સપાટો: અમરેલીના બે અને ધ્રોલનાં એક શખ્સની સઘન પૂછતાછ
દરિયાઇ જીવસૃષ્ટિ અને વન્ય જીવના અતિ મુલ્યવાન અંગોના ગેરકાયદે વેપારનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો છે, કુલ ત્રણ શખ્સોને એક કરોડથી વધુના મુદામાલ સાથે પકડી પાડી તપાસનો ધમધમાટ આદર્યો છે. ખંભાળીયા-જામનગર હાઇવે પર દ્વારકા એસઓજીની ટુકડીએ અમરેલી પંથકના બે શખ્સોને શંકાસ્પદ હિલચાલ કરતા પકડી લીધા હતા. તેની પાસે રહેલા સામાનની ચકાસણી કરતા વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી, ઉપરાંત અન્ય એક બાતમીના આધારે ધ્રોલ વિસ્તારમાં રહેતા એક શખ્સને કસ્તુરી તથા સિંહના નખ સાથે દબોચી લીધો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય , રાજકોટ વિભાગ, રાજકોટ તથા, પોલીસ અધિક્ષક, જયરાજસિંહ વાળા, દેવભૂમિ દ્વારકાનાઓએ દેવભુમી દ્વારકા જીલ્લામાં વન્યજીવ તથા દરિયાઈ જીવસૃષ્ટિના પ્રતિબંધિત અને અતિમૂલ્યવાન અંગોની ગેરકાયદેસર ખરીદ-વેચાણ, સંગ્રહ અને હેરફેર કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા વી.એ. રાણા, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા વી.એન. શિંગરખીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી..દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતી.
તા. ૧૮/૦૬/૨૦૨૬ના એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. હરદિપસિંહ હેમતસિંહ જાડેજા, પોલીસ કોન્સ મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ, વિજયસિંહ ઘેલુભા જાડેજા કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા, એ રિતેના પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ. વી.એ. શિંગરખીયા સાથે સરકારી વાહન રજીસ્ટ્રેશન નંબર.જી.જે.૩૭.જી. ૦૯૮૭, પી-૯૩ માં જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જામ ખંભાળીયા મુખ્ય પ્રવેશ દ્વાર, મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે પહોંચતા સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ, હરદિપસિંહ હેંમતસિંહ જાડેજા, પોલીસ કોન્સ મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, બે ઇસમો વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) જેવો મુલ્યવાન પદાર્થનો જથ્થો પોતાની પાસે રાખી ચોરી છુપીથી વેચાણ કરવા સારું જામ ખંભાળીયા-જામનગર હાઇવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર મઢુલી હોટલની સામે રોડ ઉપર ફરી રહ્યા છે.
તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે અન્વયે બે રાહદારી પંચોને સાથે હકિકત વાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા બાતમી હકીકત મુજબના વિગત-વર્ણન વાળા બે વ્યક્તિઓ સર્વિસ રોડ ઉપર ચાલીને જતા હોય અને બન્નેના હાથમાં કાળા કલરના ઝબલા હોય જેથી તેઓને રોકી, કોર્ડન કરી લઇ બન્ને વ્યક્તિઓના પંચો રૂબરૂ નામઠામ પુછતા રાકેશભાઇ ભગવાનભાઈ રામભાઇ સાંખટ, રહે.કોટડી ગામ, નદી વિસ્તાર, હનુમાન દાદાની ડેરી પાસે, તા.રાજુલા, જિલ્લો.અમરેલી વાળો તથા લાખાભાઇ બાલાભાઇ ચનાભાઇ ડોડીયા, રહે.નાગેશ્રી ગામ, સિધ્ધનાથ મહાદેવના મંદિર પાસે, તા.જાફરાબાદ, જિલ્લો અમરેલી વાળો હોવાનું જણાવેલ. જેથી બન્ને ઇસમોને હકિકતથી વાકેફ કરી નંબર.૧ વાળા પાસે રહેલ ઝબલું જોતા પ્લાસ્ટિકની કાળા કલરની કોથળી અંદરથી અનિયમીત આકારના આછા પીળા/રાખોડી પડતા રંગના અને વિશિષ્ટ ગંધ ધરાવતા ઘન પદાર્થના નાના-મોટા ટુકડાઓ મળી આવેલ તેમજ નંબર.ર વાળા પાસે રહેલ ઝબલું જોતા પ્લાસ્ટિકની કાળા કલરની કોથળી અંદરથી અનિયમીત આકારના આછા પીળા/રાખોડી પડતા રંગના અને વિશિષ્ટ ગંધ ધરાવતા ઘન પદાર્થના નાના-મોટા ટુકડાઓ મળી આવેલ. જે ટુકડાઓ બાબતે મજકુર બન્ને ઇસમોને પુછપરછ કરતા આ ટુકડાઓ વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ)ના હોવાનું તથા આ વ્હેલ માછલીની ઉલ્ટી વેંચાણ કરવા સારૂ ગ્રાહક શોધતા-શોધતા નીકળેલ હોવાનું જણાવેલ, બાદ મળી આવેલ ટુકડાના આકાર, પદાર્થ, સુગંધ, રંગ જોતા સદર ટુકડાઓ પ્રાથમિક દ્રષ્ટીએ વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) હોઇ શકે તેમ જણાય આવતું હોય જેથી મજકૂર બન્ને ઇસમના કબજામાંથી મળી એંબરગ્રીસનો વજન કરતા કુલ વજન ૧ કિલો ૬૫ ગ્રામ જેની કિંમત રૂપિયા.૧,૦૬,૫૦,૦૦૦/- (એક કરોડ, છ લાખ, પચાસ હજાર) ગણી એક પ્લાસ્ટીકના બોક્સમાં મુકી મજકુર ઇસમોને હસ્તગત કરી, આગળની તપાસ થવા સારુ એમ્બરગ્રીસનો જથ્થો તથા મજકુર બન્ને ઇસમોને ઘટીત કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક, જામ ખંભાળીયાને સોંપી આપેલ છે.
ઉપરોક્ત કામગીરીમાં હતા તે દરમ્યાન સાથેના પોલીસ કોન્સ. વિજયસિંહ ઘેલુભા જાડેજા તથા કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજાને ખાનગીરાહે બાતમી હકિક્ત મળેલ કે, એક ઈસમ પાસે કસ્તુરી તથા સિંહના અસલ નખ હોય અને તેનું વેચાણ કરવા સારૂ ખંભાળીયામાં સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલ હનુમાનજીના મંદિરથી આગળ ફરી રહ્યો છે ચોક્કસ હકિક્ત મળેલ હોય જે અન્વયે બે રાહદારી પંચોને બોલાવી હકિકત વાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા મળેલ હકિક્ત વર્ણન વાળો એક ઈસમ ચાલીને આવતો હોય જેને રોકાવીને કોર્ડન કરી લઈ મજકુર ઈસમનું પંચો રૂબરૂ નામઠામ પુંછતા પોતે પોતાનું નામ ફિરોઝભાઇ મામદભાઇ મકવાણા, રહે.ધ્રોલ, ગાયત્રી નગર, મફતીયા પ્લોટ, તા.ધ્રોલ, જિલ્લો. જામનગર વાળો હોવાનું જણાવેલ હતું.
જેથી આ ઇસમને બાતમી હકીકતથી વાકેફ કરી અંગ ઝડતી તપાસ કરતા મજકુર ઈસમના પેન્ટમાંથી એક પ્લાસ્ટીકની પારદર્શક કોથળી મળી આવેલ જે કોથળીમાં જોતા એક કાળા-સફેદ-ભુરા વાળ વાળો ગોળ આકારનો ટુકડો હોય અને તે એક બાજુએથી કપાયેલ છે અને ત્યાં લાલ કલર જોવામાં આવે છે અને તે ભાગ એકદમ ખુશ્બુદાર અને સખત છે તેમજ પ્રાણીના બે સખત નખ છે અને તે બંન્ને નખ ઉપર અલગ અલગ કાપા જોવામાં આવેલ, તે બાબતે ઈસમની પુછપરછ કરતા જે વાળ વાળી, એક તરફથી કપાયેલ ગોળ વસ્તુ કસ્તુરી હોવાનું અને બે નખ સિંહના નખ હોવાનું જણાવેલ જેથી મજકુર ઈસમ પાસે તેના કબ્જામાંથી મળી આવેલ કસ્તુરી તથા નખ બાબતે કોઈ આધાર-પુરાવા કે લખાણ હોય તો રજુ કરવા કહેતા મજકુર ઈસમ પાસે કોઈ આધાર-પુરાવા નહિં હોવાનું જણાવેલ. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ (૧) કસ્તુરી જેની આશરે કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા (૨) સિંહના નખ નંગ-૦૨ કિં.રૂ.૨૦,૦૦૦/-ગણી અલગ અલગ પ્લાસ્ટીકના બોક્સમાં મુકી ઇસમને હસ્તગત કરેલ છે અને આગળની તપાસ થવા સારૂ ઘટીત કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મરીન નેશનલ પાર્ક, જામ ખંભાળીયાને સોંપી આપેલ છે.
ઉપરોકત કાર્યવાહીમાં પકડાયેલ મુદ્દામાલમાં એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) ૧ કિલો ૬૫ ગ્રામ જેની કિં.રૂ.૧,૦૬,૫૦,૦૦૦ (એક કરોડ, છ લાખ, પચાસ હજાર)તથા કસ્તુરી જેની આશરે કિં.રૂ.૧,૦૦,૦૦૦ તેમજ સિંહના નખ નંગ-૦૨ કિં.રૂ.૨૦,૦૦૦ કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧,૦૭,૭૦,૦૦૦ ( એક કરોડ, સાત લાખ, સિતેર હજાર)નો સમાવેશ થાય છે.